You are here
Home > News > શુન્યમાંથી સર્જન કરે તે સ્ત્રી – ર્ડા.જાગૃતીબેન પટેલ વિસનગર તળ કડવા પાટીદાર સમાજનું ભવ્ય મહિલા સંમેલન યોજાયુ

શુન્યમાંથી સર્જન કરે તે સ્ત્રી – ર્ડા.જાગૃતીબેન પટેલ વિસનગર તળ કડવા પાટીદાર સમાજનું ભવ્ય મહિલા સંમેલન યોજાયુ

શુન્યમાંથી સર્જન કરે તે સ્ત્રી – ર્ડા.જાગૃતીબેન પટેલ
વિસનગર તળ કડવા પાટીદાર સમાજનું ભવ્ય મહિલા સંમેલન યોજાયુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તળ કડવા પાટીદાર સમાજ દ્વારા કડા રોડ ઉપર આવેલ તળ કડવા પાટીદાર સમાજના સંકુલમાં ગત રવિવારે મહિલા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાતના જાણિતા વક્તા ર્ડા. જાગૃતીબેન પટેલે પાટીદાર સમાજની મહિલાઓ અને દિકરીઓને આજના જમાનામાં સન્માનભેર કેવી રીતે જીવવું અને પાટીદાર સમાજના ઉત્થાન માટે કઈ બદીઓ દુર કરવી તેનું સુંદર માર્ગદર્શન આપ્યુ હતું. જેમાં ર્ડા. જાગૃતીબેન પટેલે તળ કડવા પાટીદાર સમાજની મહિલાઓનું ગામમાં પિયર અને ગામમાં સાસરી હોવાથી તેઓ નસીબદાર હોવાનું કહ્યુ હતું.
વિસનગર તળ કડવા પાટીદાર સમાજ સમાજના ભાઈ બહેનો શૈક્ષણીક , આર્થિક અને સામાજીક રીતે વિકાસ કરવા કટીબધ્ધ બન્યો છે. તળ સમાજના આગેવાનો પોતાના સમાજના દરેક ભાઈ – બહેનોનું ભવિષ્ય ઉજ્જવળ જોવા માંગે છે. તળ સમાજના ઉત્થાન માટે અવાર નવાર સમાજીક, શૈક્ષણીક અને ધાર્મિક કાર્યક્રમો યોજે છે. સમાજના આગેવાનોના પ્રયત્નોથી આજે તળ સમાજના ભાઈ- બહેનો વિવિધ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. સમાજની મહિલાઓ પુરૂષોેની જેમ રાજકીય, શૈક્ષણીક તથા સામાજીક સંસ્થાઓમાં સફળ નેતૃત્વ કરે તે માટે સમાજના ભાઈઓ માર્ગદર્શન સાથે પ્રોત્સહન પુરૂ પાડી રહ્યા છે. સમાજની મહિલાઓમાં સામાજીક, શૈક્ષણીક અને ગૃહઉદ્યોગ ક્ષેત્રે જાગૃતિ લાવી સમાજમાં રહેલી કેટલીક બદીઓ દુર કરવા માટે તળ કડવા પાટીદાર સમાજ દ્વારા ગત રવિવારે કડા રોડ ઉપર આવેલ તળ કડવા પાટીદાર સંકુલમાં મહિલા સંમેલનનું ભવ્ય આયોજન કરાયું હતું. આ સંમેલનમાં ગુજરાતના જાણીતા વક્તા ર્ડા. જાગૃતીબેન પટેલ તળ કડવા પાટીદાર સમાજની મહિલાઓને આજના જમાનામાં સન્માનભેર કેવી રીતે જીવવું અને પાટીદાર સમાજના ઉત્થાન માટે કઈ બદીઓ દુર કરવી જોઈએ તેનું સુંદર માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રસંગે ર્ડા.જાગૃતીબેન પટેલે જણાવ્યું હતું કે હું જેમને ક્યારેય મળી નથી તેવા તળ સમાજના અગ્રણી સ્વ.