You are here
Home > News > ક્રાઈમ પેટ્રોલની જેમ મર્ડરમીસ્ટ્રીનો DNAથી ભાંડો ફૂટ્યો

ક્રાઈમ પેટ્રોલની જેમ મર્ડરમીસ્ટ્રીનો DNAથી ભાંડો ફૂટ્યો

કરબટીયાના પરણીત પ્રેમીઓનું પાપ છાપરે ચડી પોકાર્યુ

ક્રાઈમ પેટ્રોલની જેમ મર્ડરમીસ્ટ્રીનો DNAથી ભાંડો ફૂટ્યો

કરબટીયાની મનિષા અને તેના પ્રેમી અશોકસિંહ રાજપૂતે સાથે જીંદગી જીવવા ક્રાઈમ સીરીયલની જેમ નિર્દોષ મહિલાની કરપીણ હત્યા કરવાનુ ષડયંત્ર રચ્યુ હતુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વડનગર તાલુકાના કરબટીયા ગામના પરણિત પ્રેમી પંખીડાએ એકબીજા સાથે કાયમી જીવન જીવવા માટે પીંપળદર ગામની નિર્દોષ શ્રમજીવી મહિલાની કરપીણ હત્યા કરી તેની લાશને ગામની નજીક રોડ ઉપર ફેકી અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ “પાપ છાપરે ચડીને પોકારે” તે કહેવતની જેમ વડનગર પોલીસે મૃતક મહિલા પાસેથી મળેલા ડૉક્યુમેન્ટ્‌સના આધારે તપાસ કરી ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી કરબટીયાના હત્યારા પ્રેમી પંખીડાની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે.
વિસનગર તાલુકાના કાંસા ગામની મનિષા ઉર્ફે ધર્મિષ્ઠાના લગ્ન આશરે ૧૫ વર્ષ અગાઉ કરબટીયા ગામના ગોવિંદસિંહ રાજપૂત સાથે થયા હતા. શરૂઆતમાં મનિષા પોતાના પિયર કાંસા ગામે આવતી હતી તે દરમિયાન કરબટીયા ગામના અશોકસિંહ છગુજી રાજપૂત નામના પરણિત યુવાન સાથે તેના પ્રણયસબંધ બંધાતા બન્ને જણા અવાર-નવાર મળતા હતા. આ બાબતની મનિષાના પતિને ગંધ આવતા બન્ને પતિ-પત્નિ વચ્ચે છાશવારે ઝગડા થતા હતા. જેથી મનિષાએ પોતાના પ્રેમી અશોકસિંહ સાથે કાયમી જીવન જીવવાનું નક્કી કર્યુ હતુ. મનિષાએ પોતાના જેવા દેખાતા અને રસોઈનું કામ કરનાર પીંપળદરના કાન્તાબેન જયંતીભાઈ પટેલની ક્રાઈમ સીરીયલોમાં થતી હત્યાની જેમ કાન્તાબેનની હત્યા કરવા પ્રેમી અશોકસિંહ સાથે ષડયંત્ર રચ્યુ હતુ. જેમાં મનિષાએ તા.૨૮-૪ ના રોજ કાન્તાબેનને રસોઈના કામના બહાને રાજસ્થાન જવાનું કહી રીક્ષામાં બેસાડી કાંસા ગામમાં લઈ ગઈ હતી. જ્યાંથી બન્ને જણા કરબટીયાના અશોકસિંહના બાઈક ઉપર બેસી ત્રણ સવારી કરબટીયા આવવા નિકળ્યા હતા. કરબટીયા ગામની સીમમાં પહોચતા મનિષા અને અશોકસિંહ ભેગા મળી કાન્તાબેનના માથામાં ઉપરા છાપરી પાવડાના ઘા મારી તેમની કરપીણ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ મનિષાએ ક્રાઈમ સીરીયલની જેમ મૃતક કાન્તાબેનની જગ્યાએ પોતાનુ અકસ્માતમાં મોત થયું હોવાનું લોકોને બતાવવા પોતાના કપડા, મંગળસુત્ર, ચપ્પલ સહિત અન્ય ઘરેણા મૃતક કાન્તાબેનને પહેરાવ્યા હતા. અને અશોકસિંહે મૃતક મહિલાના શરીર ઉપર ટ્રેક્ટર ફેરવી આખુ મોઢુ છુુંદી તેમની લાશને ગામની સીમમાં રોડ ઉપર ફેકી દઈ બન્ને જણા ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની વડનગર પોલીસને જાણ થતા પી.