You are here
Home > Prachar News > કાંસામાં જશુભાઈ પટેલની નિષ્ઠાથી ભાજપની જંગી સભા યોજાઈ

કાંસામાં જશુભાઈ પટેલની નિષ્ઠાથી ભાજપની જંગી સભા યોજાઈ

ચોર્યાસી કડવા પાટીદાર સમાજના આગેવાન હોવા છતા પક્ષ પ્રત્યેની વફાદારી દર્શાવી

કાંસામાં જશુભાઈ પટેલની નિષ્ઠાથી ભાજપની જંગી સભા યોજાઈ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
ભારતીય જનતા પાર્ટીમાં કાંસાના જશુભાઈ પટેલ જેવા સંનિષ્ઠ, નિષ્ઠાવાન, વફાદાર આગેવાનો અને કાર્યકરો હોવાના કારણે આ પાર્ટી દેશના તમામ રાજ્યોમાં ફેલાઈ છે. જશુભાઈ પટેલ, ચોર્યાસી સમાજના આગેવાન હોવા છતાં તેમના પ્રયત્નોથી ભાજપના લોકસભાના ઉમેદવાર શારદાબેન પટેલની ભવ્ય સભા યોજાઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મહેસાણા લોકસભાના સીટના કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલ, જીલ્લામાં મોટી મત સંખ્યા ધરાવતા ચોર્યાસી કડવા પાટીદાર સમાજના આગેવાન છે. સમાજનો વ્યક્તિ જ્યારે ઉમેદવારી કરતો હોય ત્યારે સમાજ તેની પડખે હોય તે સુનિશ્ચિત છે. જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, ભાજપના અગ્રણી જશુભાઈ પટેલ ચોર્યાસી સમાજના આગેવાન છે. સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સમાજના વ્યક્તિ જ્યારે ઉમેદવારી કરતા હોય ત્યારે, સમાજના ઉમેદવારને મદદ કરવા જશુભાઈ પટેલ ઉપર પણ પ્રેશર હશેજ. પરંતુ સમગ્ર દેશમાં લોકસભાની ચુંટણીમાં ભાજપની જ્યારે બે સીટ આવતી હતી તે વખતથી, પક્ષ સાથે વફાદારીપૂર્વક રહી શહેર, તાલુકા અને જીલ્લામાં ભાજપને મજબૂત કરનાર જશુભાઈ પટેલ જેવા આગેવાનોને પાર્ટી પ્રત્યેની નિષ્ઠા આડે કોઈ શેહ શરમ નડતી નથી.
મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલનો વિસનગર તાલુકાના ગામડામાં ઝંઝાવાતી ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે. જેમાં કાંસા ગામમાં ઉમિયા માતાના મંદિર બાજુના પ્રવેશદ્વારથી ખુલ્લી જીપમાં શારદાબેન પટેલનો લોકસંપર્ક યોજાયો હતો. ગામમાં લોક સંપર્ક બાદ સરદાર પટેલના બાવલા પાસેના ચોકમાં જંગી જાહેર સભા યોજાઈ હતી. વિધાનસભાની ચુંટણીની જેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. કાંસામાં ભાજપની જંગી જાહેર સભા યોજાવા પાછળ જશુભાઈ પટેલના પ્રયત્નો મહત્વના હતા. ભાજપ અગ્રણી જશુભાઈ પટેલ વિધાનસભા અને લોકસભાના વર્ષોથી દાવેદાર છે. જેમને પાર્ટીઓ મોકો ન આપવા છતાં પાર્ટી પ્રત્યે તસુભાર પણ રંજ રાખ્યા વગર દરેક ચુંટણીમાં પુરી વફાદારીથી નિષ્ઠાપૂર્વકની કામગીરી કરી બતાવી છે અને આવા આગેવાનો અને કાર્યકરોના પ્રતાપેજ ભાજપ ઉજળુ છે. જંગી સભા યોજવામાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ પી.કે.પટેલનુ પણ મહત્વનુ યોગદાન રહ્યુ હતુ.

Leave a Reply

Top