You are here
Home > News > યુવતીએ ફોન કરી સાંતલપુર તાલુકાના યુવાનને ફસાવ્યો વિસનગરમાં બે યુવતી સહીતની હની ગેંગે રૂા.૪ લાખ ખંખેર્યા

યુવતીએ ફોન કરી સાંતલપુર તાલુકાના યુવાનને ફસાવ્યો વિસનગરમાં બે યુવતી સહીતની હની ગેંગે રૂા.૪ લાખ ખંખેર્યા

યુવતીએ ફોન કરી સાંતલપુર તાલુકાના યુવાનને ફસાવ્યો
વિસનગરમાં બે યુવતી સહીતની હની ગેંગે રૂા.૪ લાખ ખંખેર્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
અત્યારે યુવતીઓ સહીતની યુવાનોની ગેંગ યુવતી દ્વારા ફોન કરી લોકોને મોહપાસમાં ફસાવી રૂપિયા ખંખેરતા હોવાના બનાવો વધતા પોલીસ આવી ગેંગને પકડવા માટે સક્રીય બની છે. સાંતલપુર તાલુકાના સીંઘાડા ગામનો ખેડુત યુવાન હનિ ગેંગમાં ફસાતા સમાધાન માટે રૂા.૧૦ લાખમાં તોડ કર્યો હતો. જેમાં રૂા.૪ લાખ તો આપી દીધા હતા. બીજા રૂપિયા માટે જામીન આપનાર ગામના વ્યક્તિઓએ કડક ઉઘરાણી કરતા ખેડૂત યુવાન પોતાનુ વતન છોડી જતો રહ્યો હતો. હનિ ગેંગમાં ફસાયેલા વ્યક્તિએ તેના સાળાને વાત કરતા વિસનગર પોલીસને જાણ કરતા પોલીસે આ ગેંગમાં સામેલ બે યુવતીઓ સહીતના સાત વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પાટણ તાલુકાના સાંતલપુર તાલુકાના સીંઘાડા ગામના કુબેરભાઈ પરમાભાઈ વરજાનભાઈ ચૌધરી ગામમાં ખેતી કરે છે. જેમણે ખેતરમાં જીરૂ વાવતા ૪૫ બોરી જીરૂનો પાક થયો હતો. કુબેરભાઈ ચૌધરી ખેતરમાં હતા ત્યારે એક યુવતીએ ફોન કરી મીના પ્રજાપતિની ઓળખાણ આપી જણાવ્યુ હતું કે, ઉંઝા એકલી રહુ છું, હરવા ફરવાના અને સ્ત્રીના શોખીન હોવ તો ઉંઝા આવો તો ફોન કરજો, ખેડુત યુવાન યુવતીના મોહપાસમાં આવી ફસાઈ ગયો હતો. સીંઘાડાથી પીકઅપ ડાલામાં જીરૂ ભરી ઉંઝા વેચવા આવતો હતો ત્યારે રસ્તામાં યુવતીએ ફરીથી ફોન કરી મળવા જણાવ્યુ હતુ. યુવાન ઉંઝા પહોચતા યુવતીએ બીજા દિવસે વિસનગર મળવા આવવા જણાવ્યુ હતુ. આ યુવાને ખેતી માટે તેમના બનેવીના વિસનગર ખાતે રહેતા મીત્ર અમરતભાઈ પ્રભુભાઈ સુથાર પાસેથી બે લાખ રૂપિયા ઉછીના લીધા હોવાથી પરત કરવા વિસનગર આવવાનુજ હતુ. યુવાન વિસનગર આવી અમરતભાઈ સુથારને બે લાખ રૂપિયા આપી તેમની સાથે બેઠો હતો. ત્યારે યુવતીએ ફોન કરી ગંજબજાર ફાટક પાસે યુવાનને બોલાવ્યો હતો. યુવાન પહોચતા એક્ટીવા ઉપર એક ૨૫ વર્ષની અને એક ૩૫ વર્ષની બે યુવતીઓ હતી. જેમણે યુવાનને એક્ટીવા ઉપર બેસાડી સુંશી રોડ ઉપર રબારીની વસાહત સામે એક ગલ્લો હતો. તેની બાજુમાં આર.સી. રોડ ઉપર થઈ વળાંક ઉપર એક ટેનામેન્ટ મકાન આગળ એક્ટીવા ઉભુ રાખ્યુ હતુ. એક્ટીવા ચલાવતી યુવતીએ પોતાની મીના પ્રજાપતિ તરીકે ઓળખાણ આપી હતી. બીજી દિવ્યા નામની યુવતી સાથે યુવાનને મકાનમાં બેસાડી ઠંડુ લેવા જાઉં છું તેમ કહી મીના પ્રજાપતિ એક્ટીવા લઈને નીકળી હતી.
