You are here
Home > Prachar News > ભાજપ જોહુકમીવાળી જુઠ્ઠી સરકાર છે-એ.જે.પટેલ

ભાજપ જોહુકમીવાળી જુઠ્ઠી સરકાર છે-એ.જે.પટેલ

વિસનગરમાં કોંગ્રેસના ચુંટણી કાર્યાલયનો શુભારંભ કરાયો

ભાજપ જોહુકમીવાળી જુઠ્ઠી સરકાર છે-એ.જે.પટેલ

ભાજપના રંગા-બિલ્લાની જોડીએ ગુજરાતને લૂંટવાનુ કામ કર્યુ છે-કિરીટભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મહેસાણા લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ૮૪ કડવા પાટીદાર સમાજના અગ્રણી એ.જે.પટેલના નામની જાહેરાત થતા કોંગ્રેસના કાર્યકરો અને પાટીદાર સહિત દરેક સમાજના લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં વિસનગર શહેર-તાલુકા કોંગ્રેસ સંગઠન દ્વારા ગત મંગળવારે રાત્રે ૮-૦૦ કલાકે શહેરના ડોસાભાઈ બાગ સામે આવેલ સ્પાન ચંદન મૉલમાં મહેસાણા બેઠકના ઉમેદવાર એ.જે.પટેલના હસ્તે કોંગ્રેસના ચુંટણી કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરાયુ હતુ. આ પ્રસંગે ૮૪ કડવા પાટીદાર સમાજના ભાઈ-બહેનો, સમર્થકો, કોંગ્રેસના કાર્યકરો તથા તાલુકાના દરેક જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહેસાણા બેઠકના ઉમેદવાર એ.જે.પટેલે સભા સંબોધતા ભાજપને આડેહાથ લેતા જણાવ્યુ હતું કે, નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારે છેલ્લા પાંચ વર્ષના શાસનમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિત અન્ય જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં કમરતોડ ભાવવધારો કરી લોકોને જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે. ભાજપ સરકારમાં દેશમાં મોઘવારી, બેરોજગારી તથા જોહુકમી વધી છે. આજે ખેડૂતોને ખેતીમાં પોષણક્ષમ ભાવો નહી મળતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. ભાજપે દેશમાં રાતોરાત નોટબંધી કરી દેશનુ અર્થતંત્ર ખોરવી નાખ્યુ છે. જી.એસ.ટી.ના લીધે વેપારીઓ બેહાલ બન્યા છે. ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં દેશની પ્રજાને ઠાલા વચનો આપી જુઠાણુ ચલાવ્યુ છે. ત્યારે આવી જોહુકમીવાળી જુઠાણુ ચલાવતી સરકારને ઘર ભેગી કરવા માટે આગામી ૨૩ એપ્રિલના રોજ ચુંટણીના મતદાનના દિવસે કોંગ્રેસના પંજાના નિશાલ ઉપર મતદાન કરવા અને કરાવવા કાર્યકરો અને શહેર-તાલુકાની જનતાને અપીલ કરી હતી. જોકે મતદાન ૨૩ તારીખે હોવાથી કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલે ૨ + ૩ = ૫ એટલે કે પંજો થતો હોવાથી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરી હતી. આ સાથે તેમને કોંગ્રેસે દેશના ગરીબો તથા શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવાનું અને દેશના ખેડૂતો અને વેપારીઓની સમસ્યા હલ કરવા જી.એસ.ટી.