You are here
Home > News > ભાજપ શાસિત પાલિકાતંત્ર અને આગેવાનોની ઉદાસીનતાથી વડનગરમાં બે પે એન્ડ યુઝ શૌચાલય જમીનદોસ્ત

ભાજપ શાસિત પાલિકાતંત્ર અને આગેવાનોની ઉદાસીનતાથી વડનગરમાં બે પે એન્ડ યુઝ શૌચાલય જમીનદોસ્ત

ભાજપ શાસિત પાલિકાતંત્ર અને આગેવાનોની ઉદાસીનતાથી
વડનગરમાં બે પે એન્ડ યુઝ શૌચાલય જમીનદોસ્ત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને સ્વચ્છતા અભિયાન હેઠળ લાખ્ખો રૂપિયાના ખર્ચે વડનગર શહેરના સાત સ્થળોએ પે એન્ડ યુઝ શૌચાલય બનાવ્યા હતા. જેમા પાલિકાતંત્રએ શહેરના હાટકેશ્વર મંદિર પાસે તથા ઘાસકોળ દરવાજા પાસેથી બનાવેલ પે એન્ડ યુઝ શૌચાલય તોડી પાડતા સરકારના લાખ્ખો રૂપિયા વેડફાઈ ગયા છે. ત્યારે વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને સાર્થક કરવાના બણગા ફુંકતા ભાજપના આગેવાનો તેનો વિરોધ કરવાની જગ્યાએ શહેરમાં ધુતરાષ્ટ્રાની જેમ અંધ બનીને ફરી રહ્યા છે.
આજના રાજકારણમાં સ્વાર્થી અને તકવાદી માણસો વધુ હોય છે. સ્વાર્થી માણસો હંમેશા પોતાનો ફાયદો વિચારે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વડનગર ભાજપ સંગઠનમા હોદ્દેદારો અને કાર્યકરો તેમના દરેક આદેશોનું પાલન કરતા હતા અને નરેન્દ્રભાઈ મોદીના દરેક અભિયાનોમાં પડછાયાની જેમ સાથે રહેતા હતા. આ સમયે વડનગર ભાજપ સંગઠનમા એક્તા જોવા મળતી હતી. પરંતુ સ્વાર્થી માણસો કયારેય કોઈની સાથે વફાદારી રાખતા નથી. તેમ નરેન્દ્રભાઈ મોદી દેશની વડાપ્રધાન બનતા વડનગર ભાજપના કેટલાક સ્વાર્થી હોદ્દેદારો પાર્ટીના વિવિધ કાર્યક્રમમાં માત્ર દેખાવ પુરતા હાજર રહેતા હતા. જોકે અંદરખાને પાર્ટીના કેટલાક નિર્ણયોથી નારાજ હોવાથી ગત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને વડાપ્રધાનના વતનની સીટ ગુમાવવી પડી હતી. અત્યારે વડનગર નગરપાલિકામાં ભાજપના સભ્યો અને શહેર ભાજપના હોદ્દેદોરોની ઉદાસીનતાના લીધે શહેરમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે. જેમા પાલિકાતંત્રની નિષ્કાળજીના લીધે સરકારની લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટોમાંથી બનાવેલા શહેરના સાત પે એન્ડ યુઝ શૌચાલયોમાં ભારે ગંદકી ફેલાતી હતી. ગંદકીના લીધે દુર્ગંધ મારતા આજુબાજુમા વસતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા છતાં પાલિકા દ્વારા આ જાહેર શૌચાલયોમાં સફાઈ કરાવવા કોઈ કાર્યવાહી કરવામા આવતી નહતી. પાલિકાએ આ શૌચાલયોમાં સફાઈ અને રીનોવેશન કરાવવાના બદલે શહેરના હાટકેશ્વર મંદિર પાસે તથા ઘાસકોળ દરવાજા પાસે બનાવેલ પે એન્ડ યુઝ શૌચાલય તોડી પાડતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોમા એવી ચર્ચા હતી કે શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન ઉપાડયુ ત્યારે વડનગર ભાજપના કેટલાક હોદ્દેદારો વિધાનસભાની ટીકીટ મેળવવાની આશાએ હાથમાં ઝાડુ પકડીને તેમના સ્વચ્છતા અભિયાનને સાર્થક બનાવવાના જાહેરમા બણગા ફુંકતા હતા. પરંતુ ગત વિધાનસભાની ચુંટણીમા પાર્ટીએ તેમને ટીકીટ નહી ફાળવતા તેઓ શહેરના વિકાસ કામોમા નિષ્ક્રિય બની ગયા છે. અત્યારે ભાજપના આવા સ્વાર્થી હોદ્દેદારો પોતાના ફાયદા માટે અંદરખાને ભાજપના વિરોધી જુથમા ગોઠવાઈ ગયા છે. જેના કારણે વડનગર શહેરના વિકાસમા બ્રેક વાગી છે. જોકે ભાજપના બીજા કાર્યકરો કોઈપણ હોદ્દાની અપેક્ષા રાખ્યા વગર વડનગર શહેરનો વિકાસ કરવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ભાજપના ટોચના નેતાઓ પાર્ટી પ્રત્યે વફાદારી દાખવનારા કાર્યકરોની કદર કરવી જોઈએ.

Leave a Reply

Top