You are here
Home > News > ધારાસભ્યના વલણ સામે પ્રકાશભાઈ પટેલે રોષ ઠાલવ્યો સાંસદ શારદાબેનના સન્માન સમારોહમાં ધારાસભ્ય જુથની ગેરહાજરીથી વિવાદ

ધારાસભ્યના વલણ સામે પ્રકાશભાઈ પટેલે રોષ ઠાલવ્યો સાંસદ શારદાબેનના સન્માન સમારોહમાં ધારાસભ્ય જુથની ગેરહાજરીથી વિવાદ

ધારાસભ્યના વલણ સામે પ્રકાશભાઈ પટેલે રોષ ઠાલવ્યો
સાંસદ શારદાબેનના સન્માન સમારોહમાં ધારાસભ્ય જુથની ગેરહાજરીથી વિવાદ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તથા નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા મહેસાણાના સાંસદ અને સંસ્થાના ટ્રસ્ટી શારદાબેન પટેલના યોજાયેલ સન્માન સમારોહમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. પરંતુ ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ તથા તેમના જૂથના કાર્યકરો નહી દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે આ બાબતે પ્રચારે સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલનો સંપર્ક કરતા કાર્યક્રમના આમંત્રણને લઈને વચ્ચે ભારે નારાજગી જોવા મળી હતી.
મહેસાણા લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને એસ.કે.યુનિવર્સીટીના ટ્રસ્ટી શારદાબેન પટેલનો જંગી મતોની લીડથી વિજય થતા વિસનગર સહિત મહેસાણા જીલ્લા ભાજપ સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શારદાબેન પટેલ વિસનગરના દિકરી અને ભાણી થતા હોવાથી શહેરના તળ કડવા પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. વિસનગર વાસીઓએ શારદાબેનની જીતની ખુશાલીમાં ફટાકડા ફોડી મોં મીઠુ કરાવી ખુશાલી મનાવી હતી. જેમાં વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સીટી તથા નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા ગત સોમવારે સાંજે ૪-૦૦ કલાકે નૂતન ડેન્ટલ કોલેજના હોલમાં સાંસદ શારદાબેન પટેલના સન્માન સમારોહનું આયોજન કરાયુ હતું. આ સન્માન સમારોહમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ એલ.કે. પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરી, ઉમતાના પુર્વ સરપંચ અંકિતભાઈ પટેલ સહિત ધારાસભ્ય જૂથના કાર્યકરો નહી દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે આ બાબતે પ્રચારે એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલનો સંપર્ક કરતા તેમને જણાવ્યુ હતું કે આ સન્માન સમારોહ કોઈ રાજકીય કાર્યક્રમ ન હતો પણ સંસ્થા દ્વારા આગળના દિવસે અચાનક ગોઠવવામાં આવ્યો હતો. જેમાં દરેક સમાજના લોકો અને રાજકીય કાર્યકરોને જોડવા માટે બધાને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. આમંત્રણ આપવા માટે સવારે પહેલો ફોન શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ અને તાલુકા ભાજપ પ્રમુુખ સતીષભાઈ પટેલને કરી આમંત્રણ અપાયું હતું. અને બપોરે ૧૧-૦૦ વાગે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને આમંત્રણ આપવા ત્રણ વખત ફોન કર્યો હોવા છતાંં તેમને મારો ફોન રીસીવ કર્યો ન હતો. ઋષિકેશભાઈને ખબર હતી કે પ્રકાશભાઈ શારદાબેનના સન્માન સમારોહના કાર્યક્રમમાં આમંત્રણ આપવા વારંવાર ફોન કરી રહ્યા છે. આમ ધારાસભ્યએ જાણીજોઈને મારો ફોન રીસીવ કર્યો ન હતો. જ્યારે બીજી બાજુ ઋષિકેશભાઈ ભાજપ પાર્ટીના કોઈપણ કાર્યક્રમમાં તેમના સાથેના ૧૦-૧૫ જણા સિવાય કોઈને બોલાવતા નથી લોકસભાની મતગણતરીના દિવસે પણ તેમને પોતાના સાથી કાર્યકરોનાજ નામ મોકલ્યા હતા. શું ચુંટણીમાં શારદાબેન માટે બીજા કોઈ કાર્યકરોએ કામ જ નથી કર્યુ? આ કાઉન્ટીંગમાં ઋષિભાઈની દરેક ચુંટણીમાં સાથે રહેનાર રાજુભાઈ ચૌધરીનું પણ નામ ન હતું. ત્યારે મેં ગાંધીનગરથી ભલામણ કરી કાઉન્ટીંગમાં તેમનું નામ ગોઠવ્યુ હતું. જોકે દરેક સમાજ અને સંસ્થાના આગેવાનો કોઈપણ ચુંટણી અને કાર્યક્રમોમાં સાથે રાખવા ધારાસભ્યની જવાબદારી બને છે. જેમાં લોકસભાની ચુંટણીમાં તેમની વધારે જવાબદારી બને છે. જે જવાબદારી ધારાસભ્ય નથી નિભાવતા ત્યારે અમારે બધાને ભેગા કરવા બધુ કરવુ પડે છે. વિધાનસભાની ચુંટણીમાં ઋષિકેશભાઈ પટેલ ટીકીટ લઈને આવ્યા ત્યારે અમે બધા કોઈપણ પુર્વગ્રહ રાખ્યા વગર તેમને જીતાડવા સાથે રહ્યા હતા અને તેઓ ધારાસભ્ય બન્યા પછી પુર્વગ્રહ રાખીને પાર્ટીના કાર્યક્રમમાં કોને બોલાવવા અને કોને ના બોલાવવા તેવુ રાજકારણ રમે તે ખોટુ કહેવાય. ઋષિકેશભાઈ વિધાનસભાની ચુંટણી લડતા હતા ત્યારે તે ગામના એક રીક્ષા ડ્રાઈવરને સામેથી બોલાવતા હતા. જ્યારે બીજા લોકો ચુંટણીમા ઉભા રહે ત્યારે તેમનો દાવ લેવાનો? આજે લોકસભાની ચુંટણીમાં અમે જે કાર્યકરોને બોલાવ્યા હતા તેમને ધારાસભ્યએ પાંચ વર્ષમાં ક્યારેય ફોન કર્યા નથી. કોઈની જોડે વ્યક્તિગત નારાજગી હોય પણ પાર્ટીના કર્તાહર્તા તરીકે કોઈને પણ મનદુખ થયુ હોય તો તેને મનાવવાની જવાબદારી બને છે. વિધાનસભાની ચુંટણીમાં ઋષિભાઈને ટીકીટ મળી ત્યારે તેઓ પોતાનાથી નારાજ ભાજપના આગેવાનો અને કાર્યકરોને તેમના ઘરે મનાવવા ગયા હતા. તો શારદાબેન પટેલ માટે એવુ કેમ નહી? અમે એ.પી.એમ.સી.ની ચુંટણીમાં તેમની સાથે રહી તેમને ચેરમેન બનાવ્યા અને છેલ્લી બે ટર્મથી વિધાનસભાની ચુંટણીમા પણ કોઈપણ જાતનો પુર્વગ્રહ રાખ્યા વગર તન, મન,ધનથી તેમની સાથે રહ્યા હતા. ઋષિભાઈ પટેલ એવુ વિચારે છે કે વિસનગરમાં મારાથી કોઈ બીજાને આગળ ન આવે પણ તેમને નુકશાન કરીને કોઈ વ્યક્તિ આગળ આવવા માગતુ નથી. આજે ધારાસભ્ય પાટીદાર અનામત આંદોલનમાં તેમની ઓફીસ અને ઘરને નુકશાન કરવાનો પ્રયત્ન કરનાર ઉપર ખોટો પ્રેમ બતાવીને શુ સાબીત કરવા માગે છે? હાલમાં ધારાસભ્ય ભાજપ પાર્ટી માટે કામ કરનાર આગેવાનો અને કાર્યકરોની અવગણના કરી રહ્યા છે. જ્યારે આ બાબતે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલનો સંપર્ક કરી આ બાબતે વાતચીત કરતાં તેમણે જણાવ્યુ હતું કે પ્રકાશભાઈ પટેલે સાંસદ શારદાબેન પટેલનો સત્કાર સમારંભ યોજ્યો તેની મને આગળના દિવસે જાણ કરવી જોઈતી હતી. પ્રકાશભાઈ પટેલે અન્ય લોકોને ફોન કર્યો તેમની પાસેથી સત્કાર સમારંભ ગોઠવ્યો હોવાની જાણ થઈ હતી. સાંસદ શારદાબેન પટેલને ફોન કર્યો ત્યારે તેમને જણાવ્યુ હતું કે આ તો સંસ્થા પુરતો જ કાર્યક્રમ છે. જ્યારે હકીકતમાં શહેર અને તાલુકામાંથી કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. સાંસદ સભ્યએ પ્રકાશભાઈ પટેલને ફોન કરી ટકોર કરી ત્યારે કાર્યક્રમના ચાર કલાક પહેલા જ પ્રકાશભાઈ પટેલનો ફોન આવ્યો હતો. બહાર પ્રથમ જાણ કરવામાં આવે અને છેલ્લે ધારાસભ્યને આમંત્રણ મળે તો એવુ સન્માન ગુમાવી કાર્યક્રમમાં કોણ જાય?

Leave a Reply

Top