You are here
Home > Prachar News > સ્ટેમ્પ વેન્ડરોની અનિયમિત સેવા સામે કોર્ટમાં હડતાલની ચીમકી

સ્ટેમ્પ વેન્ડરોની અનિયમિત સેવા સામે કોર્ટમાં હડતાલની ચીમકી

વારંવાર રજુઆતો અને ઠરાવો કરવા છતા તંત્ર દ્વારા ધ્યાને નહી લેતા વિસનગર બાર એસો.ની

સ્ટેમ્પ વેન્ડરોની અનિયમિત સેવા સામે કોર્ટમાં હડતાલની ચીમકી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર કોર્ટ કંમ્પાઉન્ડમાં સ્ટેમ્પ વેન્ડરની સેવા માટે ટાઈમ ટેબલ બનાવ્યુ છે. ત્યારે સ્ટેમ્પ વેન્ડર હાજર નહી રહેતા સ્ટેમ્પ ટીકીટો મેળવવા વકીલો, પક્ષકારો અને અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિસનગર બાર એસો. દ્વારા સ્ટેમ્પ વેન્ડરની નિયમિત સેવા માટે ઠરાવો કરવા ઉપરાંત વારંવાર રજુઆતો કરવા છતા તેમાં સુધારો નહી થતા વિસનગર બાર એસો. દ્વારા અચોક્કસની મુદ્‌ત સુધી કોર્ટના કામકાજથી અળગા રહેવા ચીમકી આપવામાં આવી છે.
કોર્ટ કંમ્પાઉન્ડમા વકીલો, પક્ષકારો તથા અરજદારોને સ્ટેમ્પ તથા ટીકીટો મળી રહે તે માટે સ્ટેમ્પવેન્ડરોને હાજર રહેવા માટે સરકાર દ્વારા પરીપત્ર કરાયો છે. આ પરીપત્ર આધારે પ્રાન્ત તથા મામલતદાર ઓફીસ દ્વારા કયા દિવસે ક્યા સ્ટેમ્પવેન્ડરને હાજર રહેવુ તેનુ ટાઈમ ટેબલ બનાવાયુ છે ત્યારે વિસનગર કોર્ટમાં સ્ટેમ્પવેન્ડરની સેવા અનિયમીત રહેતા સ્ટેમ્પ તથા ટીકીટો માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
વિસનગર કોર્ટ કંમ્પાઉન્ડમાં બે સેશન્સ, બે .એસ.ડી.અને એક જ્યુ.ડી સિવિલ કોર્ટ એમ પાંચ કોર્ટ આવેલ છે. જ્યા વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા તથા ઉંઝા એમ પાંચ તાલુકાના વકીલો તેમજ પક્ષકારોની અવરજવર રહે છે. કોર્ટમાં સ્ટેમ્પ કે ટીકીટ નહી મળતા વકીલો તથા પક્ષકારોને કોર્ટથી દોઢ કી.મી. દુર આવેલ તાલુકા સેવાસદન સુધી ધક્કા ખાવા પડે છે. બહારના તાલુકાના અજાણ્યા લોકો તો તાલુકા સેવાસદન શોધવામાં તકલીફ પડે છે.કોર્ટમાં કોઈપણ અરજી કરવા ત્રણ રૂપિયાની ટીકીટ લગાવવી ફરજીયાત છે. સ્ટેમ્પવેન્ડર હાજર નહી રહેવાથી ત્રણ રૂપિયાની ટીકીટ ન મળે તો પાંચ અને દશ રૂપિયાની ટીકીટ લગાવવા મજબુર બનવુ પડે છે. ઘણી વખત તો એવી પરિસ્થિતી થાય છે કે ત્રણ રૂપિયાની ટીકીટ લેવા માટે કોર્ટથી તાલુકા સેવા સદન સુધી જવા રૂા. ૨૦ થી ૨૫ રૂપિયા ભાડુ ખર્ચવુ પડે છે. કોર્ટની બાજુમાં આવેલ તાલુુકા પંચાયતમા વિવિધ દાખલા લેવા માટે સોગંદનામાની જરૂર પડે છે. ગામડામાંથી આવતા અરજદારો પણ સ્ટેમ્પ અને ટીકીટ લેવા માટે કોર્ટમાં આવતા ધક્કા ખાવા પડે છે.
વિસનગર કોર્ટ કંમ્પાઉન્ડમા સ્ટેમ્પવેન્ડરની નિયમીત સેવા નહી મળતા વિસનગર બાર એસો.ના પ્રમુખ રાજેન્દ્રભાઈ જે. પટેલે જણાવ્યુ છે કે સ્ટેમ્પવેન્ડર સમયસર કોર્ટના ટાઈમે હાજર રહેતા નથી. બેસવાની તકલીફ હોય તો ક્યા જગ્યા ફાળવવાથી અનુકુળતા રહેશે તે બાબતે પણ સ્ટેમ્પવેન્ડર સાથે ચર્ચા કરવામાં આવી છે. કોર્ટમાં દરેક અરજી ઉપર ત્રણ રૂપિયાની ટીકીટ લગાવવી ફરજીયાત છે જેથી દરેક વકીલ, પક્ષકાર, અરજદારને સ્ટેમ્પવેન્ડરની નિયમીત સેવા મળે તે માટે બાર એસો. દ્વારા ઠરાવ કરી પ્રાન્ત ઓફીસર તથા મામલતદારને આપવામાં આવ્યા છે. વારંવાર મોખીક રજુઆત પણ કરવામાં આવી છે પરંતુ તેમાં કોઈ સુધારો થતો નથી. સ્ટેમ્પ વેન્ડરો પ્રાન્ત ઓફીસર તથા મામલતદારના હુકમોનું પાલન કરતા નથી રેવન્યુ ખાતાના આ અધિકારીઓના હુકમને ઘોળીને પી ગયા છે. વિસનગર બારના પ્રમુખ રાજેન્દ્રકુમાર પટેલ, ઉપ પ્રમુખ અતુલ એસ.બારોટ, મંત્રી ઈન્દ્રવદનભાઈ એન.પટેલ તથા સહમંત્રી સહીમ એ.પઠાણે સંયુક્ત નિવેદનમાં જણાવ્યુ છે કે કોર્ટના સમયમાં સ્ટેમ્પવેન્ડરની સેવા નિયમિતપણે મળતી નહી થાય તો ના છુટકે અચોક્કસ મુદ્‌તની હડતાળ પાડવાની ફરજ પડશે.

Leave a Reply

Top