You are here
Home > Prachar News > ભાજપ-કોંગ્રેસના આગેવાનોના પ્રયત્નોથી પરિસ્થિતિ બગડતા અટકી

ભાજપ-કોંગ્રેસના આગેવાનોના પ્રયત્નોથી પરિસ્થિતિ બગડતા અટકી

મતદાન સમયે મુસ્તાકભાઈ સીંધીએ હાથ ચાલાકી કરતા બે જૂથ સામસામે આવી ગયા

ભાજપ-કોંગ્રેસના આગેવાનોના પ્રયત્નોથી પરિસ્થિતિ બગડતા અટકી

• મુસ્તાકભાઈ સીંધીએ લાફો માર્યો અને મુસ્તાકભાઈ બહેલીમ અને ફારૂકભાઈ બહેલીમે સહન કર્યુ
• જે બુથ ઉપર છેલ્લી ઘડીએ ચુંટણીઓથી ખોટુ મતદાન થતુ હતુ. તે ખોટુ મતદાન ભાજપના યુવા કાર્યકર રોનકભાઈ સોનીએ અટકાવ્યુ
• પ્રકાશભાઈ પટેલ અને રૂપલભાઈ પટેલે પહેલા બરોબરનો રોષ ઠાલવ્યા બાદ ટોળાને સમજાવી વિખેર્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં લોકસભાની ચુંટણીના મતદાનના દિવસે એક વ્યક્તિની ભુલના કારણે શહેરમાં ફરીથી કોમવાદનો પલીતો ચંપાતો રહી ગયો હતો. બુથમાં બેસી કોંગ્રેસ તરફે મતદાન કરવાનો ઈશારો કરનાર તત્વોને બહાર કાઢવા તથા ખોટુ મતદાન થતુ અટકાવનાર ભાજપના યુવા કાર્યકરને પાલિકાના મહિલા સભ્યના પતિએ લાફો મારતા મામલો બીચક્યો હતો. બન્ને જુથના ટોળા ઉશ્કેરાઈ સામ સામે આવી ગયા હતા. ત્યારે ભાજપ કોંગ્રેસના આગેવાનો તથા પોલીસના પ્રયત્નોથી મામલો થાળે પડ્યો હતો.
વિસનગરમાં લોકસભાની ચુંટણીનુ મતદાન શાંતીપૂર્વક ચાલતુ હતું ત્યારે બપોરના સમયે પ્રકાશ વિદ્યાલયમાં આવેલા બુથ નં.૧૨૦, ૧૪૪ અને ૧૪૫ પૈકી બુથ નં.૧૪૪ માં ખોટા મતદાનની ફરિયાદને લઈને મામલો બીચક્યો હતો. ભાજપના યુવા કાર્યકર રોનકભાઈ સોની આ બુથ ઉપર દેખરેખ રાખતા હતા. ત્યારે ૧૪૪ નંબરના બુથમાં સવારથીજ કેટલાક લોકો બુથમાં અનઅધિકૃત બેસી મતદાન કરવા આવતા લોકોને કોંગ્રેસને મત આપવા માટે ઈશારા કરતા હતા. જે બાબતે રોનકભાઈ સોનીએ ફરજ પરના ઓમ્ઝર્વરને પાર્ટીના ઈશાર કરતા તત્વોને બુથની બહાર કાઢવા માટે ફરિયાદ કરી હતી. આ સીવાય એક બે યુવાનો વારંવાર મતદાન કરવા માટે આવતા ખોટુ મતદાન થતુ હોવાનુ જણાતા આ બાબતે પણ ટકોર કરી હતી. રોનકભાઈ સોનીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કર્યા બાદ બુથમાં અનઅધિકૃત બેઠેલા લોકોને બહાર કાઢતા એમાંથી એક યુવાને પારેખપોળમાં રહેતા અતુલભાઈ જોષીના પુત્ર દિપ જોષી સાથે જપાજપી કરી હતી. ખોટુ મતદાન થવાની ફરિયાદથી રૂપલભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલ પણ બુથ ઉપર આવી ગયા હતા. ખોટા મતદાન અંતર્ગત વિવાદ ચાલતો હતો ત્યારે વોર્ડ નં.૨ ના કોર્પોરેટર નુરજહાબેન સીંધીના પતિ મુસ્તાકભાઈ સીંધીએ રોનકભાઈ સોનીને લાફો મારતા મામલો બીચક્યો હતો. ગોલવાડની અંદર તથા ગોલવાડની બહાર માયાબજાર તરફ બન્ને જુથ સામસામે આવી ગયા હતા. મુસ્તાક સીંધીની હાથચાલાકીના કારણે ફરીથી શહેરમાં કોમી પલીતો ચંપાય તેવી પરિસ્થિતિ વણસી હતી. એક બાજુ રૂપલભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલ સાથેના ટોળુ તો બીજી બાજુ પૂર્વ કોર્પોરેટર મુસ્તાકભાઈ બહેલીમ અને ફારૂકભાઈ બહેલીમ સાથેના ટોળા વચ્ચે ઉગ્ર શબ્દોચ્ચાર થયા હતા. પરિસ્થિતિ વધારે ખરાબ થાય તેમ જણાતા ફરજ પરના પોલીસ કર્મચારીઓએ વધારે બંદોબસ્ત માગતા ડી.વાય.એસ.પી. એમ.બી.વ્યાસ, પી.આઈ. એમ.આર.ગામેતી સહીતનો ત્રણ વાહનોમાં પોલીસ કાફલો ઉતરી પડ્યો હતો. કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ વાસણવાળા પણ સ્થળ ઉપર આવી ગયા હતા. પોલીસ આવતાજ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી.
ભુલ મુસ્તાક સીંધીની હતી. ત્યારે પરિસ્થિતિ વધારે ખરાબ ન થાય તે માટે સ્થળ ઉપર હાજર પૂર્વ કોર્પોરેટર મુસ્તાકભાઈ બહેલીમ તથા ફારૂકભાઈ બહેલીમને સહન કરવાનો વારો આવ્યો હતો. લઘુમતી સમાજના આ બન્ને આગેવાનોની સમજદારીપૂર્વકની વર્તણુકથી ભાઈચારાનો માહોલ જળવાઈ રહ્યો હતો. રૂપલભાઈ પટેલે ભૂતકાળના તોફાનો જોયા છે અને સહન પણ કર્યા છે. ત્યારે ખોટા વિવાદથી યુવા પેઢી ઉશ્કેરાઈ નહી તેમજ નાની વાતમાં યુવા પેઢીને ખોટુ સહન કરવુ પડે નહી તે માટે થોડો ગમ ખાધો હતો. જ્યારે પ્રકાશભાઈ પટેલે તો ટોળા વચ્ચે જઈ રોષ ઠાલવ્યો હતો. છેવટે બન્ને આગેવાનોએ ટોળાને શાન્ત કર્યુ હતુ.
મતદાન બાદ પોલીસે રોનકભાઈ સોનીની મુસ્તાક સીંધી વિરુધ્ધની અરજી રૂપે ફરિયાદ લીધી હતી. ત્યારે મોડી રાત્રે ડી.વાય.એસ.પી.વ્યાસ, પી.આઈ.ગામેતી, એલ.સી.બી.પી.આઈ. નિનામા વિગેરેની હાજરીમાં કોંગ્રેસી આગેવાનો સાથે મુસ્તાક સીંધીને બોલાવ્યા હતા. સામે પક્ષે રોનક સોનીને પણ બોલાવ્યા હતા. જ્યાં માફી પત્ર લખાવી વિવાદનુ સમાધાન કરવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Top