ખેડુત યુવાન અને દિવ્યા નામની યુવતી બન્ને મકાનના રૂમમાં બેઠા હતા. ત્યારે બાઈક ઉપર આશરે ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરના ત્રણ યુવાનો આવી ઘરમાં ઘૂસી અંદરથી બંધ કર્યુ હતુ. યુવાનોએ આ ખેડુત યુવાનને આડેધડ માર મારવા લાગ્યા હતા. જે યુવાનોએ દિવ્યા નામની યુવતી સાથે ખેડૂત યુવાનને બેસાડી વીડીયો ઉતાર્યો હતો. મીના પ્રજાપતિનુ નામ આપી ઠંડુ લેવા ગયેલી યુવતી પરત આવતા એક યુવાને તેને રેશ્માના નામથી બોલાવી હતી. આ યુવાનોએ રેશ્માને જણાવ્યુ હતું કે ખેડુત યુવાન દિવ્યા સાથે રૂમમાં એકલો હતો. પોલીસમાં તેના વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ આપી દઈએ. ખેડુત યુવાનને યુવતીના મોહપાસની લાલચમાં બરોબરનો ફસાવ્યો હતો. ત્રણ યુવાનોમાંથી વસીમ નામનો યુવાન ખેડૂત યુવાન પાસે આવી તું સીંઘાડાનો રેમા આમદ થેબાને ઓળખે છે, તે મારો મિત્ર છે. ખેડુત યુવાને રેમા આમદને ઓળખુ છુ તેમ જણાવતા તેને ફોન કર્યો હતો. ખેડુત યુવાને રેમા આમદને બનાવની જાણ કરતા તુ ગભરાઈશ નહી હું અને રહીમ ફતેહમહંમદ થેબા બન્ને ગાડી લઈને આવીએ છીએ. થોડીવારમાં સીંઘાડાના આ બન્ને વ્યક્તિઓ આવી ગયા હતા. બે યુવતી, બાઈક ઉપર આવેલ ત્રણ યુવાન અને સીંઘાડાના બે વ્યક્તિઓ આવી ખેડૂત યુવાનને જણાવ્યુ હતું કે આ મેટર પતાવવી હોય તો રૂા.૧૨ લાખ આપવા પડશે. આટલા રૂપિયા ક્યાંથી લાવુ તેમ કહેતા છેલ્લે રૂા.૧૦ લાખ આપવા પડશે, નહીતર બળાત્કારની ફરીયાદ થશે. ઈજ્જત જવાના ડરે યુવાને રૂા.૧૦ લાખ આપવાની હા પાડી હતી. જેમાં રૂા.૪ લાખ તુર્તજ આપવાનુ જણાવ્યુ હતુ. ખેડૂત યુવાને વિસનગરમાં જે બે લાખ આપ્યા હતા તે મંગાવી લીધા હતા. બાકીના બે લાખ ઉંઝા જે પેઢી ઉપર જીરૂ વેચવા મુક્યુ હતુ તે પેઢીમાંથી મંગાવી લીધા હતા. ચાર લાખ રૂપિયા આપ્યા બાદ બાકીના છ લાખ રૂપિયા માટે સીંઘાડાના રેમા આમદ તથા રહીમ ફતેહમહંમદ એ જામીન આપ્યા હતા. સીંઘાડાના આ વ્યક્તિઓએ આ વાત કોઈને કરીશ નહી, આ લોકો માથાભારે છે. બીજા રૂપિયાની વ્યવસ્થા કરી રાખજે નહી તો જાનથી મારી નાખશે તેમ કહી બીક આપી હતી. ખેડૂત યુવાન પીકઅપ ડાલાના ડ્રાઈવર સાથે વિસનગરથી સીંઘાડા પરત ફર્યા હતા. બે દિવસ પછી સીંઘાડાના બે વ્યક્તિએ બીજા રૂપિયાની ઉઘરાણી કરી હતી. ખેડૂત યુવાને મારી પાસે બીજા રૂપિયાની વ્યવસ્થા નથી તેમ કહેતા આ વ્યક્તિઓએ પૈસા આપવા પડશે નહીતો ગામમાં રહેવુ ભારે પડશે તેમ કહી ધમકીઓ આપી હતી. ખેડુત યુવાન ગભરાઈને ઘરે કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો. જે ઝેકડા ગામે રહેતા તેમના સાળાને બનાવની વાત કરી હતી. જેમણે હિમ્મત અને દિલાસો આપી ફરિયાદ કરવા જણાવ્યુ હતુ. ખેડુત યુવાન કુબેરભાઈ પરમાભાઈ વરજાનભાઈ ચૌધરીએ વિસનગર પોલીસને જાણ કરતા પોલીસે રેમા આમદ થેબા સીંઘાડા, રહીમ ફતેહમહંમદ થેબા સીંઘાડા, રેશ્મા, દીવ્યા, વસીમ, ઈમરાન તથા અન્ય એક યુવાન વિરુધ્ધ આઈ.પી.સી. ૧૨૦બી, ૩૮૪, ૩૮૮, ૩૮૯, ૩૪૨, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Top