You are here
Home > News > વિસનગર સિવિલને નૂતન મેડિકલમાં મર્જ કરવાની ચર્ચાથી હોબાળો

વિસનગર સિવિલને નૂતન મેડિકલમાં મર્જ કરવાની ચર્ચાથી હોબાળો

વિસનગર સિવિલને નૂતન મેડિકલમાં મર્જ કરવાની ચર્ચાથી હોબાળો

ચર્ચા ચાલે છે પણ આધારભૂત રીતે જાણવા મળ્યુ નથી-સિવિલ સુપ્રિટેન્ડન્ટ
સિવિલ હોસ્પિટલને નૂતન મેડિકલમાં મર્જ કરવાનો નિર્ણય કરાશે તો હું ઉપવાસ ઉપર ઉતરીશ-ઈશ્વરલાલ નેતા
સરકાર દ્વારા આવી કોઈ પ્રપોઝલ મળી નથી-પ્રકાશભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નૂતન મેડિકલ કોલેજની મંજુરીની જ્યારે પણ વાત આવી છે ત્યારે કોઈને કોઈ વાતે હોબાળા થતા આવ્યા છે. મેડિકલ કોલેજની મંજુરી મળતા વિસનગર સિવિલ હોસ્પિટલ તેમાં વિલીનીકરણ કરવામાં આવશે તેવી ચર્ચા અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની છે. આ ચર્ચાથી ભારે હોબાળો થયો છે. આ ચર્ચાને કેટલાક હકારાત્મક રીતે જોઈ કહી રહ્યા છેકે, સિવિલ હોસ્પિટલનું વિલીનીકરણ થાય તો સિવિલના દર્દીઓને સારી સારવાર મળશે. જ્યારે કેટલાક નકારાત્મક રીતે જોઈને કહી રહ્યા છેકે, અબજો રૂપિયાની મિલ્કત પધરાવવાનુ આ એક ષડયંત્ર છે. જે મેલી મુરાદ બર આવવા દેવામાં આવશે નહી.
વડનગરમાં મેડિકલ કોલેજ બનતા વડનગર સિવિલ હોસ્પિટલના કેટલાક સ્ટાફની મેડિકલ કોલેજમાં બદલી કરાઈ, હિંમતનગર મેડિકલ કોલેજ બનતા ત્યાંની સિવિલ હોસ્પિટલના સ્ટાફની મેડિકલ કોલેજમાં નિમણુંક કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પાલનપુરમાં મેડિકલ કોલેજ બની રહી છે ત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલ સ્ટાફની પણ મેડિકલ કોલેજમાં બદલી થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીને નૂતન મેડિકલ કોલેજની મંજુરી મળ્યા બાદ અત્યારે જોરશોરથી એક એવી ચર્ચા ચાલી રહી છેકે, વડનગર અને હિંમતનગર સિવિલની જેમ વિસનગર સિવિલ પણ નૂતન મેડિકલ કોલેજમાં વિલીનીકરણ કરવામાં આવશે. સિવિલમાં નૂતન મેડિકલ કોલેજના ર્ડાક્ટરો સેવા આપશે. જે દર્દિઓ નૂતન મેડિકલ કોલેજના ગણાશે. નૂતન મેડિકલ કોલેજને સિવિલ હોસ્પિટલનુ સંચાલન આપવામાં આવશે. આ બાબતે વિસનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ર્ડા.પી.એમ.જોષીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, આવુ વિચારણા હેઠળ છે તેવુ વાયા વાયા જાણવા મળ્યુ છે, પરંતુ સત્તાવાર માહિતી નથી. આવો નિર્ણય લેવાય તો દર્દિઓના હિતમાં રહે. દર્દિઓને મેડિકલના સ્ટુડન્ટની તથા નિષ્ણાંત ર્ડાક્ટરોની સેવા મળે. સરકાર કદાચ PPP ધોરણે વિચારી પણ શકે. પરંતુ હાલમાં આવી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલનો આ બાબતે સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, યુનિવર્સિટીને ગ્રીન ફીલ્ડ અંતર્ગત મંજુરી મળી છે. યુનિવર્સિટીને પોતાની અદ્યતન હોસ્પિટલ છે. સિવિલ હોસ્પિટલને નૂતન મેડિકલ કોલેજમાં વિલીનીકરણ કરવાની વાતમાં કોઈ તથ્ય નથી. વિલીનીકરણ કરવાની વાત હોય તો સિવિલ હોસ્પિટલના સ્ટાફની જવાબદારી લઈ ન શકાય. સરકાર નૂતન મેડિકલ કોલેજને ફાયનાન્સીયલ મદદ કરવાની છે આવી સરકારમાંથી કોઈ પ્રપોઝલ આવી નથી. સિવિલને નૂતન મેડિકલમાં વિલીનીકરણ કરવાની ચર્ચાથી રોગી કલ્યાણ સમિતિના સભ્ય ઈશ્વરલાલ નેતાએ રોષ ઠાલવ્યો હતો કે વિસનગર સિવિલ એ ઉત્તર ગુજરાતની સૌપ્રથમ અને સૌથી મોટી સિવિલ હોસ્પિટલ હતી. સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દિઓની વ્યવસ્થિત સારવાર થાય છે. સિવિલ હોસ્પિટલને કોઈ ખાનગી સંસ્થાને સોપવાનો કે સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવશે તો સૌપ્રથમ હું ઉપવાસ ઉપર ઉતરીશ. કરોડો રૂપિયાની મિલ્કત ધરાવતી હોસ્પિટલ કોઈને ચલાવવા આપી શકાય નહી.
અત્રે ઉલ્લેખનીય છેકે,સિવિલ હોસ્પિટલની જે જમીન છે તે જમીનના અને હોસ્પિટલના દાતા શેઠ શ્રી ગીરધરલાલ ડોસાભાઈએ આ હોસ્પિટલ સરકારને સોપી તે વખતે કરાયેલા કરારમાં જો આ હોસ્પિટલનો વહીવટ સરકાર સિવાય બીજા કોઈને સોપવામાં આવશે તો હોસ્પિટલની જમીન તથા બિલ્ડીંગ દાતાને પરત લેવાનો અબાધીત અધિકાર છે.

Leave a Reply

Top