You are here
Home > Prachar News > હેરાનગતી બંધ નહી થાય તો હિજરત કરીશુ-હસનપુર ઠાકોર સમાજ

હેરાનગતી બંધ નહી થાય તો હિજરત કરીશુ-હસનપુર ઠાકોર સમાજ

પાણી પુરવઠો અને ઘંટીએ દળવાનુ બંધ કરવાની ધમકી

હેરાનગતી બંધ નહી થાય તો હિજરત કરીશુ-હસનપુર ઠાકોર સમાજ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના હસનપુર ગામમાં વિધાનસભાની ચુંટણીમાં થયેલી જુથ અથડામણનો વિવાદ અટકતો નથી. તાલુકાના પટેલ અને ઠાકોર સમાજના આગેવાનો આગળ આવી બન્ને જુથને સમજાવે તો વિવાદ શાન્ત પડે તેમ છે. પરંતુ હવે સબળ આગેવાની રહી નથી. હસનપુરના પટેલોનો ઠાકોર ઉપરના આક્ષેપ બાદ હવે ઠાકોરોએ આક્ષેપ કર્યો છેકે પટેલ ખેડૂતો જાતેજ રજકો વાઢી ગંજબજારમાં વેચે છે અને ખોટી ફરિયાદો કરે છે.
વિસનગર તાલુકાના હસનપુર ગામના પટેલોએ ચુંટણીની જુથ અથડામણની અદાવતમાં ઠાકોરો રાત્રે ખેતરોમાંથી રજકો વાઢી નાખે છે તેવી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ગામના ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ હતી. પટેલોના આક્ષેપ બાદ ગામના ઠાકોરો દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. જેમાં આક્ષેપ કરાયા છેકે, હસનપુર ગામના પટેલો પોતે કરેલી ખેતી જાતેજ કાપી નાખે છે. ઘાસચારો, રચકો જાતેજ કાપી વિસનગર ગંજબજારમાં વેચે છે. ખેતરમાંથી રજકો વાઢ્યાની જેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે તે પોતેજ રજકો વાઢી ટ્રેક્ટર, છકડો, રીક્ષામાં ભરી વેચવા જાય છે. વિસનગર ગંજબજારમાં વહેલી સવારે રજકો વેચવા આવે છે. આ બાબતેના સીસીટીવી ફૂટેજ મેળવી તથા ફોટા પાડી તેના પૂરાવા પોલીસ સ્ટેશને આપવામાં આવ્યા છે. જ્યારે ઠાકોરો ઉપર ખોટા આક્ષેપો કરી પોલીસ ફરિયાદ કરી જેલમાં પુરાવાની કોશીશ કરે છે. ઠાકોરોએ અરજીમાં એ પણ આક્ષેપ કરાયો છેકે સરન્ડર નહી થાય તો વોટર વર્કસનુ પાણી અને ઘંટીએ દળવાનુ બંધ કરવામાં આવશે તેવી ધમકીઓ આપવામાં આવે છે.
હસનપુર ગામના ઠાકોર આગેવાનોએ એ પણ જણાવ્યુ છેકે, ગામમાં ઝઘડાઓ વધે નહી તે માટે સમાધાન થાય તે માટે તમામ તૈયારીઓ દર્શાવી છે. ડી.વાય.એસ.પી.સાહેબ તથા પી.આઈ.સાહેબ ગત અઠવાડીયે હસનપુરમાં આવ્યા ત્યારે સમાધાન માટેની ઠાકોર સમાજ દ્વારા તમામ તૈયારીઓ દર્શાવી હતી. પરંતુ ગમે તે કારણોસર ગામના પાટીદારો સમાધાન ન થાય તે માટે ખોટા આક્ષેપો કરી ફરિયાદો કરી વિવાદ વધુ થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. હસનપુર ગામના તમામ ખેડૂતોના ખેતરોમાંથી ઠાકોરો રજકો વાઢી જતા હોય તો રોજ ગંજબજારમાં હસનપુરમાંથી વાહનોમાં રજકો વેચવા કોણ આવે છે. ઠાકોરોએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યુ છેકે મોટી રાજકીય વગ ધરાવતા અને મોટા જુથના લોકોની હેરાનગતી બંધ નહી થાય તો હસનપુરના ઠાકોરોને હિજરત કરવાની ફરજ પડશે અને ગાંધીનગર સચીવાલય આગળ ઉપવાસ ઉપર ઉતરી ન્યાય માગવામાં આવશે.

Leave a Reply

Top