You are here
Home > News > ફાયર સેફ્ટીના અદ્યતન સાધનો ખરીદવા ઠરાવ કરાયો

ફાયર સેફ્ટીના અદ્યતન સાધનો ખરીદવા ઠરાવ કરાયો

વિસનગર પાલિકા તંત્ર સુરત આગ હોનારત બાદ જાગ્યુ

ફાયર સેફ્ટીના અદ્યતન સાધનો ખરીદવા ઠરાવ કરાયો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સુરત આગ હોનારતમાં ૨૨ વિદ્યાર્થીઓનો ભોગ લેવાતા સરકાર સફાળી જાગી છે. સરકારની સુચનાથી કોર્પોરેશન અને પાલિકાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ખરીદવા ઠરાવો કરાયા છે. વિસનગર પાલિકાની મળેલી જનરલ સભામાં ફાયર સેફ્ટીના અદ્યતન સાધનો ખરીદવા ઠરાવ કરવામાં આવ્યો છે. જનરલમાં રજુ થયેલા ૩૬ ઠરાવ પૈકી પાણી કનેક્શનમાં વોટર મીટર લગાવવાનો તથા સીસીટીવીમાં ઓડીયો સીસ્ટમ લગાવવાનો ઠરાવ નામંજુર કરાયો હતો. સીસીટીવીમાં ઓડીયો સીસ્ટમ લગાવવા સભ્યો સંમત નહી થતા, પાલિકાના વિવિધ ટેબલ ઉપર એવી તો કેવી ચર્ચા થાય છેકે, સભ્યો ઓડીયો સીસ્ટમનો ઠરાવ કરવામાં ગભરાઈ રહ્યા છે તે ચર્ચાએ અત્યારે જોર પકડ્યુ છે.
વિસનગર પાલિકાના સભાગૃહમાં પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની અધ્યક્ષતામાં, ચીફ ઓફીસર સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાવનાબેન રબારી તથા દંડક જશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાલિકાની સામાન્ય સભા મળી હતી. આ જનરલમાં રજુ થયેલ એજન્ડાના ૩૬ કામમાં ૮ નંબરનો ઠરાવ મહત્વનો હતો. સુરત આગ હોનારત બાદ સફાળુ જાગેલ તંત્રમાં ફરીથી આવી કોઈ દુર્ઘટના ઘટે તો ફાયર સેફ્ટીની સુવિધા મળી રહે તેવા હેતુથી ફાયર વિભાગમાં સાધનો ખરીદવાની સુચના મળતા વિવિધ સાધનો ખરીદવા ઠરાવ કરાયો હતો. આ ઠરાવમાં સ્નેક કેચર નંગ-૨, સેફ્ટી બેલ્ટ ૧૦ નંગ, લાઈફ જેકેટ ૬ નંગ, લાઈફ રીંગ ૪ નંગ, ૩૦ મી રબર હોઝ પાઈપ ૩ નંગ, રોપ લેડર ૨ નંગ, ૧૦૦ ફૂટના મોટા જાડા રોપ ૪ નંગ, ૧૦૦ ફૂટના નાયલોન રોપ ૨ નંગ, સેફ્ટી સુઝ ૪ નંગ, ઈમરજન્સી બ્લોકીંગ ટેપ ૨ નંગ, કોટનના હેન્ડ ગ્લોઝ ૧૦ નંગ, ક્રેન બેલ્ટ ૨ નંગ, 6 Kg DCP એસ્ટેન્ગ્યુશર ૬ નંગ, સેફ્ટી નેટ ૨ નંગ, વિગેરે ખરીદવા ઠરાવ કરવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીના સાધનો ખરીદવા ઉપરાંત્ત પાલિકા ઓફીસ, વોટર વર્કસ વિભાગ, ધર્મશાળા, તથા જી.ડી. હાઈસ્કુલ ફાયર સુવિધા ઉભી કરવા માટે પણ ઠરાવ કરાયો હતો. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ અંતર્ગત વિવિધ ૧૪ પ્રકારના ઠરાવ કરવામાં આવ્યા હતા.
જનરલ સભામાં આ ઠરાવ ઉપરાંત્ત લોકોને શુધ્ધ પીવાનુ પાણી મળી રહે તે માટે નવીન ફીલ્ટરેશન વોટર પ્લાન્ટ બનાવવા, ધરોઈ પાણી પુરવઠામાંથી આવતી મેઈન લાઈનમાં ડીઝીટલ વોટર મીટર નાખવા, રૂા.૫૦ લાખ ઉપરના કામોમાં થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરાવવુ જરૂરી હોઈ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કન્સલ્ટીંગ એજન્સીની નિમણુંક કરવાના જરૂરી ઠરાવ કરાયા હતા. પાણીનો બગાડ અટકાવવા રહેણાંક, વાણીજ્ય તથા ઔદ્યોગીક મિલ્કતોના નળ કનેક્શનમાં વોટર મીટર લગાવવા ખુબજ જરૂરી છે. ત્યારે આ ઠરાવ તેમજ સીસીટીવી કેમેરામાં ઓડીયો સીસ્ટમ નહી હોવાથી ઓડીયો સીસ્ટમ નાખવાનો ઠરાવ નામંજુર કરવામાં આવ્યો હતો. પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલની રજુઆતથી ગ્રામ્યમાં આવતા રેવન્યુ સર્વે નંબરો પાલિકાની હદમાં સમાવેશ કરવા ઠરાવ કરાયો હતો. જેમાં વિરોધપક્ષના સભ્ય, પૂર્વ પ્રમુખ ગીરીશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ગ્રામ્ય વિસ્તારોને શહેરી વિસ્તારમાં સમાવેશ કરવો હોય તો નવો નકશો બનાવવો પડે. નગર નિયોજકમાં નકશો મંજુર કરાવવો પડે. જાહેરનામુ બહાર પાડી વાધા અરજીઓ મંગાવવી પડે ત્યારબાદ સરકારનુ જાહેરનામુ બહાર પડે પછી નવીન ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરી શકાય. નગરપાલિકાને આ બાબતે કોઈ અધિકાર નથી.

Leave a Reply

Top