You are here
Home > Prachar News > ગેરકાયદેસર બનાવેલ દુકાનોને મુદત-૬૮ દુકાનો સીલ

ગેરકાયદેસર બનાવેલ દુકાનોને મુદત-૬૮ દુકાનો સીલ

ગઠબંધનના પાલિકા તંત્રને હચમચાવતો આક્ષેપ – માર્કેટ બનાવવા પાલિકામાં પાંચ લાખ આપ્યા છે

ગેરકાયદેસર બનાવેલ દુકાનોને મુદત-૬૮ દુકાનો સીલ

બંદોબસ્તમાં આવેલી પોલીસ મધ્યસ્થી કરતા પાલિકાએ સાત દિવસની મુદત આપી

જગ્યા અમારી માલિકીની છે. આ લાઈનમાં બનેલુ માર્કેટ અને દુકાનો પ્રમાણેજ આ દુકાનો બનાવી છે. પાલિકાએ કોઈ નોટીસ આપી નથી-દુકાનના માલિક

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મંજુરી વગરના ધમધમતા બાંધકામો તથા દબાણો સામે વિસનગર પાલિકા તંત્ર કોઈ કાર્યવાહી કરતુ નથી. ગેરકાયદેસર બાંધકામોને પાલિકા તંત્ર છાવરી રહ્યુ છે તેવા અનેક આક્ષેપો બાદ પાલિકા ચીફ ઓફીસર સંજયભાઈ પટેલની કડક સુચનાથી પાલિકાની દબાણ ટીમે પોલીસ બંદોબસ્ત સાથે બીન પરવાનગી બાંધકામ દુર કરવાનું અને દુકાનો સીલ મારવાનું મહા અભિયાન આરંભતા મોટો હોબાળો થયો હતો. બંદોબસ્તમાં હાજર પોલીસ મધ્યસ્થી કરતા પાલિકાને બાંધકામ દુર કરવામાં સાત દિવસની મુદત આપવાની ફરજ પડી હતી. દુકાન માલિકના એક પુત્રએ દુકાનો બનાવવા પાલિકામાં પાંચ લાખ રૂપિયા આપ્યા છે. તેવો આક્ષેપ કરતા બાંધકામ દુર કરવાના હોબાળા કરતા રૂપિયા આપવાનો આક્ષેપ કરતા હોબાળાએ અત્યારે ચકચાર જગાવી છે.
વિસનગર પાલિકામા વિકાસમંચ અને કોગ્રેસના ગઠબંધન સાશન આવ્યુ ત્યારથી જાણે ગેરકાયદેસર બાંધકામોને છુટો દોર મળ્યો હોય તેમ ગેરકાયદેસર બાંધકામ ધમધમી રહ્યા છે. છેલ્લા બાર માસમાં એવા ઘણા બાંધકામ થયા કે જે બાંધકામ માટે પાલિકામાં કોઈ મંજુરી લેવામાં આવી નથી. બિન પરવાનગી બાંધકામ સમયે વિવાદ ઉભા થતા પાલિકાએ નોટીસ આપીને કામ ચલાવ્યુ છે, પરંતુ આવા બાંધકામ રોકાયા નથી. મંજુરી વગર બાંધકામ કરવા જાણે છુટો દોર મળ્યો હોય તેમ મહેસાણા રોડ ઉપર ગંજી સોસાયટી સામે વરસાદી પાણીના વહેળા પાસે આઠ દુકાનો બનાવી શીવ કોમ્પલેક્ષ નામકરણ કરવામાં આવતા ભારે ચકચાર જાગી હતી. આ બીનપરવાનગી બાંધકામ સામે કાર્યવાહી કરવા ટીપી ચેરમેન પરેશભાઈ પટેલે રજુઆત કરવાની હિમ્મત દાખવી હતી. ત્યારે ચીફ ઓફીસર સંજયભાઈ પટેલની સુચનાથી પાલિકા ટીમ દ્વારા બીનપરવાનગી બાંધકામ દુર કરવાની તેમજ ગેરકાયદેસર માર્કેટની દુકાનો સીલ કરવા તા.૬-૬-૨૦૧૯ ના રોજ મહા અભિયાન આરંભ્યુ હતુ. પોલીસ બંદોબસ્ત સાથે પ્લાનીંગ આસીસ્ટન્ટ જયદેવસિંહ પરમાર એન્જીનીયર રાધે પટેલ, ફુલેશભાઈ રબારી, વિનુજી ઠાકોર, અશ્વીનભાઈ ચૌહાણ, દિનેશભાઈ પટેલ વિગેરે પાલિકા કર્મચારીઓની ટીમ બે જેસીબી સાથે દુકાનોનુ બાંધકામ દુર કરવા પહોચી હતી.
