You are here
Home > News > સફાઈ-લાઈટ વેરામાં ૧૦ ટકા રીબેટનો લાભ કેમ નહી?

સફાઈ-લાઈટ વેરામાં ૧૦ ટકા રીબેટનો લાભ કેમ નહી?

વિસનગર નગરપાલિકા દ્વારા વસુલવામાં આવતા

સફાઈ-લાઈટ વેરામાં ૧૦ ટકા રીબેટનો લાભ કેમ નહી?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાન ગઠબંધનના શાસનમાં સ્ટ્રીટલાઈટ અને સફાઈ વેરાનો બોજો નગરજનો ઉપર નાખવામાં આવ્યો હતો. ત્યારે એક કરદાતા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છેકે, એક માસમાં વેરા બીલ ભરનારને ૧૦ ટકા રીબેટનો લાભ આપવામાં આવે છે તો સફાઈ અને લાઈટ વેરામાં રીબેટનો લાભ કેમ નહી? જ્યારથી આ નવા વેરા વસુલાતની શરૂઆત કરવામાં આવી ત્યારથી ૧૦ ટકા રીબેટ મજરે આપવા જણાવ્યુ છે.
વિસનગર પાલિકાના તત્કાલીન પ્રમુખ ગીરીશભાઈ પટેલના શાસનમાં તા.૩૦-૧૦-૨૦૧૩ ના રોજ મળેલી સાધારણ સભામાં સ્ટ્રીટલાઈટ વેરો અને સફાઈ વેરો વસુલવા માટે ૧૧૭ અને ૧૧૮ નંબરનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં રહેણાંક માટે ૧૫૦, કોમર્શીયલ માટે ૩૦૦ તથા હોસ્પિટલ, બોર્ડીંગ, હોટલ, થીયેટર, લોજ, મીલ, ફેક્ટરી, લોજીંગ, બોર્ડીંગની વ્યવસ્થાવાળી ધાર્મિક સંસ્થાઓ માટે રૂા.૪૫૦ વેરો વસુલવા ઠરાવ કરાયો હતો. આ બન્ને વેરા થઈ રહેણાંક માટે રૂા.૩૦૦, કોમર્શીયલ માટે રૂા.૬૦૦ તથા અન્ય માટે રૂા.૯૦૦ વાર્ષિક વેરો વધે તેમ હતો. પરંતુ પાલિકાની ચુંટણીઓ આવતી હોઈ તેમજ પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપના આ બોર્ડમાં વેરો વધારવામાં આવ્યો નહોતો.
પાલિકાની ચુંટણીમાં વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનના ચુંટણી પ્રચારની સભાઓમાં જાહેરમાં વચન આપવામાં આવ્યુ હતું કે, ગઠબંધન સત્તામાં આવશે તો એકપણ રૂપિયાનો વેરો વધારવામાં નહી આવે. તેમ છતાં સત્તામાં આવ્યા બાદ પ્રજાને આપેલુ વચન ભુલી જઈ ગઠબંધનના બોર્ડ દ્વારા લાઈટ અને સફાઈ વેરાનો અમલ શરૂ કરાયો હતો. ગત વર્ષથીજ રહેણાંકમાં રૂા.૩૦૦/-, કોમર્શીયલમાં રૂા.૬૦૦/- અને અન્ય મિલ્કતોમાં રૂા.૯૦૦/- નો વેરો વધારો થયો હતો.
વિસનગર નગરપાલિકાના કરદાતા હેમંતભાઈ સી.મહેતા દ્વારા પાલિકામાં રજુઆત કરવામાં આવી છે. તેમાં શહેરના દરેક મિલ્કત ધારકનુ હિત છે. આ કરદાતા દ્વારા એવી રજુઆત કરવામાં આવી છેકે, પાલિકા દ્વારા જે વેરા બીલ આપવામાં આવે છે. તેમાં મિલ્કત વેરો અને પાણી વેરાની જે કુલ રકમ થાય તે રકમ વેરા બીલ મળ્યુ હોય તેના એક માસમાં ભરવામાં આવે તો ૧૦ ટકા વળતર આપવામાં આવે છે. પાલિકા દ્વારા સ્ટ્રીટલાઈટ અને સફાઈ વેરાનો અમલ કરાયો છે. તેમાં ૧૦ ટકા વળતરનો નિયમ કેમ અમલમાં મુક્યો નથી. ઠરાવમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છેકે, સફાઈ ઉપકર ઘરવેરા સાથે સાંકળીને ઘરવેરા સાથે તેની વસુલાત કરવામાં આવશે. તો ઘરવેરામાં ૧૦% વળતરનો લાભ આપવામાં આવે તો સફાઈ ઉપકરમાં આ લાભ કેમ નહી? હેમંતભાઈ મહેતાની આ રજુઆત ખરેખર બુધ્ધીજીવી વર્ગ માટે વિચાર માગી લે તેવી છે. મિલ્કત વેરો અને પાણીવેરામાં જો ૧૦ ટકા વળતરની જોગવાઈ હોય તો લાઈટ વેરો તેમજ સફાઈ વેરો એ પણ એક પ્રકારનો વેરોજ છે તેમાં પણ ૧૦ ટકા વળતર મળવુ જોઈએ. આ અગાઉ આ બન્ને નવા વેરામાં જે વસુલાત થઈ તેનુ વળતર પણ નવા વર્ષના વેરાબીલમાં મજરે આપવા માગણી કરવામાં આવી છે.
વેરો નહી વધારવાના વચને બંધાયા હોવા છતાં પ્રજાને આપેલુ વચન તોડી, પ્રજા સાથે વિશ્વાસઘાત કરનાર પાલિકાના વિકાસમંચ અને કોંગ્રેસના સભ્યોએ ભલે પ્રજા ઉપર વેરાનુ ભારણ નાખ્યુ, પરંતુ હવે લાઈટ અને સફાઈ વેરામાં ૧૦ ટકા વળતરનો લાભ મળે તે માટે કંઈ કરશે ખરા?

Leave a Reply

Top