You are here
Home > News > તંત્રએ ચુંટણી આચારસંહિતાના નામે કોઈ કાર્યવાહી ન કરતા સદુથલાના ગ્રામજનોને પીવાનુ પાણી મેળવવા માટે વલખાં

તંત્રએ ચુંટણી આચારસંહિતાના નામે કોઈ કાર્યવાહી ન કરતા સદુથલાના ગ્રામજનોને પીવાનુ પાણી મેળવવા માટે વલખાં

તંત્રએ ચુંટણી આચારસંહિતાના નામે કોઈ કાર્યવાહી ન કરતા
સદુથલાના ગ્રામજનોને પીવાનુ પાણી મેળવવા માટે વલખાં
(પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર
સરકાર રાજ્યના સીમાડામા વસતા પરિવારોને પીવાનુ પાણી પુરી પાડવાની ગુલબાંગો પોકારે છે. ત્યારે વિસનગરથી ત્રણ કી.મી.આવેલ પ.પૂ.ઉમેદપુરી બાપુનુ ધામ સદુથલા ગામમાં પાણીનો બોર ફેલ થતા છેલ્લા એક મહિનાથી ગ્રામજનો પીવાનુ પાણી મેળવવા માટે વલખાં મારી રહ્યા છે. ગ્રામજનો સ્વખર્ચે વિસનગરથી પાણીના ટેન્કર મંગાવી પોતાનુ જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગ્રામજનોને પડતી મુશ્કેલી દુર કરવા યુધ્ધના ધોરણે નવિન પાણીનો બોર મંજુર કરાવશે કે પછી લોકસભાની ચુંટણીના પરિણામની રાહ જોવે છે તે જોવાનુ રહ્યુ ?
પાણીએ માનવીની જીવન જરૂરીયાતની પ્રાથમિક વસ્તુ છે. પાણી વગર જીવવુ દરેક માણસ માટે ખુબ જ મુશ્કેલ છે. જેમા ઉનાળાની અગન ગોળા વરસાતી ગરમીમાં માણસો અને પશુ -પક્ષીઓને પીવાના પાણીની વધુ જરૂરીયાત હોય છે. વિસનગર તાલુકાના સદુથલા ગામમાં પીવાના પાણીનો એક જ બોર છે. આ બોર છેલ્લા એક મહિનાથી ફેલ થતા ગ્રામજનો પીવાનુ પાણી મેળવવા વલખા મારી રહ્યા છે. અગાઉ આ બોર બગડયો ત્યારે ગ્રામ પંચાયતે તા.ર૬-૧૧-ર૦૧૮ના રોજ ધારાસભ્ય ઋષિભાઈ પટેલને લેખિત રજુઆત કરી ગામમાં નવિન ટયુબવેલ, ઓરડી, પંપસેટ, કોલમો તથા કેબલ વાયર સહિતની જરૂરી સામગ્રી ૧૦ ટકા લોક ફાળામાં મંજુર કરાવવા માંગણી કરી હતી. જેનો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવામા આવ્યો હતો. આ સાથે ગ્રામ પંચાયતે પાણીનો બોર મંજુર કરવા પાણી પુરવઠા બોર્ડને પણ રજુઆત કરવામા આવી હતી. પરંતુ આજદીન સુધી ધારાસભ્ય કે પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ નવિન બોર મંજુર કરવા કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. પાણી પુરવઠા બોર્ડના અધિકારી લોકસભાની ચુંટણીની આચાર સંહિતાના લીધે હાલમાં કોઈ વહીવટી કામગીરી નહી થાય તેવુ સરપંચને જણાવી રહ્યાછે. ગામમાં લોકોની આસ્થા સમાન પ.પૂ.ઉમેદપુરી બાપુનુ ધામ આવેલ છે. જયાં દિવસ દરમિયાન ભક્તોનો વધુ ઘસારો રહે છે. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીના લીધે ગામમાં પાણીનો વપરાશ વધુ રહેતો હોવાથી ગ્રામજનો સ્વખર્ચે વિસનગરથી પાણીના ટેન્કર મંગાવી પોતાનુ જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. અત્યારે ગામના લોકોને કચ્છના અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં સર્વાંગી વિકાસ કરવાના બણગા ફુંકતી સરકારનું તંત્ર આ પવિત્ર ભૂમી ઉપર પડતી પીવાના પાણીની સમસ્યા દુર કરાવે તેવી ગ્રામજનોની માંગણી છે. જો સરકારનુ વહીવટી તંત્ર થોડા દિવસમાં ગામમાં પિવાના પાણીની સમસ્યા હલ નહી કરે તો ગ્રામજનો કલેકટર કચેરી ખાતે ધરણા કરશે તેવી ગામના મહિલા સરપંચ સોનલબેન વિનેશકુમાર પટેલે ચિમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Top