સ્થળ ઉપર જેસીબી સાથે પાલિકા અને પોલીસ કાફલો દુકાનના માલિક તેમજ તેમનો પરિવાર ધસી આવ્યો હતો. દુકાનના માલિકના પરિવારની મહિલાઓ જેસીબી આગળ ઉભી થઈ ગઈ હતી. જેસીબીથી એક દુકાનનું શટર્સ ઉખાડી ફેકતા મામલો બીચક્યો હતો. વાતાવરણ તંગ બનતા બીજો પોલીસ સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી. પાલિકા અને પોલીસ ટીમ સાથે દુકાન માલિક પરિવારની વચ્ચે ઉગ્ર બોલાચાલી તથા ધક્કા ધક્કી પણ થઈ હતી.
પાલિકાની કામગીરી સામે દુકાન માલિકના પુત્રએ રોષ ઠાલવ્યો હતો કે, આ જમીન અમારી માલિકીની છે. માલિકીની જગ્યામાં આ નાળા ઉપર લાઈનમાં અન્ય માર્કેટ અને દુકાનો બની તેવીજ રીતે દુકાનો બનાવવામાં આવી છે. આતો ગોડાઉન તરીકે ઉપયોગ કરવાનો છે. આ રોડ ઉપર તેમજ શહેરમાં ઘણા ગેરકાયદેસર બાંધકામો થયા છે. આ ગેરકાયદેસર બાંધકામો પાલિકા દૂર કરશે ત્યારબાદ અમારી દુકાનોનુ બાંધકામ સ્વખર્ચે દુર કરીશુ. આ દુકાનો બનાવવા વકીલ મારફત પાલિકામાં પાંચ લાખ રૂપિયા આપ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમજ પાલિકા સાથે સંકળાયેલા એક વ્યક્તિએ દુકાનો રાખવી હોય તો બે લાખ રૂપિયાની માગણી કરી હોવાનુ પણ જણાવ્યુ હતુ. આ બાંધકામ દુર કરવા આવ્યા પહેલા કોઈ નોટીસ આપી નહી હોવાનુ જણાવ્યુ હતુ. ચીફ ઓફીસર તથા પાલિકા ટીમ બીનપરવાનગી બાંધકામ દુર કરવાના પ્રયત્નોમાં હતા ત્યારે બંદોબસ્તમાં આવેલા પોલીસ અધિકારી મધ્યસ્થી કરતા પાલિકાએ બાંધકામ દુર કરવા સાત દિવસની મહેતલ આપવાની ફરજ પડી હતી.
મહેસાણા રોડ ઉપર આ દુકાનોનુ બાંધકામ દુર કરવાની કામગીરી અટકાવી દબાણ ટીમ એસ.કે.કોલેજની બાજુમાં આવેલ મધુવન બીઝનેસ સેન્ટર નામના માર્કેટમાં પાર્કિંગ માટે નક્શા પ્રમાણે બેઝમેન્ટ બનાવવામાં નહી આવતા આ માર્કેટની ૬૮ દુકાનો સીલ કરી હતી. કમાણા રોડ ઉપર ગળીયા સોસાયટી આગળ ઓપન સ્પેસમાં બીન પરવાનગી દુકાન બનાવતા આ દુકાન સીલ કરાઈ હતી. જ્યારે માયાબજારમાં સંઘવી માર્કેટમાં ત્રીજા માળે બીનપરવાનગી દુકાનો બનાવતા ત્રીજામાળે જવાની સીડીની જાળીને સીલ મારવામાં આવ્યુ હતુ.
મહેસાણા રોડ ઉપરની દુકાનોનું બાંધકામ દુર કરવાની કામગીરીમાં પાંચ લાખ આપવાના આક્ષેપમાં ચીફ ઓફીસર સંજયભાઈ પટેલે જણાવ્યુ હતું કે, પૈસાની લેવડદેવડના આક્ષેપમાં પાલીકાની કોઈ વ્યક્તિ સામેલ નથી. ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની કાર્યવાહીમાં પાલિકા ઉપર આવા આક્ષેપો થતા રહે છે. આક્ષેપ સાચો હોય તો, કંઈ વ્યક્તિઓ પૈસા આપ્યા અને પાલિકામાંથી કોને પૈસા લીધા તે નામ આપે. જ્યારે નોટીસ આપ્યા વગર પાલિકા ટીમ બાંધકામ દુર કરવા આવી હોવાના આક્ષેપ સામે પ્લાનીંગ આસીસ્ટન્ટ જયદેવસિંહ પરમારે જણાવ્યુ હતું કે, આ જગ્યામાં દુકાનો બનાવવા પાયા ખોદ્યા ત્યારથી, દુકાનોને શટર્સ લાગ્યા ત્યાં સુધી પાલિકાએ તબક્કાવાર નોટીસ આપી છે. દુકાન ઉપર નોટીસ લગાવી તેની સાબીતી રૂપે ફોટા પણ પાડ્યા છે.

Leave a Reply

Top