You are here
Home > News > તંત્રી સ્થાનેથી…વૃક્ષ ઉછેર માટે લોકો અને તંત્રએ જાગૃત થવું પડશે

તંત્રી સ્થાનેથી…વૃક્ષ ઉછેર માટે લોકો અને તંત્રએ જાગૃત થવું પડશે

તંત્રી સ્થાનેથી…

સૂરજદાદાની સર્જીકલ સ્ટ્રાઈકથી બચવાનો એક ઉપાય

વૃક્ષ ઉછેર માટે લોકો અને તંત્રએ જાગૃત થવું પડશે

સૂરજદાદાની સર્જીકલ સ્ટ્રાઈક દર વર્ષે વધતી જાય છે. દર વર્ષે ગરમી નવો રેકોર્ડ તોડે છે. ગત વર્ષે વધારેમાં વધારે ગરમી ૪૫ ડીગ્રી સુધી ગઈ હતી. ચાલુ વર્ષે આ ગરમી ૫૦ ડીગ્રી પાર કરી અને તે ક્યાં જઈ અટકશે તે કહેવું મુશ્કેલ છે. આ આંકડા બતાવે છેકે દિવસે દિવસે ગરમીનો પારો વધતો જાય છે. ગ્લોબલ વાર્મીંગના કારણે પૃથ્વી ઉપરનું ઓઝોન વાયુનું પડ પાતળુ થતું જાય છે. અત્યાર સુધી ઓઝોનના પડમાં થઈને સૂર્યપ્રકાશ આવતો હોવાથી અગાઉના વર્ષોમાં ઉનાળામાં ૩૫ ડીગ્રી ગરમી વધારેમાં વધારે પડતી હતી અત્યારે ઓઝોનના પડમાં ગાબડા પડ્યા હોવાથી સૂર્યપ્રકાશ સીધો પૃથ્વી ઉપર આવતો હોવાથી ગરમીનું પ્રમાણ વર્ષે વર્ષે વધી રહ્યુ છે. આ પ્રકોપથી ફક્ત એકજ દેવ બચાવી શકે છે. તે છે વૃક્ષદેવ હવે લોકોએ અને સરકારે વૃક્ષ ઉછેરવા માટે સજાગ થવું પડશે. વધારેમાં વધારે વૃક્ષો વાવવા માટે લોકોને ઈન્સેન્ટીવ આપી આકર્ષવા પડશે. પણ તે પહેલાં વૃક્ષ છેદન સામે કડકમાં કડક કાયદો બનાવવો પડશે. વૃક્ષો મનુષ્યની જીવાદોરી સમાન છે. જેથી વૃક્ષછેદન માટે મનુષ્ય વધ જેવો કડકમાં કડક ગુનો લાગુ કરવો પડશે. કોઈપણ વ્યક્તિ ગમે તે સંજોગોમાં વૃક્ષછેદન ન કરી શકે તેવી પરિસ્થિતિનું સર્જન કરવું પડશે. ભલે પોતાની માલિકીનુ, માલિકીની જગ્યામાં વૃક્ષ હોય તો પણ તેનું છેદન ન કરી શકાય તેવી પરિસ્થિતિ લાવવી પડશે, માતા જન્મ આપનાર પુત્રનું મૃત્યુ નીપજાવે તો તેની સામે મનુષ્ય વધનો ગુનો લાગુ પડે છે તેવી રીતે વૃક્ષ ઉછેરનાર પોતાની માલિકીનું વૃક્ષ કાપે તો પણ ગુનો બનવો જોઈએ. રોડ સાઈડમાં રોડની પહોળાઈ વધારતી વખતે જે વૃક્ષો કપાય છે તે વૃક્ષો ત્યારે કાપી શકાય કે જ્યારે કોન્ટ્રાક્ટર સરકારી જમીનમાં વૃક્ષો ઉછેરે, વૃક્ષ ઉછેરને શિક્ષણ સાથે જોડી દેવો પડશે. જે વિદ્યાર્થી એક કે તેનાથી વધારે વૃક્ષો ઉછેરે તે વિદ્યાર્થીને છેલ્લી પરીક્ષામાં તેના માર્કસ મળવા જોઈએ. નાગરીકોને, વેપારીઓને પણ ફરજ પાડવી પડશે કે વૃક્ષ ઉછેર કરે તો વેપારીઓને ઈન્કમટેક્ષમાં વૃક્ષઉછેરનું ડીડક્શન મળવું જોઈએ. સીનીયર સીટીઝન જો તે વૃક્ષનો ઉછેર કરે તો તેને મળતા પેન્શનમાં વધારો મળવો જોઈએ. બળતણમાં ફર્નીચરમાં, જે લાકડુ વપરાય છે તેની સામે કૃત્રિમ લાકડુ હવે મળતું થયું છે તેનો ઉપયોગ કરવો પડશે. તો તેની સામે પ્રતિબંધ મૂકવામાં આવે તો આપોઆપ વૃક્ષછેદન અટકી જશે. આ રીતે દરેક ક્ષેત્રે વૃક્ષછેદનનુ મહત્વ વધારી દેવું પડશે. જોકે આ કાર્યવાહી અમલમાં લાવવાથી તંત્રમાં ભ્રષ્ટાચાર વધવાની શક્યતા છે પણ વૃક્ષછેદનમાં ભ્રષ્ટાચાર કરનારને કડકમાં કડક સજાની જોગવાઈ કરવી પડશે. ગરમીનો પારો દિવસે દિવસે વધતો જાય છે. જે રીતે ગરમી વધતી જાય છે તે ગરમી એક દિવસ મનુષ્ય જીવનના અસ્તિત્વને જોખમમાં મૂકી શકે છે. ભારત દેશ અત્યારે એટલો સમૃધ્ધ દેશ નથી કે લોકોના રહેવાસો અને ધંધાના સ્થળો સેન્ટ્રલ એસી બનાવી શકાય. જેથી એસી અને એરકુલર માનવજીવનને રક્ષણ આપી શકવાના નથી. ફક્ત વર્ષારાણીજ જનજીવનને રાહત આપી શકે છે. અને વર્ષારાણી ત્યારે રીઝે છે જે વિસ્તારમાં વૃક્ષોનુ પ્રમાણ વધારે હોય. વૃક્ષ એક એવો વિકલ્પ છે જે લોકોને બચાવી શકશે. તંત્રની પણ જનજીવનની રક્ષા કરવાની ફરજ છે. લોકો સમૃધ્ધ અને સુખી હશે તો જ સરકારનું શુશાસન ચાલશે. જેથી ગરમીના પ્રકોપથી બચવા વૃક્ષ ઉછેરનો વ્યાપ વધે અને દિવસે દિવસે વનરાજી વધશે તો જ મનુષ્ય જીવન ઉપરથી સૂરજદાદાની સર્જીકલ સ્ટ્રાઈકનો પ્રકોપ ઓછો થશે.

Leave a Reply

Top