You are here
Home > News > ભાજપના ઉમેદવાર કાર્યકરોના સહારે – કોંગ્રેસના ઉમેદવાર આત્મબળના સહારે મહેસાણા લોકસભા સીટમાં (કમળ) શારદાબેન પટેલ V/S (પંજો ) એ.જે.પટેલ

ભાજપના ઉમેદવાર કાર્યકરોના સહારે – કોંગ્રેસના ઉમેદવાર આત્મબળના સહારે મહેસાણા લોકસભા સીટમાં (કમળ) શારદાબેન પટેલ V/S (પંજો ) એ.જે.પટેલ

ભાજપના ઉમેદવાર કાર્યકરોના સહારે – કોંગ્રેસના ઉમેદવાર આત્મબળના સહારે
મહેસાણા લોકસભા સીટમાં (કમળ) શારદાબેન પટેલ V/S (પંજો ) એ.જે.પટેલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકસભાની ચુંટણી જાહેર થતાજ મહેસાણા લોકસભા સીટમાં ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે કોણ આવે છે તેની અટકળો શરૂ થઈ હતી. ચુંટણીના જાહેરનામા બાદ પાંચમાં દિવસે કોંગ્રેસે એ.જે.પટેલની તો છઠ્ઠા દિવસે ભાજપે શારદાબેન પટેલની વિધિવત જાહેરાત કરતા અટકળોનો અંત આવ્યો હતો. શારદાબેન પટેલ ભાજપના કાર્યકરો માટે નવા છે. પરંતુ ભાજપની ખાસીયત છેકે તે કાર્યકરોની મહેનતથી ધાર્યુ પરિણામ મેળવે છે. જેથી ભાજપના ઉમેદવાર કાર્યકરોના સહારે કહી શકાય. જ્યારે એ.જે.પટેલ ઘડાયેલા સામાજીક અને રાજકીય અગ્રણી છે. પરંતુ કોંગ્રેસની જુથબંધીના કારણે હંમેશા ઉમેદવારોને શોષવા વારો આવતો હોઈ કોંગ્રેસના ઉમેદવાર આત્મબળના સહારે કહી શકાય.
લોકસભાની ચુંટણીમાં કુલ ૫૪૩ બેઠકો પૈકી નરેન્દ્રભાઈ મોદી જ્યાંથી ચુંટણી લડે છે તે સીટ નહી પરંતુ તેમના માદરે વતનની સીટ સૌથી વધુ મહત્વ ધરાવતી સીટ કહી શકાય. આમ મહેસાણા લોકસભા સીટનુ મહત્વ વધારે હોઈ ચુંટણીનુ જાહેરનામુ પડ્યુ ત્યારથી આ સીટ ઉપર ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે કોણ આવી રહ્યુ છે તેની ઉપર સૌની મીટ મંડાઈ હતી. ૨૮ માર્ચથી ૧ એપ્રિલ એમ પાંચ દિવસની વિવિધ અટકળો બાદ ૧ એપ્રિલની રાત્રે કોંગ્રેસે ઉમેદવાર તરીકે એ.જે.પટેલના નામ ઉપર મહોર મારી હતી. જ્યારે બીજી એપ્રિલના દિવસે પૂર્વ ઉદ્યોગમંત્રી સ્વ.અનિલભાઈ પટેલના પત્નિ શારદાબેન પટેલની ભાજપે ઉમેદવાર તરીકેની વિધિવત જાહેરાત કરી હતી.
આ બન્ને ઉમેદવારોમાં હાલની પરિસ્થિતિએ મજબુત ઉમેદવાર કોંગ્રેસના એ.જે.પટેલ કહી શકાય. કારણકે તેઓ જીલ્લામાં મોટી મતદાર સંખ્યા ધરાવતા ચોર્યાસી કડવા પાટીદાર સમાજના છે. ચોર્યાસી કડવા પાટીદાર સમાજની ખાસીયત રહી છેકે, સમાજના લોકો ભલે ગમે તે પક્ષમાં માનતા હોય, પરંતુ સમાજનો જ્યારે ઉમેદવાર હોય ત્યારે સમાજના મતદારો પક્ષાપક્ષીનો ભેદ ભુલી જતા હોય છે. એ.જે.પટેલ પાટણ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ગુજરાત અંબુજા કો.ઓપ.બેન્ક લી.