You are here
Home > News > ફેડરેશનના અન્યાય તેમજ પશુપાલકો અને દુધ ઉત્પાદકોના સમર્થનમાં દુધસાગર ડેરીના વાઈસ ચેરમેન મોઘજીભાઈ પટેલનુ ભાજપમાંથી રાજીનામુ

ફેડરેશનના અન્યાય તેમજ પશુપાલકો અને દુધ ઉત્પાદકોના સમર્થનમાં દુધસાગર ડેરીના વાઈસ ચેરમેન મોઘજીભાઈ પટેલનુ ભાજપમાંથી રાજીનામુ

ફેડરેશનના અન્યાય તેમજ પશુપાલકો અને દુધ ઉત્પાદકોના સમર્થનમાં
દુધસાગર ડેરીના વાઈસ ચેરમેન મોઘજીભાઈ પટેલનુ ભાજપમાંથી રાજીનામુ
• લોકસભાની ચુંટણીમાં ખેરાલુ વિધાનસભામાં બે સહકારી આગેવાનો મોઘજીભાઈ ચૌધરી અને ભિખાલાલ ચાચરીયા વચ્ચે કાંટાની ટક્કર
• ખેરાલુ વિધાનસભાના ઈન્ચાર્જ ભિખાલાલ ચાચરીયા ગત લોકસભા જેટલી લીડ ભાજપના ભરતસિંહને અપાવવા એડીચોટીનું જોર લગાવશે