પ્રહલાદભાઈ પટેલે તળ સમાજની મહિલાઓનું સંમેલન યોજવા માટે મારા પાસે બે વખત તારીખ માંગી હતી. પરંતુ હું બીજા કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે તેમને સંમેલન કરવા તારીખ આપી શકી ન હતી. આ દરમિયાન પ્રહલાદભાઈ નું અવસાન થયું હોવાના મને દુઃખદ સમાચાર મળતા મેં તળ સમાજની મહિલાઓનું સંમેલન થશે તેવી આશા છોડી દીધી હતી. પરંતુ સમાજના મંત્રી ભરતભાઈ બી.પટેલ એકાઉન્ટન્ટે મહિલા સંમેલન કરવા સંપર્ક કરતા મે ઈચ્છા દર્શાવી હતી. અને આજે આ સંમેલન થવાથી સ્વ. પ્રહેલાદભાઈ ગોસાનું અધુરૂ સ્વપ્ન પુરૂ થયું છે. આ કાર્યક્રમમાં જાગૃતીબેને મહિલાઓનું મહત્વ અને તેમની શક્તિઓે વિશે માર્ગદર્શન આપતા જણાવ્યુ હતું કે મહિલાથી જ ઘર શોભે છે. બાકી તો ખાલી મકાન કહેવાય. જેમાં પાટીદાર સમાજ ઉપર ગર્વ કરતા કહ્યુ હતુ કે પાટીદાર સમાજ એક સંસ્કારી અને સમૃધ્ધ સમાજ છે. આ સમાજમાં કોઈ વૃધ્ધ વૃધ્ધાશ્રમમાં જોવા મળતા નથી. આજે સમાજમાં દિકરીઓનું શિક્ષણ વધતા સાસુ- વહુનો સંબંધ મા – દિકરી જેવો થઈ રહ્યો છે. જે ઘર અને સમાજમાં મહિલાઓનું સન્માન થાય છે તે પરિવાર અને સમાજ નો વિકાસ થાય છે. પરંતુ સમાજના વિકાસ માટે પુરૂષોનો સહયોગ જરૂરી છે. વધુમાં ર્ડા. જાગૃતીેેબેન પટેલે પાટીદાર સમાજમાં બનતા ભાગેડુ લગ્નને અટકાવવા માટે દરેક મા- બાપને પોતાની દિકરી ૧૮ વર્ષની થાય ત્યારે તેના ઓરીજનલ ડોક્યુમેન્ટ લોકરમાં મુકવા અને બાળકોને સંસ્કાર અને પ્રમાણિક્તાનું ભાથુ પિરસવા સલાહ આપી હતી. આ ઉપરાંત બાળકોનો દરેક ક્ષેત્રે સફળતા મળે તે માટે દ્રઢ સંક્લ્પ, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક જ્ઞાન નાનપણથીજ આપવા અને સમાજની દિકરીઓને આજના જમાનામાં છેડતી ના બનતા બનાવો સામે રક્ષણ મેળવવા માટે દિકરીઓને ચાંદ નહી પણ સુરજ જેવી તીખા તેવરની બનાવવા વાલીઓને અનુરોધ કર્યો હતો. આ મહિલા સંમેલનમાં પુર્વ પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ, સમારંભના અધ્યક્ષ શિતલબેન પટેલ, કેકારવ સાપ્તાહિકના તંત્રી લક્ષ્મીબેન પટેલ, પાલિકા સભ્ય સંગીતા બેન પટેલ, નયનાબેન પટેલ, રશિલાબેન પટેલ, નિલમબેન પટેલ, કોકીલાબેન પટેલ (ગંજી), જયાબેન પટેલ, પીન્કીબેન પટેલ, આશાબેન પટેલ, રાધાબેન પટેલ, નિતાબેન પટેલ તળ કડવા પાટીદાર સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની આભારવિધી હર્ષિદાબેન પટેેલે કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન તળ કડવા પાટીદાર સમાજના કાર્યકારી પ્રમુખ પ્રહેલાદભાઈ આઈ.પટેલ, મંત્રી ભરતભાઈ બી. પટેલ (એકાઉન્ટન્ટ) તથા કારોબારી સભ્યોએ કર્યુ હતું.

Leave a Reply

Top