You are here
Home > News > ભરતસિંહ ડાભીને જંગી બહુમતીથી લોકસભામાં વિજયી બનાવવા ખેરાલુ મતદાન દિવસે ભાજપના સમર્થનમાં બંધ રાખવા એલાન

ભરતસિંહ ડાભીને જંગી બહુમતીથી લોકસભામાં વિજયી બનાવવા ખેરાલુ મતદાન દિવસે ભાજપના સમર્થનમાં બંધ રાખવા એલાન

ભરતસિંહ ડાભીને જંગી બહુમતીથી લોકસભામાં વિજયી બનાવવા
ખેરાલુ મતદાન દિવસે ભાજપના સમર્થનમાં બંધ રાખવા એલાન
• ર૩મી એપ્રિલે મતદાનના દિવસે ભાજપના ટેકામાં ખેરાલુ શહેર બંધ રાખવાનો વેપારી મહામંડળનો નિર્ણય
• ખેરાલુ તાલુકામાં પ્રચારની જવાબદારી ખેરાલુના વેપારીઓએ ઉપાડી
• ભરતસિંહ ડાભીને ચુંટણી સુધી ખેરાલુની ચિંતા છોડવા વેપારીઓનો આગ્રહ
• ખેરાલુ શહેરના હિંદુ-મુસ્લીમોને એક કરી ગામ સમરસ કરવા વેપારીઓ અને આગેવાનોની મિટીંગ મળી
• ભારતની આઝાદી પછી પહેલીવાર ખેરાલુ તાલુકાને લોકસભાની ટીકીટ ભાજપે આપી
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં લોકસભાની ચુંટણીને લઈને સમસ્ત ખેરાલુ નગરના વેપારીઓ, આગેવાનો, તમામ જ્ઞાતિના વડીલો સહિત યુવાનોની મિટીંગ મળી હતી. આ મિટીંગનો હેતુ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ખુલ્લુ સમર્થન જાહેર કરવાનો હતો. આ મિટીંગ સમય કરતા વહેલી શરૂ થઈ ગઈ હતી. ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ હેમન્તભાઈ શુકલ એ જણાવ્યુ હતુ કે ગત લોકસભામાં લીડ સમગ્ર પાટણ લોકસભામાં સૌથી વધુ ખેરાલુ વિધાનસભાએ આપી હતી જેના કારણે લોકસભાની ટીકીટ ખેરાલુને મળી છે. ભરતસિંહ ડાભીને લોકોએ ફુટ અને શાકભાજી ખરીદતા પણ જોયા છે. તેવુ તેમનું સરળ વ્યક્તિત્વ છે. પાલિકાના પુર્વે પ્રમુખ બી.જી. પટેલે જણાવ્યુ હતુ કે હાલતો મોસાળમાં માઁ પિરસનાર હોય તેવો આ પ્રસંગ છે. પૂર્વ પાલિકા પ્રમુખ પ્રેમજીભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે ખેરાલુ શહેર સ્વ.મોહનભાઈ દેસાઈ અને રમીલાબેન દેસાઈની ચુંટણીમાં એક થયુ અને બન્ને જીત્યા હતા આજે આ ત્રીજો પ્રસંગ છેકે જેમા સમગ્ર શહેર એક થશે. રમીલાબેન દેસાઈએ શાયરીથી શરૂઆત કરી હતી આ શાયરી કાશ્મીરમાં જવાહરલાલ નહેરુની ભુલ બાબતે હતી. દેશની સરહદોને આપણી જરૂર છે, નગુણા ન થતા ભાજપને વોટ જરૂર આપજો. ભરતસિંહ ડાભીના વિશ્વાસુ લાલાજી ઠાકોરે જણાવ્યુ હતુ કે ત્રણ વખત મોટી લીડથી જીત્યા છીએ. નગરપાલિકાની ચુંટણીના જેમ પાલિકા સદસ્યો એક એક વોટ માટે પ્રયત્ન