You are here
Home > News > વડનગર ગેસ્ટ હાઉસમાં આત્મહત્યાના બનાવમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા ચકચાર

વડનગર ગેસ્ટ હાઉસમાં આત્મહત્યાના બનાવમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા ચકચાર

વડનગર ગેસ્ટ હાઉસમાં આત્મહત્યાના બનાવમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા ચકચાર
મામાના દિકરાએ કરેલ દેવાની જવાબદારી નાખતા યુવાનની આત્મહત્યા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વડનગર ગેસ્ટહાઉસમાં વિસનગરના વેપારી યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા પોલીસે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં મામા- ફોઈના દિકરાની ભાગીદારીમાં મામાના દિકરાએ દેવા કરી ફોઈના દિકરા ઉપર જવાબદારી નાખતા ટેન્શનમા આવી યુવાને આત્મહત્યા કરી હોવાનું ખુલતા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરતા આ કેસમા નવો વળાંક આવ્યો છે.
કેસની વિગતો પ્રમાણે વિસનગર તાલુકાના મુળ કંસારાકુઈ ગામના અને હાલ કાંસા એન.એ.સોપાન બંગ્લોઝમા રહેતા તેમજ જી.આઈ.ડી.સી.માં ઉમા સેનેટરી હાઉસ નામની દુકાનમાં ટાઈલ્સ એન્ડ સેનેટરી નો વેપાર કરતા કનુભાઈ ભગવાનભાઈ જેઠાભાઈ પટેલ ઉ.વ.૫૦નો દિકરો સ્નેહ પટેલ તથા કનુભાઈ પટેલના કાંસા ગામમા રહેતા સાળો મુકેશભાઈ રેવાભાઈ પટેલનો પુત્ર મયુર પટેલ બંન્ને મામા ફોઈના દિકરા છેલ્લા બે વર્ષથી ભાગીદારીમા ટાઈલ્સનો વેપાર કરતા હતા. થોડા સમય ધંધો વ્યવસ્થિત ચાલ્યા બાદ ધંધામા નુકશાન આવતા મયુર પટેલ જાણ બહાર ઉચા વ્યાજે પૈસા લાવતો હતો. જે પૈસા ચુકવવા સ્નેહ પટેલને દબાણ કરતો હતો. પૈસાના ટેન્શનમા સ્નેહ પટેલ ગુમ સુમ અને ઉદાસ રહેતો હતો. કનુભાઈ પટેલ તથા તેમની પત્નિ જ્યોત્સનાબેન પટેલ બંન્ને ઉદાસીનુ કારણ પુછતા સ્નેહ પટેલ માતા- પિતાને જણાવતો હતો કે મયુર બહારથી ઉંચા વ્યાજે પૈસા લીધા છે. જે પૈસા ભરપાઈ કરવા માટે મારા ઉપર દબાણ કરે છે. સ્નેહ પટેલ આર્થિક સંકળામણમાં આવી જતા તેમજ મયુર પટેલ પૈસા ચુકવવાનુ દબાણ કરતા માનસીક ભાગી પડ્યો હતો.
આત્મહત્યાનો બનાવ બન્યો તે દિવસે તા. ૨૦-૦૩-૦૧૯ના રોજ મયુર પટેલ તેના બાઈક ઉપર સ્નેહ પટેલને બેસાડી વડનગર ગયા હતા. જ્યા મયુર પટેલે સ્નેહ પટેલ પાસે પૈસાની માંગણી કરી હતી. જે બંન્ને વડનગરમા રાજમહેલ ગેસ્ટહાઉસમા રોકાયા હતા. મયુર પટેલે પૈસા માટે વધારે દબાણ કરતા સ્નેહ પટેલે ગેસ્ટહાઉસમા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યો હતો. સ્નેહ પટેલે આ અગાઉ તેના કાકા સંજયકુમાર ભગવાનભાઈ પટેલ રહે કંસારાકુઈ, જયેશકુમાર રમણલાલ પટેલ રહે કમાલપુર તા. વડનગરને પણ મયુર પટેલ પૈસા માટે દબાણ કરતો હોવાનુ જણાવ્યુ હતું. આમ મયુર પટેલે દેવુ કરી તેની જવાબદારી ખોટી રીતે સ્નેહ પટેલ ઉપર નાંખી આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કરી હતી. મૃતક યુવાનના પિતા કનુભાઈ પટેલ પોલીસ ફરિયાદમા આક્ષેપ કરતા જણાવ્યુ છે કે સ્નેહ પટેલ જે દોરીથી ફાંસો ખાધો હતો તે દોરી પણ મયુર પટેલે લાવી આપી હતી. આ વાત મયુર પટેલે તેના ઘરમાં જણાવી હતી. મયુર પટેલે એ પણ જણાવ્યુ હતુ કે સ્નેહ પટેલને હુ વડનગર લઈ ગયો હતો. મે દોરી ખરીદી હતી. રૂમ પણ મે બુક કરાવી હતી. રૂમમા મે દોરી બાંધી હતી. સ્નેહે ફાસો ખાધો તે વખતે હુ રૂમમા હાજર હતો. કનુભાઈ પટેલને રૂબરૂમા તેમના સાળા મુકેશભાઈ પટેલે આ બાબતની જાણ કરી હોવાનું પણ પોલીસ ફરિયાદમા જણાવ્યુ છે. સ્નેહ પટેલને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કરવા બાબતે મયુર પટેલનો મહત્વનો ભાગ હોઈ આ બાબતે મૃતક સ્નેહ પટેલનાપિતા કનુભાઈ ભગવાનભાઈ જેઠાભાઈ પટેલની ફરિયાદ આધારે પોલીસે પટેલ મયુરકુમાર મુકેશભાઈ રેવાભાઈ રહે કાંસા વિરૂધ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Top