You are here
Home > News > વેપારી મહામંડળનો હુંકાર-પગદંડી રસ્તો નહી છોડાય તો આંદોલન

વેપારી મહામંડળનો હુંકાર-પગદંડી રસ્તો નહી છોડાય તો આંદોલન

વર્ષોથી ઉપયોગી રસ્તો બંધ કરવાની પેરવી કરતા રોષ ભભૂક્યો

વેપારી મહામંડળનો હુંકાર-પગદંડી રસ્તો નહી છોડાય તો આંદોલન

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર વેપારી મહામંડળ ફક્ત વેપારીઓના હિતમાંજ નહી પરંતુ લોકોના પ્રશ્ને પણ અવાજ ઉઠાવતુ આવ્યુ છે. એસ.ટી.તંત્ર દ્વારા ઉમા માર્કેટ સામેનો વરંડો બનાવવાની તજવીજ હાથ ધરી છે. જેમાં આવકાર વસ્ત્રાલય અને સંતોષ હોટલ સામેનો પગદંડી રસ્તો બંધ કરવાની પેરવી કરવામાં આવતા વેપારીઓ, પેસેન્જરો, રીક્ષા એસોસીએશન તથા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. વેપારી મહામંડળના પૂર્વ પ્રમુખ કાળુભાઈ પટેલની આગેવાનીમાં વેપારીઓ દ્વારા ચીમકી આપવામાં આવી છેકે, જો વર્ષોથી ઉપયોગમાં આવતો પગદંડી રસ્તો ખુલ્લો રાખવામાં નહી આવે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
વિસનગરમાં જુના એસ.ટી. ડેપોની પાછળ વાયર ફેન્સીંગવાળા વરંડામાં રેલ્વે સ્ટેશન સર્કલ તરફ જવા તથા મુસ્લીમ બોર્ડીંગ એમ.એન.કોલેજ તરફ જવા બે રસ્તા હતા. નવુ એસ.ટી.સ્ટેન્ડ બનાવ્યા બાદ મુસ્લીમ બોર્ડીંગ તરફ પાર્કિંગ બનાવવામાં આવ્યુ છે. એસ.ટી.તંત્ર દ્વારા વાયર ફેન્સીંગનો વરંડો તોડી આર.સી.સી.નો વરંડો બનાવવામાં આવી રહ્યો છે. જેમાં જાણવા મળ્યા પ્રમાણે રેલ્વે સ્ટેશન સર્કલ તરફ જવાતુ હતું તે આવકાર વસ્ત્રાલય અને સંતોષ હોટલ સામેનો આશરે વીસ ફૂટનો ફક્ત ચાલી શકાય તેવો પગદંડી રસ્તો બંધ કરવામાં આવી રહ્યો છે. બસ સ્ટેન્ડમાં આવન-જાવન કરતા મોટાભાગના પેસેન્જરો આ રસ્તાનો ઉપયોગ કરે છે. બસ ડેપોમાં આવતા મોટાભાગના પેસેન્જર રેલ્વે સ્ટેશન સર્કલ તરફ જતા હોય છે. આ પગદંડી રસ્તો બંધ કરવામાં આવે તો ડેપોમાં અવરજવર માટે પાર્કિંગના રસ્તાનો ઉપયોગ કરવો પડે. બસમાંથી ઉતર્યા બાદ રેલ્વે સ્ટેશન સર્કલ તરફ જવુ હોય તો ૩૦૦ થી ૪૦૦ મીટર વધારે ચાલવુ પડે. જે સિનિયર સિટીઝનો માટે કઠીન થઈ પડે.
આ પગદંડી રસ્તો પેસેન્જરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, રીક્ષા ડ્રાઈવરો તમામ માટે સાનુકુળ અને ઉપયોગી છે. ત્યારે લોકોની સુવિધાનો વિચાર કર્યા વગર પગદંડી રસ્તો બંધ કરવાની પેરવી કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ વિસ્તારના ર્ડાક્ટર એસોસીએશન મેડિકલ એસો. વેપારી મંડળ ઉમા માર્કેટ, શીવ માર્કેટ, આનંદ માર્કેટ, શ્રીજી માર્કેટ, સ્પાન પ્લાઝા, ગાયત્રી મંદિર રોડની ૭૦ થી ૮૦ સોસાયટીના રહીસો વિગેરેએ એસ.ટી.ડેપો મેનેજરને ઉલ્લેખી જણાવ્યુ છેકે, આ પગદંડી રસ્તાથી હોસ્પિટલમાં આવતા દર્દિઓ, વેપારીઓ, વિદ્યાર્થીનીઓ, ગૃહીણીઓ, વૃધ્ધો વિગેરેને અવરજવરમાં સાનુકુળતા રહે છે, જેથી થાંભલા મુકી આપવા વિનંતી છે.
રીક્ષા ડ્રાઈવર એસો.એ ડેપો મેનેજરને જણાવ્યુ છેકે, વરંડામાં થોડા થોડા અંતરે ત્રણ પગદંડી દરવાજા મુકવામાં આવે તો પેસેન્જરો અને રીક્ષા ડ્રાઈવરોને ભારે સાનુકુળતા રહે, નવા બનતા વરંડામાં પગદંડી રસ્તો મુકવા માટે વિસનગર વેપારી મહામંડળ સમક્ષ રજુઆત આવતા તા.૯-૫-૨૦૧૯ ના રોજ વેપારી મહામંડળના પૂર્વ પ્રમુખ કાળુભાઈ પટેલ, મંત્રી ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટ, ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ આવકાર, ગીરીશભાઈ પટેલ નવદુર્ગા, હર્ષલભાઈ પટેલ એમ.જે.મેડીકલ, શીવકુમાર સોની, ગૌતમભાઈ સથવારા, મહેશભાઈ પટેલ ઓમકાર પ્લાયવુડવાળા, મનીષભાઈ ગળીયા, તેમજ ઉમા માર્કેટના વેપારીઓ સાથે મળી એક આવેદન પત્ર આપ્યુ હતુ. ડેપો મેનેજર હાજર નહી હોવાથી આસી. ટ્રાફીક ઈન્સ્પેક્ટર દશરથભાઈ એસ.ચૌધરીને આવેદન આપી જણાવ્યુ હતું કે, લોખંડની ફેન્સીંગ હતી ત્યાં દિવાલ ચણી વરંડો બનાવવામાં આવે છે. જે વરંડામાં ત્રણ પગદંડી દરવાજા મુકવા તેમજ વર્ષોની માગણી પ્રમાણે ૧૦ ફુટ પાછળ દિવાલ બનાવવી. જેથી આ વિસ્તારમાં ટ્રાફીક સમસ્યા રહે નહી. આ માગણીઓ સંતોષવામાં નહી આવે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. વેપારી મહામંડળની આ રજુઆતથી આ વિસ્તારના માર્કેટના વેપારીઓએ પણ પોતાની માગણી અને લાગણીના ટેકામા વેપારી મહામંડળ હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Top