You are here
Home > News > મહેસાણા લોકસભાના ઉમેદવાર શારદાબેન પટેલે વિસનગર ભાજપ સંગઠનની મુલાકાત લીધી સાંસદ જયશ્રીબેનના કાર્યોનુ ફળ શારદાબેનને મળશે-ઋષિભાઈ પટેલ

મહેસાણા લોકસભાના ઉમેદવાર શારદાબેન પટેલે વિસનગર ભાજપ સંગઠનની મુલાકાત લીધી સાંસદ જયશ્રીબેનના કાર્યોનુ ફળ શારદાબેનને મળશે-ઋષિભાઈ પટેલ

મહેસાણા લોકસભાના ઉમેદવાર શારદાબેન પટેલે વિસનગર ભાજપ સંગઠનની મુલાકાત લીધી
સાંસદ જયશ્રીબેનના કાર્યોનુ ફળ શારદાબેનને મળશે-ઋષિભાઈ પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સમગ્ર ઉત્તર ગુજરાતમાં મહત્વની ગણાતી મહેસાણા લોકસભાની બેઠક માટે મડાગાંઠ બાદ છેવટે ભાજપના હાઈકમાન્ડે ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ ઉદ્યોગમંત્રી સ્વ.અનિલભાઈ પટેલના પત્નિ અને વિસનગરના વિકાસમાં જેમનું મહત્વનું યોગદાન છે તેવા વિકાસપુરુષ મુરબ્બીશ્રી સ્વ.સાંકળચંદ કાકાના ભાણી તેમજ એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના મોટા ફોઈના દિકરી શારદાબેન પટેલના નામની જાહેરાત કરી હતી. ત્યારે શારદાબેન પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ગત બુધવારે પોતાના પિયર વિસનગરમાં ધારાસભ્ય કાર્યાલય અને પટેલવાડી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં વિસનગર ભાજપ સંગઠન અને તાલુકાના વિવિધ સમાજના આગેવાનોએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યા બાદ મહેસાણા જીલ્લામાંથી સૌથી વધુ વિસનગર તાલુકામાંથી ભાજપને લીડ અપાવવાનો એક સાથે સૂર પુરાવ્યો હતો. તા.૨૩ એપ્રિલના રોજ યોજાનારી લોકસભાની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતનના મહેસાણા જીલ્લાની પ્રતિષ્ઠાભરી બેઠક માટે ભાજપના હાઈકમાન્ડે ભારે વિટંબણાઓ વચ્ચે છેવટે પૂર્વ ઉદ્યોગમંત્રીના પત્નિ શારદાબેન પટેલના નામની જાહેરાત કરી હતી. ત્યારે શારદાબેન પટેલે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા બુધવારે બપોરે પોતાના પિયર વિસનગરમાં ધારાસભ્ય કાર્યાલય અને શહેરના ત્રણ દરવાજા ખાતે આવેલ પટેલવાડીમાં ભાજપના બન્ને જુથોની મુલાકાત લીધી હતી. જ્યાં વિસનગર ભાજપ સંગઠનના બન્ને જૂથોએ એક થઈ ‘ભારત માતા કી જય’ના નારા સાથે મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર શારદાબેન પટેલ વિસનગરની દિકરી અને ભાણી હોવાના નાતે આગઝરતી ગરમીમાં હૃદયથી મહેનત કરીને મહેસાણા જીલ્લામાં અન્ય તાલુકા કરતા વિસનગર તાલુકામાંથી સૌથી વધુ લીડ અપાવી મહેસાણા જીલ્લામાંથી ભાજપનું કમળ ખીલવી દિલ્હીમાં બેઠેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પહોચાડવાની ખાત્રી આપી હતી. આ મુલાકાતમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસના જવાહરલાલ નહેરૂથી લઈને આજદીન સુધીના તમામ નેતાઓ દેશમાં ગરીબી હટાવવાની વાતો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ આજે ચુંટણી જીતવા માટે આખા દેશનું બજેટ ખોરવાઈ જાય તેવા આડેધડ વચનો આપી રહ્યા છે. છતાં મહેસાણા લોકસભાની બેઠક ઉપર મહેસાણા જીલ્લામાંથી વિસનગર તાલુકામાંથી ગત લોકસભાની ચુંટણીમાં સાંસદ જયશ્રીબેન પટેલને મળેલ ૪૪૨૩૬ ની લીડ કરતા એકપણ મતની ઓછી લીડ નહી આપીએ તેવી ભાજપ સંગઠન વતી શારદાબેન પટેલને ખાત્રી આપી હતી. જ્યારે પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલે કોંગ્રેસે ચુંટણી ઢંઢેરામાં રાજદ્રોહના કાયદાને નાબૂદ કરવાની જાહેરાત કરતા આક્રોશ સાથે જણાવ્યુ હતું કે, કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલે છે. આવા કોંગ્રેસીઓને લોકસભાની ચુંટણીમાં હરાવી શબક શિખવાડવો જોઈએ. જ્યારે શારદાબેનના મામાના દિકરા અને એસ.કે.યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલે મહેસાણા બેઠક ઉપર પોતાના મોટા બહેન શારદાબેન પટેલની પસંદગી કરવા બદલ ભાજપના હાઈકમાન્ડનો આભાર માન્યો હતો. અને મહેસાણા બેઠક ઉપરથી શારદાબેનને જંગી મતોની લીડથી વિજયી બનાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત કરવા ભાજપના તમામ કાર્યકરોને હાકલ કરી હતી. જેમાં વિસનગર તાલુકામાંથી શારદાબેનને વધુ લીડ અપાવવા કામે લાગી જવા સાથી કાર્યકરોને આહ્‌વાન કર્યુ હતુ. જ્યારે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ચૌધરીએ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કોંગ્રેસે આ દેશને ખોખલો બનાવવાનું કામ કર્યુ છે. આજે કોંગ્રેસ અને તેમનું ગઠબંધન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા ભડવીરને હટાવવા એક થયા છે. ત્યારે આપણા જીલ્લાના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે આપણે અંદરોઅંદરના મનદુઃખ ભુલીને મહેસાણા સીટમાંથી શારદાબેનને જીતાડી એક કમળ નરેન્દ્રભાઈ મોદીને પહોચાડવા તમામ કાર્યકરોને અપીલ કરી હતી. જ્યારે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળાના વેકેશનમાં દિકરી ઘરે આવે તો આપણે તેને સાડી કે કોઈ સારી વસ્તુ આપીએ છીએ. પરંતુ આ વખતે આપણા વિસનગરની દિકરી મત લેવા આવે તો તેને મત આપવાની જવાબદારી આપણા બધાની છે. વધુમાં રૂપલભાઈએ મહેસાણા જીલ્લાના અન્ય તાલુકા કરતા વિસનગર તાલુકામાંથી ભાજપની મતપેટીઓ મતોથી છલકાવી કમળ ખિલવવાની બાંહેધરી આપી હતી. જ્યારે બાવીસી ગામ પાટીદાર સમાજના અગ્રણી ડી.એમ.પટેલે ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ રાષ્ટ્રપ્રેમી પરિવારમાં જન્મેલા ઉમેદવાર છે. શારદાબેનના પરિવારે અનેક સેવાઓના કામો કર્યા છે. વિસનગરના વિકાસમાં શારદાબેનના પરિવારનું મોટુ યોગદાન રહ્યુ છે. ત્યારે આપણે બધાએ ભેગા મળી શારદાબેનને વિજયી બનાવવાના છે. જ્યારે વિસનગરના જાણીતા ર્ડા.મિહિરભાઈ જોષીએ પાર્ટીના નિર્ણયને આવકારતા જણાવ્યુ હતુ કે ભાજપે સ્વ.સાંકળચંદ કાકાના પરિવારના સભ્ય શારદાબેનને મહેસાણા લોકસભા બેઠકની ટીકીટ ફાળવતા વિસનગરમાં સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. ત્યારે મહેસાણા જીલ્લામાં વિસનગર તાલુકામાંથી શારદાબેનને સૌથી વધુ મતોની લીડ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવુ વ્યક્તિત્વ અને આગવી સુઝ ભારતમાંજ નહી પણ વિશ્વમાં નહી હોવાનું જણાવી નરેન્દ્રભાઈ મોદીને ફરીથી વડાપ્રધાન બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વિસનગર તળ કડવા પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય સ્વ.પ્રહલાદભાઈ પટેલ(ગોસા)ના બહેન હોવાના નાતે તળ કડવા પાટીદાર સમાજના આગેવાનો અને સ્વ.પ્રહેલાદભાઈ ગોસાના પરિવારે મહેસાણા બેઠકના ઉમેદવાર શારદાબેન પટેલનું ઉષ્માભેર સ્વાગત કરી તેમને વિજયી બનાવવાની નેમ લીધી હતી. આ કાર્યક્રમમાં સાંસદ જયશ્રીબેન પટેલ, વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ, રાજુભાઈ પટેલ(આર.કે.), પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ ચૌધરી, બાર ગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ નટુભાઈ પટેલ(બિલ્ડર), ખોડીયાર ગૃપ મહેસાણાના કાન્તિભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કે.કે.ચૌધરી, ગીરીશભાઈ પટેલ, મનિષભાઈ ગળીયા, વિજયભાઈ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ લાલાભાઈ રબારી, કિર્તીભાઈ પટેલ (કલાનિકેતન), મુકેશભાઈ ચૌધરી, ઉમતા પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલ, સતિષભાઈ પટેલ સહિત અન્ય સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Top