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
રાજકારણ પ્રવાહી છે, ક્યારે શું થાય તે કહી શકાય નહી. લોકસભાની ચુંટણીની ટીકીટ વહેચણી પહેલા પાટણ લોકસભાના ઈન્ચાર્જ મયંકભાઈ નાયકની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં ભરતભાઈ રાજગોર, ગજેન્દ્રભાઈ સક્સેના, રમીલાબેન દેસાઈ, ભરતસિંહ ડાભી, વિનાયકભાઈ પંડ્યા અને શહેર ભાજપ પ્રમુખ હેમન્તભાઈ શુકલ હાજર હતા ત્યારે દુધસાગર ડેરીના વાઈસ ચેરમેન મોઘજીભાઈ પટેલ કે જેઓ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ છે તે પણ હાજર હતા તે સમયે તેમણે રજુઆત કરી હતી કે ફેડરેશનનો વહીવટ ગુજરાત સરકાર ચલાવે છે. ફેડરેશન અમને અન્યાય કરે છે. અમારા બાકી નિકળતા નાણાં ૩૪૭ કરોડ દુધસાગર ડેરીને આપવામાં આવતા નથી. જે અમને અન્યાયકર્તા છે. જો ફેડરેશન અમને નાણાં નહી આપે તો ખેડૂતો, પશુપાલકો અને દુધ ઉત્પાદકોના સમર્થનમાં અમે ભાજપનો વિરોધ કરીશુ. પાટણ લોકસભા સીટમાં કાંટાની ટક્કર થશે. છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા મોઘજીભાઈ ચૌધરીએ ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા વગર ખુલ્લુ સમર્થન કરતા ખેરાલુ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પાટણ લોકસભાની ચુંટણીમાં ખેરાલુ વિધાનસભાના ઈન્ચાર્જ ભિખાલાલ ચાચરીયા માટે ભરતસિંહને લીડ અપાવવી તે પ્રતિષ્ઠાભર્યો જંગ બનશે. ભિખાલાલ ચાચરીયા ખેરાલુ એ.પી.એમ.સી.ના ચેરમેન છે તેમજ ડીસ્ટ્રીક્ટ બેંકની ચુંટણીમાં સરખા મત મળતા ટાઈ પડતા તેમણે ડીરેક્ટર પદ ગુમાવ્યુ હતુ પરંતુ ડીસ્ટ્રીક્ટ બેંક ઉપર તેમની પકડ છે. તેમની સામે લોકસભાની ચુંટણીમાં ભાજપ સરકારથી નારાજ થઈ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તથા દુધસાગર ડેરીના વાઈસ ચેરમેન મોઘજીભાઈ પટેલ દ્વારા પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરને ખુલ્લુ સમર્થન જાહેર કરી પાટણ ખાતે જગદીશભાઈ ઠાકોરને ફોર્મ ભરાવવા જાહેર સભામાં હાજર રહી ભાજપ સરકાર ઉપર આક્ષેપો કર્યા હતા. ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં ભરતસિંહ ડાભી ત્રણ ટર્મથી ચુંટાતા હોવાથી લોકસભામાં લીડ મળે તેવુ ચર્ચાય છે. ત્યારે ભરતસિંહ ડાભીને લીડ અપાવવા તેમજ લીડ ઓછી કરવા બે સહકારી આગેવાનો વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ થશે તેવુ લાગે છે.
ઉપરોક્ત બાબતે પ્રચાર સાપ્તાહિકે દુધસાગર ડેરીના વાઈસ ચેરમેન મોઘજીભાઈ પટેલને પુછ્યુ કે ભાજપ કેમ છોડ્યુ? તમે તો સૌથી જુના ભાજપના પીઢ આગેવાન છો. મોંઘજીભાઈ પટેલે જણાવ્યુ કે ફેડરેશન દ્વારા દુધસાગર ડેરીને અન્યાય થાય છે. દુધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર સાથે અમે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને ફેડરેશનના અન્યાય બાબતે મળવા ગયા હતા. અમે રજુઆત કરી કે ફેડરેશન રોજ દસ કરોડનો માલ લઈ પાંચ કરોડ ચુકવે છે. બીજા સંઘો કરતા અમારા નાણાં વધુ બાકી રાખવામાં આવે છે. બનાસ ડેરીના બે ડીરેક્ટરો ભાજપ અને કોંગ્રેસમાંથી સામ સામે લોકસભાની ચુંટણી લડે છે. બનાસ ડેરી, સાબરડેરી અને પંચમહાલ ડેરીએ ભાવ વધારો દુધમાં કર્યો છતા તેમની ઉપર આચારસંહિતા લાગી નથી. ત્યારે મહેસાણા દુધસાગર ડેરીએ ભાવ વધારો કર્યો તેમાં આચારસંહિતાની નોટીસ આવી અને દુધનો કિલો ફેટે ભાવ વધારો કરતા અટકાવ્યા છે. માત્ર મહેસાણા દુધસાગર ડેરીને ભાવ વધારો માટે આચારસંહિતાની નોટીસ કેમ? ભાજપના નિતીનિયમો, શિસ્ત અને પ્રણાલી જે પહેલા હતી તે રહી નથી. કોંગ્રેસી કલ્ચર થઈ ગયુ છે. સરકાર દ્વારા પશુપાલકો, ખેડુતો અને દુધ ઉત્પાદકોના હિત માટે કોઈ નિર્ણય ન લેતા છેવટે ભાજપ છોડ્યુ છે. કોંગ્રેસનો ખેસ પહેર્યો નથી. જગદીશભાઈ ઠાકોરે પશુપાલકો, ખેડૂતો અને દુધઉત્પાદકોના પ્રશ્નોને વાચા આપવા અને પ્રશ્નો ઉપાડવા ખાત્રી આપતા અમે ભાજપ છોડી કોંગ્રેસને ખુલ્લુ સમર્થન કર્યુ છે. પાટણ અને મહેસાણા લોકસભા સીટના ખેડૂતો, પશુપાલકો અને દુધ ઉત્પાદકોના હિતમાં ભાજપ છોડ્યુ છે.
ઉપરોક્ત બનાવમાં દુધસાગર ડેરીની ૧૨૦૦ મંડળીઓ છે. જેમાંની મોટાભાગની મહેસાણા અને પાટણ લોકસભા સીટમાં સમાવેશ થાય છે. ૧૨૦૦ મંડળીઓના પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો ભાજપની વિરુધ્ધમાં મતદાન કરવાનું મન બનાવી દેતો મોઘજીભાઈ પટેલના રાજીનામાથી મોટી અસર ઉભી થાય તેમ છે. મહેસાણા અને પાટણ સીટમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થશે જેથી દુધસાગર ડેરીનો પ્રશ્ન ભાજપને નુકશાન કરે તેવુ હાલ લાગે છે. મોઘજીભાઈ પટેલે પ્રચાર સાપ્તાહિકને વધુમાં જણાવ્યુ હતું કે, હવે હું કોઈ પક્ષમાં જોડાવાનો નથી. ધારાસભ્ય કે સંસદ સભ્ય થવા ભાજપ છોડ્યુ નથી. દુધસાગર ડેરીમાં ભાજપ સરકારના ફેડરેશનની હેરાનગતી વિરુધ્ધમાં ભાજપ છોડ્યુ છે. હું માત્ર ખેડુત આગેવાન અને સહકારી આગેવાન તરીકે કામ કરવા માંગુ છું.
૨૦૧૪ ની લોકસભાની ચુંટણીમાં ખેરાલુ વિધાનસભા સીટના ઈન્ચાર્જ ભીખાલાલ ચાચરીયા હતા. તેમણે ખુબજ મહેનત કરીને ભાજપને આશરે ૪૫ હજારની લીડ અપાવી હતી. જિલ્લા મોવડીઓએ ભીખાલાલ ચાચરીયાને ફરીથી લોકસભાની ચુંટણીમાં ૨૦૧૯ માં વિધાનસભાના ઈન્ચાર્જ બનાવ્યા છે. ચાલુ ચુંટણીમાં ભરતસિંહ ડાભીને ખેરાલુ વિધાનસભામાં લીડ અપાવવા માટે બે સહકારી આગેવાનો ભીખાલાલ ચાચરીયા અને મોઘજીભાઈ પટેલ સામસામે આવ્યા છે. જોઈએ હવે કોણ કોને ભારે પડે છે. અને છેલ્લે ભીખાલાલ ચાચરીયાએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન આપણા તાલુકાના છે અને પાટણ લોકસભા સીટના ઉમેદવાર પણ આપણા તાલુકાના છે. જેથી આપણે તો સોનામાં સુગંધ ભળે તેવુ છે.

Leave a Reply

Top