કરશે. ખેરાલુની જવાબદારી આપણા સૌની છે. ખેરાલુ વહેપારી મહામંડળના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યુ હતુ કે આજે આનંદ અને ગૌરવનો પ્રસંગ છે. શહેર એક થઈ રમીલાબેનને જીતાડયા, ૭૦ વર્ષે લોકસભાનું પ્રતિનિધિત્વ મળ્યુ છે. હિન્દુ-મુસ્લીમ જ્ઞાતિ જોયા વગર એક્તા બતાવી આ કમળ જંગી લીડથી મોકલીશું. આ કમળ દેશના વિકાસ અને સુરક્ષા માટે મોકલવાનું છે. બીન ભ્રષ્ટાચારી વ્યક્તિત્વ ભરતસિંહ ડાભી છે. ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતુ કે ગુજરાતના પનોતા પુત્ર એ કરફ્યુ વાળુ સાશનમાંથી લોકોને છોડાવ્યા છે. કોઈનો લાડકવાયો પરત આવશે કે નહી તેની ચિંતા થતી હતી. ગુજરાતમાં સલામતી સાથે વિકાસનું શાસન આવ્યુ છે. આપણે સાંસદ નથી ચુંટવાનો પી.એમ.ચુંટવાનો છે. કોંગ્રેસના સાશનમાં પાણી અને રસ્તા માટે આંદોલનો કરવા પડતા હતા. હાલ સરકારે લોક કલ્યાણનું આંદોલન શરુ કર્યુ છે. જ્યોતિગ્રામ, આયુષ્યમાન ભારત જેવી અસંખ્ય યોજનાઓ શરૂ કરી છે. આ ટીકીટ ભરતસિંહને નથી ફાળવી પરંતુ તમે કમળનું બટન દબાવો છે તેને ફાળવી છે. ખેરાલુ વિધાનસભાની ચુંટણીમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ લીડ મળી છે. હમણા એરપોર્ટ ઉપર નરેન્દ્રભાઈ મળ્યા ત્યારે તેમણે કહ્યુ કે આપણા વિસ્તારમાં લોકો મજામાં છે ને ચાણસ્મા, પાટણ, કાંકરેજમાં કાર્યકરોમાં ઉત્સાહ છે. ગુજરાતની ર૬ સીટો જીતવાના છીએ. હું સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો સભ્ય બની ત્રણ વખત ધારાસભ્ય બન્યો. તમારા થકી પંચાયતથી પાર્લામેન્ટ સુધીની તક મળી છે. ખેરાલુ ર૦ વિધાનસભાની પ્રજા ૮૦થી ૯૦ % સમરસ કરી મત આપવાની છે. તમારા પ્રતિનિધી તરીકે કયારેય ખોટુકામ કર્યુ નથી. સાચવીને રાજકારણ કર્યુ છે. નરેન્દ્રભાઈના કારણે ભારત ચૌથી મહાસત્તા બની છે. પોપટભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યુ કે વર્ષો પુર્વે તુલસીદાસ કિલાચંદ શેઠને ગામ સમરસ કરી જીતાડયા હતા. ભરતસિંહ લોક લાડીલા નેતા છે તેમને જીતાડવાના છે. ં ખેરાલુ બજાર બંધ રાખી વોટીંગમાં મદદરૂપ થવા વહેપારી મહામંડળના પ્રમુખે વેપારીઓને પુછતા તમામ વહેપારીઓએ હાથ ઉંચા કરી સમર્થન આપ્યુ હતુ. છેલ્લે ઓધવદાસ સિંધી અને પ્રભુદાસ પ્રજાપતિએ સમાજવતી ભરતસિંહ ડાભીને ખુલ્લુ સમર્થન જાહેર કર્યુ હતુ. આભારવિધી રસીકભાઈ કડીયાએ કરી હતી.

Leave a Reply

Top