ના ફાઉન્ડર ચેરમેન, તથા હાલમાં ડીરેક્ટર, ધી મહેસાણા અર્બન કો.ઓપ.બેંક લી.ના ડીરેક્ટર, અખીલ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ મેનેજમેન્ટ મહામંડળના ચેરમેન, ગુજરાત ગવર્નમેન્ટ પેન્શન મંડળ, પાટણના ચેરમેન, સિકોતર માતાજી સેવા ટ્રસ્ટ દેલવાડાના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે. જેમણે બી.ઈ.મિકેનીકલ એન્જીનીયરનો અભ્યાસ કરેલ છે. ૨૫ વર્ષ સુધી સિનિયર ક્લાસવન ઓફીસર ઈન્ડસ્ટ્રીઝ ડીપાર્ટમેન્ટ એઝ જોઈન્ટ કમિશ્નર ઓફ ઈન્ડસ્ટ્રીઝ તોલમાપ વિભાગમાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ તરીકે સેવાઓ આપી છે. જેઓ વેપાર, બેંકીંગ, શિક્ષણ, સમાજ સેવા, રાજનિતિ વિગેરે ક્ષેત્રે સંકળાયેલા છે. બોલવાની આગવી વાકછટા ધરાવે છે. વળી મહેસાણા જીલ્લો એ પાટીદાર અનામત અસરકતા જીલ્લો હોવાનુ અને કોંગ્રેસે લોકસભાની આ સીટ ઉપર પરિણામ મેળવ્યુ છે તે પણ ભુલવુ જોઈએ નહી. કોંગ્રેસ જૂથબંધી ભૂલી એક થાય તો પરિણામ મેળવી શકે છે.
ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ પૂર્વ ઉદ્યોગમંત્રી સ્વ.અનીલભાઈ પટેલના પત્ની છે. જેમનો પરિવાર વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલો હોઈ રાજકીય ગતિવિધિના અનુભવી છે. ભાજપના કાર્યકરો માટે શારદાબેન પટેલનુ નામ નવુ છે. કાર્યકરો શારદાબેન પટેલના કાર્યક્ષેત્રથી ઓછા પરિચિત હશે. પરંતુ શારદાબેન પટેલ શ્રી કેળવણી ઉત્તેજક મંડળ અમદાવાદના વાઈસ પ્રેસીડન્ટ તથા ટ્રસ્ટી એમ.જી.પટેલ સૈનિક સ્કુલ ફોર ગર્લ્સ, ગણપત વિદ્યાનગરના પ્રેસીડન્ટ, ધરતી વિકાસ મંડળ અમદાવાદના ડાયરેક્ટર, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરના ટ્રસ્ટી, ધરતી લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટી છે. જ્યારે મહિલા ધરતી પરિવાર મહેસાણાના પૂર્વ પ્રમુખ તથા લાયોનેસ ક્લબ ઓફ મહેસાણાના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. શારદાબેન પટેલ પણ રાજકીય ક્ષેત્ર ઉપરાંત્ત શૈક્ષણિક, સામાજીક, મહિલા ઉત્કર્ષ ક્ષેત્રે સંકળાયેલા છે. શારદાબેન પટેલને વધુમાં વધુ લાભ હોય તો તે ભાજપના કાર્યકર્તાઓનો લાભ છે. ભાજપના કાર્યકર્તાઓનો વિશ્વાસ કેળવશે તો પરિણામ મેળવવાનુ આસાન થશે.
શારદાબેન પટેલને ભાજપે ટીકીટ આપતા કાર્યકરોમાં ચર્ચાઓ થઈ હતી કે, નરેન્દ્રભાઈ મોદીને દેશમાં નામોસી અપાવવા ભાજપના કોઈ નેતાઓ કોંગ્રેસ પાસેથી સોપારી લીધી છેકે શું? કોંગ્રેસના મજબુત ઉમેદવાર એ.જે.પટેલ અને ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ વચ્ચે હાલ તો કાંટાની ટક્કર છે.

Leave a Reply

Top