ના નિયમોમાં ફેરફાર કરવાનું ચુંટણી ઢંઢેરામાં આપેલ વચન પાળી બતાવશે તેવી ખાત્રી આપી હતી. જ્યારે પૂર્વ મંત્રી કિરીટભાઈ પટેલે જણાવ્યુ હતું કે, લોકસભાની આ ચુંટણી કોઈ સામાન્ય ચુંટણી નથી. આ તો સત્ય સામે અસત્યની લડાઈ છે. આજે ચુંટણી ટાણે પોતાની નિષ્ફળતા છુપાવવા ભાજપના રંગા-બીલ્લા પ્રજાના મતો મેળવવા પાકિસ્તાનના નામે લોકોને ઈમોશનલ બ્લેક મેઈલીંગ કરી રહ્યા છે. આ રંગા-બીલ્લાની જોડીએ ગુજરાતને લુટવાનું કામ કર્યુ છે. ભાજપના શાસનથી સમગ્ર દેશની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે. ત્યારે આ લૂંટેરી સરકારને ઘર ભેગી કરવા કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવા કાર્યકરોને કામે લાગી જવા અપીલ કરી હતી. જ્યારે કોંગ્રેસ અગ્રણી માનસિંહભાઈએ જણાવ્યુ હતું કે, આ ચુંટણી જ્યારે કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ વાસણવાળાએ ટીવી મીડીયાના સર્વેને ખોટા અને પ્રજાને ગુમરાહ કરનારા હોવાનો આક્ષેપ કરી સમગ્ર ઉત્તર ગુજરાતની તમામ બેઠકો કોંગ્રેસ જીતશે તેવો દાવો કર્યો હતો. જ્યારે વંદનાબેન પટેલે જણાવ્યુ હતું કે, આજે દેશમાંથી ત્રણ મોદી કરોડોનું ફુલેકુ ફેરવીને બીજા દેશમાં ભાગી ગયા છે. હવે એક મોદી બાકી રહ્યા છે. ભાજપ પૈસાના જોરે ચુંટણી લડી રહી છે. જ્યારે કોંગ્રેસ સત્યના સહારે ચુંટણી લડે છે. કોંગ્રેસે દેશની આઝાદી માટે પોતાના બલીદાનો આપ્યા છે. પણ ભાજપના કોઈ નેતાએ દેશ માટે આજદીન સુધી ક્યારેય પોતાનું બલીદાન આપ્યુ નથી. આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ અગ્રણી સુધીરભાઈ પટેલ, કોંગ્રેસના પૂર્વ વિરોધપક્ષના નેતા શામળભાઈ રબારી, રૂપસંગજી ઠાકોર, પૂર્વ પાલિકા પ્રમુખ ગણપતભાઈ પરમાર, જીલ્લા ડેલીગેટ હસમુખભાઈ ચૌધરી, કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહજી, પૂર્વ પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ, મહેશભાઈ પટેલ(પાલડી), સહિત કોંગ્રેસના આગેવાનોએ પોતાના પ્રવચનોમાં કેન્દ્રની ભાજપ સરકારે પાંચ વર્ષમાં કરેલો ભ્રષ્ટાચાર, કાળાનાણાં લાવવાનુ વચન તથા રાફેડ વિમાનના શોધમાં કરેલ હજ્જારો કરોડોના ભ્રષ્ટાચારના મુદ્દે લોકોને માહિતગાર કરી આ લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવા વધુમાં વધુ મતદાન કરવા અને કરાવવા કાર્યકરો અને સમર્થકોને અનુરોધ કર્યો હતો. આ ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ શીલાબેન પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ, વેપારી મહામંડળના પ્રમુખ પરેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ પટેલ(ગાંધી)નુ શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર, જીલ્લા ડેલીગેટ રણજીતસિંહ ઠાકોર, ગાયત્રીબેન પટેલ, રીટાબેન પટેલ, ડી.આઈ.પટેલ, જીવણભાઈ દેસાઈ, શૈલેષભાઈ રબારી, રાજેન્દ્રભાઈ ગાંધી, હિંમતભાઈ રબારી, પન્નાબેન, એપીએમસીના ડીરેક્ટર હરેશભાઈ ચૌધરી, તાલુકા ડેલીગેટો, સહિત શહેર-તાલુકા કોંગ્રેસ સંગઠનના કાર્યકરો અને તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ બળવંતસિંહ રાઠોડ(રાઠોડીપુરા)એ કરી હતી. આ પ્રસંગે “ચોકીદાર ચોર હૈ”ના નારા લાગ્યા હતા.

Leave a Reply

Top