You are here
Home > News > વિસનગરમાં મા-અમૃતમ કાર્ડ મેળવવા લાભાર્થીઓને હાલાકી

વિસનગરમાં મા-અમૃતમ કાર્ડ મેળવવા લાભાર્થીઓને હાલાકી

બ્લોક હેલ્થ ઓફીસમાં એજન્સીના કર્મચારીની નિષ્કાળજીના લીધે

વિસનગરમાં મા-અમૃતમ કાર્ડ મેળવવા લાભાર્થીઓને હાલાકી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સરકારે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને ગંભીર બિમારીઓમાં રૂા.૨ લાખ સુધીની તબીબી સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે માઁ અમૃતમ અને માઁ વાત્સલ્ય આરોગ્યલક્ષી યોજના અમલમાં મુકી છે. જેમાં વિસનગર તાલુકા હેલ્થ ઓફીસમાં પોતાની ખાનગી પેઢી હોય તેમ ફરજ બજાવતા એજન્સીના કર્મચારીની અનિયમિતતા અને મનસ્વી વર્તનથી તાલુકાના કેટલાય લાભાર્થીઓ સરકારની આ આરોગ્યલક્ષી યોજનાનો લાભ લેવા કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર તપાસ કરી એજન્સીના આ બેજવાબદાર કર્મચારી સામે કાર્યવાહી કરશે ખરા?
આજની કમરતોડ મોંઘવારીમાં ગંભીર બિમારીઓમાં તબીબી સારવાર ખૂબજ મોંઘી બની છે. જેથી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે ગંભીર બિમારીઓમાં મોઘી સારવાર કરાવી શકતા નહતા. અને આવા પરિવારના દર્દીઓ છેવટે મોતના મુખમાં ધકેલાતા હતા. ત્યારે સરકારે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને કેટલીક ગંભીર અને બિમારીઓમાં રૂા.૨ લાખ સુધીની તબીબી સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે માઁ અમૃતમ અને માઁ વાત્સલ્ય સહિત અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે. સરકારની આ આશિર્વાદરૂપ યોજનાનો રાજ્યના હજ્જારો પરિવારો લાભ લઈ રહ્યા છે. વિસનગર તાલુકા બ્લોક હેલ્થ ઓફીસમાં ફરજ બજાવતા એજન્સીના કર્મચારીની અનિયમિતતા અને મનસ્વી વર્તનના લીધે તાલુકાના કેટલાય લાભાર્થીઓ સરકારની આ આરોગ્યલક્ષી યોજનાનો લાભ લેવા માટે કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. છતાં પોતાનું કામ કઢાવવા માટે કચેરીમાં ધક્કા ખાતા લાભાર્થીઓ ઉચ્ચકક્ષાએ આ કર્મચારી વિરુધ્ધ ફરિયાદ કરતા નહતા. જેથી આ કર્મચારીને ફરજ દરમિયાન મનસ્વી વર્તન કરવા મોકળુ મેદાન મળી ગયું છે. હાલમાં એજન્સીના આ કર્મચારી પોતાની ખાનગી પેઢી ચલાવતા હોય તેમ માઁ અમૃતમ કાર્ડ તથા માઁ વાત્સલ્ય કાર્ડ મેળવવા માટે આવતા લાભાર્થીઓને કોર્ટની જેમ લાંબી મુદતો આપી કચેરીના ધક્કા ખવડાવી હેરાન પરેશાન કરી રહ્યા હોવાનું ચર્ચાય છે. ત્યારે આરોગ્યખાતાના ઉચ્ચ અધિકારીઓ પોતાની ખાનગી પેઢી સમજીને બ્લોક હેલ્થ ઓફીસમાં ફરજ બજાવતા એજન્સીના આ કર્મચારી સામે કડક કાર્યવાહી કરી ફરજનું ભાન કરાવે તેવી લોકોમાં ચર્ચા છે.

Leave a Reply

Top