એસ.આઈ. બી.એમ.પટેલ સહિતના સ્ટાફે ઘટના સ્થળે આવી તપાસ કરતા મહિલાની લાશ છુંદાયેલી હાલતમાં હતી. અને મૃતક મહિલા પાસેથી પર્સ, મંગળસુત્ર, ચપ્પલ મળી આવ્યા હતા. પોલીસે મૃતક મહિલા પાસેથી મળી આવેલ પર્સની તપાસ કરતા અંદરથી કરબટીયા ગામની મનિષા ગોવિંદસિંહ રાજપૂત નામનુ આધારકાર્ડ મળી આવ્યું હતું. ત્યારે પોલીસે મૃતક મહિલાની ઓળખ માટે તેના પતિ ગોવિંદસિંહ રાજપૂતનો સંપર્ક કરી ઘટના સ્થળે બોલાવતા ગોવિંદસિંહે મૃતક મહિલા પાસેથી મળેલ પર્સ, મંગળસુત્ર, ચપ્પલ તથા આઈકાર્ડ પોતાની પત્નિ મનિષાનુ હોવાનું સ્વિકાર્યુ હતુ. પરંતુ લાશની તપાસ કરતા પોતાની પત્નિના જમણા હાથમાં કોતરાયેલુ ઓમનું નિશાન અને ઓપરેશનનુ નિશાન ન દેખાતા મૃતક મહિલા પોતાની પત્નિ ન હોવાનું પોલીસને જણાવ્યુ હતું. ત્યારે વિસનગર ડી.વાય.એસ.પી. એમ.બી.વ્યાસના માર્ગદર્શન હેઠળ વડનગર પી.આઈ. બી.એમ.પટેલે હત્યારાઓનું પગેરૂ શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસની આંખમાં ધૂળ નાખવા મનિષા તેના પ્રેમી અશોકસિંહ સાથે રાજસ્થાન ભાગી હતી. વડનગર પોલીસે મૃતક કાન્તાબેનની લાશનું પી.એમ.કરાવવાની તથા તેના પુત્રનો ડી.એન.એ.ટેસ્ટ કરાવવાની કાર્યવાહી કરી હોવાનુ મનિષાને જાણ થતા મનિષા રાજસ્થાનથી આવી સીધી વડનગર સિવિલમાં સારવારના બહાને દાખલ થઈ હતી. અને પોતાનું અપહરણ થયું હોવાની વડનગર પોલીસને ફરિયાદ કરતા પોલીસે સિવિલ હોસ્પિટલમાં જઈ મનિષાની કડક પૂછપુરછ કરતા તે માનસિક રીતે ભાંગી પડી હતી. અને પોતાના પ્રેમી અશોકસિંહ સાથે મળી ત્રણ મહિના પહેલા કાન્તાબેનની હત્યા કરવાનું કાવતરૂ રચ્યુ હોવાની કબુલાત કરી હતી. પોલીસે મનિષા તથા તેના પ્રેમી હત્યારા અશોકસિંહ રાજપૂતની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે. પોલીસે બન્ને પ્રેમી હત્યારાઓની ધરપકડ કર્યા બાદ મૃતક કાન્તાબેનની પરણિત દિકરી અંજલીબેન પટેલે પોતાની માતાના બન્ને હત્યારા પ્રેમી પંખીડાઓને ફાંસીની સજા થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. મનિષાના આવા ઘૃણાસ્પદ કૃત્યથી પંથકના લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.

Leave a Reply

Top