You are here
Home > News > રીક્ષા એસોશીએસન તથા વેપારીઓની રજુઆતોને ફગાવી ડેપોના નવા વરંડામાં પગદંડી રસ્તો બંધ થશે-પેસેન્જરોમાં રોષ

રીક્ષા એસોશીએસન તથા વેપારીઓની રજુઆતોને ફગાવી ડેપોના નવા વરંડામાં પગદંડી રસ્તો બંધ થશે-પેસેન્જરોમાં રોષ

રીક્ષા એસોશીએસન તથા વેપારીઓની રજુઆતોને ફગાવી
ડેપોના નવા વરંડામાં પગદંડી રસ્તો બંધ થશે-પેસેન્જરોમાં રોષ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર એસ.ટી. તંત્ર દ્વારા ડેપોનો જે વિકાસ કરવામાં આવે છે જેમા પેસેન્જરો, વેપારીઓ તથા શહેરના અન્ય નાગરીકોની ધારદાર અવગણના કરવામાં આવી રહી છે. એસ.ટી.ડેપોમાં નવો વરંડો બની રહ્યો છે. જેમા વર્ષો જુનો પગદંડી રસ્તો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા પેસેન્જરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમા ભારે રોષ ફેલાયો છે. આ વિસ્તારના વેપારીઓ તથા રીક્ષા એસોશીએસન દ્વારા ડેપો મેનેજર સમક્ષ રજુઆત કરવામા આવી છે. યોગ્ય રજુઆત પ્રત્યે ધ્યાન આપવામાં નહી આવે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વિસનગર એસ.ટીનો જુનો ડેપો જ્યા હતો તેની પાછળ આવકાર વસ્ત્રાલય સામે પગદંડી રસ્તો હતો. જુનો ડેપો હતો તે વખતે રેલ્વે સ્ટેશન તરફ તથા એમ.એન.કોલેજ તરફ આવન જાવન માટે બંન્ને તરફ રસ્તા હતા. આ ઉપરાંત હાલ ડેપોનો મેન ગેટ છે તે તરફ કોલેજ રોડ બાજુ પણ આવન જાવન માટે વરંડામાં રસ્તાની જગ્યા રાખવામાં આવી હતી. નવો ડેપો બન્યો તેમા કોલેજ રોડ તરફથી બસોની અવર જવર થઈ રહી છે. ડેપોનો સ્ટેશન રોડ તરફનો વાયર ફેસીંગ વાળો જે વરંડો હતો તે તોડી નવો વરંડો બનાવવાની હીલચાલ ચાલી રહી છે. જેમા જાણવા મળ્યા પ્રમાણે આવકાર વસ્ત્રાલય સામેનો વર્ષોજુનો જે પગદંડી રસ્તો હતો તે બંધ કરવામાં આવનાર છે. ડેપોના પાર્કીંગ તરફથી જ અવર જવર કરી શકાશે.
નોંધપાત્ર બાબત છેકે વિસનગર ડેપોમા જે પેસેન્જર અવર જવર કરે છે તે મોટા ભાગે રેલ્વે સ્ટેશન સર્કલ તરફના હોય છે. પેસેન્જરો ડેપોમા બસમાંથી ઉતર્યા બાદ રેલ્વે સ્ટેશન બજાર તરફ આવતા હોય છે. વળી શહેરની મોટા ભાગની સ્કુલ કોલેજ આ તરફ હોવાથી સ્કુલ કોલેજ જતા વિદ્યાર્થીઓની પણ સ્ટેશન સર્કલ તરફની અવર જવર હોય છે. આવકાર વસ્ત્રાલય સામેનો પગદંડી રસ્તો બંધ કરવામાં આવે તો મોટા ભાગના પેસેન્જરો અને વિદ્યાર્થીઓને પાર્કીગ તરફ ફરીને સ્ટેશન સર્કલ તરફ આવન જાવન કરવી પડે, વર્ષો જુનો પગદંડી રસ્તો રાખવામાં આવે તો ડેપોમાં અવર જવર કરતા પેસેન્જરોને તેનો વધારે ફાયદો છે ત્યારે લોકોનો ઉપયોગ સુવિધા જોયા વગર ડેપોના બાંધકામ વિભાગના એન્જીનીયરે પગદંડી રસ્તો બંધ કરવાનો નિર્ણય કરતા લોકોમાં ભારે રોષ છે.
આવકાર વસ્ત્રાલય સામેનો પગદંડી રસ્તો ખુલ્લો રાખવા રીક્ષા એસોશીએસન તથા આ વિસ્તારના વેપારીઓ દ્વારા ડેપો મેનેજર જે.કે.પરમાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જે સંદર્ભે ડેપો મેનેજરે જણાવ્યુ છે કે વેપારીઓ રહીશો તથા રીક્ષા એસો.ની માગણીની જાણ ઉચ્ચ કક્ષાએ કરી છે.
આ બાબતે વિભાગીય નિયામક ઓફીસના બાંધકામ શાખાના નાયબ ઈજનેર જે.સી. કડીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ છે કે આ રોડ ઉપર મુસાફરોના અવાર નવાર અકસ્માતો થતા હોવાથી તેમની રજુઆતોથી વરંડો બનાવવાનુ નક્કી કર્યુ છે. વેપારીઓ, રહીશો અને રીક્ષા ચાલકો પોતાના સ્વાર્થ માટે નાનો ગેટ કે પગદંડી મુકવાનુ કહી રહ્યા છે. અત્યારે જુનો ડેપો તોડી નંખાયો છે ત્યારે નવા ડેપોના નક્શા પ્રમાણે દરેક મુસાફરો પાર્કિગ પાસેથી બહાર નિકળી શકે છે. હવે સળંગ વરંડોજ બનશે. વચ્ચે ડેપોમાંથી બહાર નિકળવા કોઈ રસ્તો કરવામાં આવશે નહિ. બાંધકામ શાખાના જવાબ પ્રમાણે આ પગદંડી રસ્તા પાસે અવાર નવાર ક્યારે અકસ્માત થયા? ક્યા પેસેન્જરે પગદંડી રસ્તો બંધ કરવા રજુઆતો કરી? એસ.ટી તંત્ર પોતાની મનમાની કરી રહ્યુ છે અને પેસેન્જરોના ખોટા નામ વટાવવામાં આવે છે.

Leave a Reply

Top