You are here
Home > News > તંત્રી સ્થાનેથી… મતદાન નહિ ની જાહેરાતો નરી મૂર્ખામી

તંત્રી સ્થાનેથી… મતદાન નહિ ની જાહેરાતો નરી મૂર્ખામી

તંત્રી સ્થાનેથી…

મતદાન નહિ ની જાહેરાતો નરી મૂર્ખામી

ચુંટણીઓ જાહેર થયા બાદ જેમ જેમ નજીક આવતી જાય છે. તેમ તેમ કેટલાક ગામો શહેરના ચોક્કસ વિસ્તારોમાંથી જાહેરાત કરવામાં આવે છેકે “પાણી, રોડ નહિ તો વોટ નહિ” આ ધમકીઓ હવે જૂની થઈ ગઈ છે. મતદાન એ આપણી પવિત્ર રાષ્ટ્રીય ફરજ છે. મતદાન તમે કોઈના માટે કરતા નથી. મતદાન તમે રાષ્ટ્ર સાથે તમારા વિકાસ માટે કરો છો. આવા પવિત્ર મતદાન નહિ કરવાની જાહેરાતોનો જમાનો જૂનો થઈ ગયો છે. ભૂતકાળમાં ચુંટણી ટાણે આવી જાહેરાતોવાળા વિસ્તારને બન્ને પક્ષો મનાવા જઈ કામ કરી આપવાની બાહેધરી આપતા હતા. પ્રવર્તમાન સંજોગોમાં આવી મતદાન નહિ ની જાહેરાતોની અસર કોઈપણ પક્ષને થતી નથી. ચુંટણીઓ નગરપાલિકાની કે ગ્રામ પંચાયતની હોય તે વખતે મતદારોની સંખ્યા વોર્ડમાં ઓછી હોય તેવા સમયે મતદાન નહિની જાહેરાતો ઉમેદવારોને દોડતા કરી દેતી હતી. લોકસભાની અને ધારાસભાની ચુંટણીઓમાં લાખો અને હજ્જારો મતે હારજીત થતી હોય તેવા સમયે તમે સો, બસો કે પાંચસો મતદારો કે જેમાંથી ૬૦ ટકાજ વોટીંગ થવાનું છે તેનાથી કોઈને અસર થતી નથી. મતદાન નહિની જાહેરાતની અસર પહેલાં પડતી હતી હવે આત્મવિલોપનની જાહેરાત જેવી મતદાન નહિની જાહેરાતો નાટકીય બની ગઈ છે. જેની સામે કોઈ પાર્ટી કે તંત્ર ધ્યાન આપતું નથી. કોઈપણ ગામ કે વિસ્તાર સો એ સો ટકા મતદાન કરતો નથી. રાજકીય પક્ષોને આની ખબર છે. જેથી મતદાન નહિ ની જાહેરાતો કરનાર વિસ્તાર પાસે કોઈ પૂછવા જવાનું નથી. તમે તમારી પવિત્ર મતદાનની ફરજ ચુકો એટલે બે પક્ષોની નજરમાંથી તમારુ ગામ, તમારો વિસ્તાર ઉતરી જવાનો છે. બે માંથી એક પક્ષ તો ચુંટાવાનો જ છે. તો જો તમારા વિસ્તારમાંથી મતદાન ન થયું હોય તો રાજકીય આગેવાનને લાગવાનું કે તેને આ ગામના લોકોએ મત આપ્યા નથી. જેથી પાંચ વર્ષ સુધી મતદાન નહિ ની જાહેરાત કરનારની અવગણના થતી રહેવાની શક્યતા રહી છે. આવી જાહેરાતોથી તંત્ર ઉપર પણ થોડી અસર પડે છે. જીલ્લા, તાલુકાના અગ્રીમ અધિકારી જે તે વિસ્તારની મુલાકાત લઈ તમારુ કામ થઈ જશે તેવી મૌખિક બાહેધરી આપી શકે છે. ચાલુ ચુંટણીએ તંત્ર દ્વારા આચારસંહિતાને લઈ કોઈ બાહેધરી અપાતી નથી. કામ નહિ તો મત નહી ની જાહેરાતો કરતા લોકો હવે મૂર્ખમાં ખપે છે. લોકશાહી દેશના વ્યક્તિની મતદાન એ પવિત્ર ફરજનો એક ભાગ છે. આવી પવિત્ર ફરજ ચુકવાની જાહેરાતો કરી અખબારોના પાને છપાવી તમે તમારી મૂર્ખામી સાબિત કરો છો. મતદાન એ લોકશાહીનો પાયો છે તે ચુકવાની જાહેરાત લોકશાહીના પાયાને હચમચાવતી પ્રક્રિયા છે. તમે મતદાન કરી કામ કરાવવા માંગતા હોવ તો તમે બન્ને પક્ષોમાં ચુંટાઈ આવે તેવા પક્ષ સાથે તમારા વિસ્તારમાંથી સો એ સો ટકા મતદાન કરાવવાની બાહેધરી આપી જેટલું મતદાન થાય તેટલુ તમે નક્કિ કરેલા પક્ષને મતો મળશે તો તેમ ઉમેદવાર જીત્યા બાદ તેની પાસે તમને કામ કરવાનું આપેલુ વચન પૂરુ કરવા માટે તમારો આગ્રહ રાખી શકશો. કામ નહિ તો વોટ નહી આવી જાહેરાતો મતદારોને નુકશાનકર્તા સાબિત થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ તેની પવિત્ર ફરજ ચુકે તો તે ડાહ્યામાં નહિ મૂર્ખમાં ખપે છે. મતદાન નહિ ની જાહેરાતો અખબારોના પાને છપાવવાથી કામ માટે કોઈ બાહેધરી મળતી નથી. દુનિયાની દૃષ્ટિમાં તમે મૂર્ખ સાબિત થાઓ છો તો આવી મૂર્ખામીભરી ચેષ્ટાથી મતદારોએ દૂર રહેવું જોઈએ.

Leave a Reply

Top