You are here
Home > News > વિસનગર મામલતદારના જનસેવા કેન્દ્રમાં જળસેવાની જરૂર

વિસનગર મામલતદારના જનસેવા કેન્દ્રમાં જળસેવાની જરૂર

વિસનગર મામલતદારના જનસેવા કેન્દ્રમાં જળસેવાની જરૂર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા સેવાસદનમાં આવેલ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા, જાતીના દાખલા, નોન ક્રિમીલેયર સર્ટીફીકેટ કઢાવવા માટે સવારથી અરજદારોની લાંબી લાઈનો લાગે છે. ત્યારે આજની કાળઝાળ ગરમીમાં લાંબી લાઈનોમાં ઉભા રહેતા અરજદારો માટે મામલતદાર કચેરી દ્વારા ઠંડા પીવાના પાણીની જળસેવા કરવામાં આવે તેવી અરજદારોની માગણી છે.
સરકારે શિક્ષણ અને તબીબી ક્ષેત્રે પ્રજાને સરકારી લાભો આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન ક્રિમીલીયર સર્ટીફીકેટ ફરજીયાત છે. આવા દાખલા મેળવવા માટે અરજદારોને મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં જવુ પડે છે. પહેલા સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાનો લાભ લેવા માટે જરૂરી આવકનો દાખલો મેળવવા અરજદારોનો જનસેવા કેન્દ્રમાં ઘસારો રહેતો હતો. પરંતુ અત્યારે સમગ્ર ગુજરાતમાં ધો.૧૦, ધો.૧૨ અને કોલેજોના પરિણામો જાહેર થતા શૈક્ષણિક લાભ લેવા માટેના દાખલાઓ મેળવવા માટે સ્થાનિક મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં અરજદારોનો ભારે ઘસારો રહે છે. વિસનગર તાલુકા સેવાસદનમાં મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં દાખલાઓ મેળવવા માટે તાલુકાના અરજદારોની સવારથીજ લાંબી લાઈનો લાગે છે. આજની ઉનાળાની કાળઝાળ ગરમીમાં લાંબી લાઈનોમાં ઉભા રહેતા અરજદારોને પાણીની તરસ લાગતા પીવાના પાણી માટે મામલતદાર કચેરીમાં ફાંફા મારવા પડે છે. અરજદારો પીવાના પાણી માટે લાઈનમાંથી બહાર નિકળે તો તેમનો નંબર જતો રહે. જેના કારણે અરજદારોને પાણીની તરસ છીપાવવા હાલાકી ભોગવવી પડે છે. મામલતદાર કચેરીના કર્મચારીઓ માટે પીવાના ઠંડા પાણીના જગ મંગાવવામાં આવે છે. ત્યારે જનસેવા કેન્દ્રમાં લાંબી લાઈનોમાં ઉભા રહેતા અરજદારો માટે ઠંડા પાણીની જળસેવા કરવામાં આવે તેવી અરજદારોની લાગણી છે.

Leave a Reply

Top