You are here
Home > News > ગંજબજાર ગેટ પાસેના વેપારીઓને ધંધો કરવો મુશ્કેલ પડશે ગંજ બજાર ફાટક ઉંચો કરતા ચોમાસુ પાણી ભરાવવાનો ભય

ગંજબજાર ગેટ પાસેના વેપારીઓને ધંધો કરવો મુશ્કેલ પડશે ગંજ બજાર ફાટક ઉંચો કરતા ચોમાસુ પાણી ભરાવવાનો ભય

ગંજબજાર ગેટ પાસેના વેપારીઓને ધંધો કરવો મુશ્કેલ પડશે
ગંજ બજાર ફાટક ઉંચો કરતા ચોમાસુ પાણી ભરાવવાનો ભય
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ગંજ બજાર તરફનુ વરસાદી પાણી રેલ્વે ફાટક પાસેથી પસાર થઈ ગાયત્રી મંદિર તરફ નિકાલ થતો હતો. ત્યારે બ્રોડગેજ લાઈનના કારણે પુરાણ કરવામા આવ્યુ છે. વરસાદી પાણીના નિકાલનો માર્ગ બંધ થતા ગંજબજાર વિસ્તારમાં પાણી ભરવાની પુરેપરી શક્યતા જોતા આ વિસ્તારના દુકાનદારો દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા પાલિકા ઓફીસર તથા પ્રમુખ સમક્ષ રજુઆત કરવામા આવી છે.
જયારે પણ વિસનગરમાં એક સામટો દોઢ ઈંચ જેટલો વરસાદ થયો છે ત્યારે ગંજબજાર મેઈન ગેટ આગળ દોઢથી બે ફુટ પાણી ભરાયા છે. ઘણી વખત ભારે વરસાદમાં વરસાદી પાણી ઘુસી જતા નુકશાન થવાના બનાવો બન્યા છે. ગંજબજાર વિસ્તારનું તમામ વરસાદી પાણી રેલ્વે ટ્રેક અને કરમુક્ત વખારપ્લોટ વચ્ચેથી પસાર થઈ ગાયત્રી મંદિર તરફ વહી આગળ તેનો નિકાલ થતો હતો. ગંજ બજાર ફાટકથી ગંજ બજારના મેઈન ગેટ આગળ થઈ કાંસા ચાર રસ્તા તરફ પાલિકા દ્વારા વરસાદી પાણીની કેનાલ બનાવવામા આવી છે. પરંતુ કેનાલમાં કચરો ભરાતા તેમા વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી.
હવે આવનાર ચોમાસુ ગંજબજાર મેઈન ગેટ વિસ્તાર અને ગંજબજારની પેઢીઓ માટે ભયાનક સાબીત થાય તેમ છે. મહેસાણા તારંગા બ્રોડગેજ લાઈનના કારણે વરસાદી પાણીના કુદરતી વહનના માર્ગે રેલ્વે તંત્ર દ્વારા પુરાણ કરવામા આવ્યુ છે. ગંજ બજારનો ફાટક લગભગ ત્રણ ફુટ જેટલો ઉંચો કરવામા આવ્યો છે. આવા સંજોગોમાં હવે ગંજબજાર વિસનગરના વરસાદી પાણીનો નિકાલ થવો અશક્ય છે. ચોમાસુ પાણી ભરાવાની ગંભીરતા ધ્યાને રાખી ગંજબજાર વિસ્તારના દુકાનદારો દ્વારા વિસનગર પાલિકા ચિફ ઓફીસર સંજયભાઈ પટેલ અને પ્રમુખ ગોંવિદભાઈ ગાંધીને રજુઆત કરવામા આવી છે કે રેલ્વે ફાટક ઉંચો કરવાથી તેમજ પાણી વહનના કુદરતી માર્ગે પુરાણ કરવામા આવતા વરસાદી પાણીનો નિકાલની કોઈ શક્યતા નથી. ચોમાસામા આ વિસ્તારની દુકાનોમાં પાણી ભરાઈ જવાની પુરેપરી શક્યતા છે. આ વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલ માટેના તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે. વિજકંપનીનુ નડતરરૂપ ડી.પી હટાવવા તથા ટ્રાફીકમાં નડતરરૂપ રીક્ષા સ્ટેન્ડ હટાવવા માટે પણ રજુઆત કરવામા આવી છે.
ગંજબજાર વિસ્તારના વેપારીઓની રજુઆત બાબતે પાલિકાએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.ફાટકની બન્ને બાજુ વરસાદી પાણીના નિકાલની કેનાલ છે. પરંતુ ચોમાસુ પાણી આ કેનાલમાંથી નીકળી શકતુ નથી. ફાટકથી ગંજબજાર થઈ કાંસા ચાર રસ્તા તરફ જતી કેનાલ તથા ફાટકથી લવારીયાઓના ઘર પાસેથી નુતન હાઈસ્કુલ આગળ થઈ ઉમિયા માતાના મંદિર પાસેના નાળા સુધી જતી કેનાલમાંથી કચરો કાઢી આ કેનાલો સાફ કરવામા આવે તોજ વરસાદી પાણીનો નિકાલ થાય તેમ છે. વેપારીઓના રજુઆત સંદર્ભે પાલિકા તંત્ર જો અત્યારથી નહી જાગે તો આવનાર ચોમાસુ ગંજ બજાર વિસનગરના દુકાનદારો અને ગંજબજારની પેઢીઓ માટે નુકશાનકારક સાબીત થાય તેમ છે.

Leave a Reply

Top