You are here
Home > Prachar News > વિસનગરના ગંદા રાજકારણમાં જયશંકર સુંદરી હૉલનુ રીપેરીંગ ક્યારે?

વિસનગરના ગંદા રાજકારણમાં જયશંકર સુંદરી હૉલનુ રીપેરીંગ ક્યારે?

ધારાસભ્યને પહેલા ભોળાભાઈ પટેલ સાથે હવે પ્રકાશભાઈ પટેલ સાથે રાજકીય ખેંચતાણ

વિસનગરના ગંદા રાજકારણમાં જયશંકર સુંદરી હૉલનુ રીપેરીંગ ક્યારે?

મજૂર સહકારી મંડળીના પ્લોટમાં એસ.કે.હૉલ બનાવી શકાય

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં એકમાત્ર ટાઉનહૉલ, જયશંકર સુંદરી હૉલનુ રીપેરીંગ શહેરના રાજકીય ગંદવાડમાં અટક્યુ છે. ટાઉનહૉલની જગ્યા નૂતન કેળવણી મંડળના નામે છે. રીપેરીંગ માટે રૂા.૪ કરોડ મંજુર કરાવનાર ધારાસભ્યને પહેલા ભોળાભાઈ પટેલ સાથે અને હવે પ્રકાશભાઈ પટેલ સાથે રાજકીય દુશ્મનાવટ છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલ બન્ને રમણીકભાઈ મણીયાર, સાંકળચંદકાકા અને શીવાકાકા રાજકીય પ્રતિસ્પર્ધિ હોવા છતાં શહેરના વિકાસ માટે એકમત થતા હતા તેવુ ભાષણ કરે છે. ત્યારે શહેરના એક માત્ર ટાઉનહૉલના રીપેરીંગ માટે એક મત થઈ શકતા નથી. બન્ને આગેવાનોના ચાવવાના અને બતાવવાના અલગ જોઈ શકાય છે.
વિસનગરના વતની અને જગપ્રસિધ્ધિ નાટ્ય કલાકાર, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એવા જયશંકર સુંદરીના નામે મોટા શહેરોમાં નાટ્ય તેમજ સાંસ્કૃતિક હૉલ છે. જયશંકર સુંદરીના સ્ટેચ્યુ છે ત્યારે વિસનગરના નેતાઓ માટે શરમની બાબત છેકે શહેરમાં તેમના નામનો હૉલ નથી કે એકપણ સ્થળે સ્ટેચ્યુ નથી. નૂતન હાઈસ્કુલની પાસે જયશંકર સુંદરી હૉલ બનાવવામાં આવ્યો હતો. પરંતુ સાર સંભાળના અભાવે ટાઉનહૉલ ખંડીત થઈ ગયો છે. ઋષિભાઈ પટેલ ધારાસભ્ય બન્યા ત્યારે લોકલાગણીને માન આપી ટાઉનહૉલના રીપેરીંગ માટે રૂા.૪ કરોડ મંજુરી કરાવ્યા હતા. પરંતુ હાલની જગ્યાના ઉતારા જોતા આ જગ્યા નૂતન કેળવણી મંડળના નામે હતી. તે વખતે કેળવણી મંડળના ચેરમેન ભોળાભાઈ પટેલ હતા. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને ભોળાભાઈ પટેલ, રાજકીય પ્રતિસ્પર્ધિ હોવાથી ટાઉન હૉલની જગ્યા સરકારને સોપાઈ નહી અને રીપેરીંગ થયુ નહી.
ભોળાભાઈ પટેલ બાદ નૂતન કેળવણી મંડળના ચેરમેન પ્રકાશભાઈ પટેલ બન્યા. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલને ગાઢ મિત્રતા હતી. આ સમયે ધારાસભ્યને ટાઉનહૉલ યાદ આવ્યો હોત તો પ્રકાશભાઈ પટેલ પાસે રહી હૉલની જગ્યા સરકારને સોપવામાં આવી શકાઈ હોત. પરંતુ પરિસ્થિતિ પાછી બદલાઈ ગઈ છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલ વચ્ચે રાજકીય ખેંચતાણ વધી છે. આ બન્ને આગેવાનો શહેરના સ્વર્ગસ્થ આગેવાનોને યાદ કરી ભલે ભાષણો કરતા જોવા મળતા હોય, પરંતુ ડાહી ડાહી વાતો કરતા ભાષણો તેમના આચરણમાં મુકી શકતા નથી. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલને જયશંકર સુંદરી પ્રત્યે માન તેમજ ગૌરવ હોય, સાંસ્કૃતિક નગરીમાં જે સુવિધા નથી તે સુવિધા વધારવાની પડી હોય તો ટાઉનહૉલના રીપેરીંગ બાબતે એક થવુ જોઈએ. અને જો ટાઉનહૉલ તેમજ અન્ય વિકાસ કામ માટે એક મત ન થઈ શકતા હોય તો સ્વર્ગસ્થ આગેવાનોને યાદ કરી જે ભાષણો કરવામાં આવે છે તે બંધ કરવા જોઈએ. ટાઉનહૉલ જે જગ્યામાં છે તે જગ્યામાં તેનું રીપેરીંગ શક્ય ન હોય તો, મહેસાણા ચાર રસ્તા પાસે મજુર સહકારી મંડળીનો મોટો પ્લોટ આવેલો છે. મજુર મંડળીના વિકાસમાં સાંકળચંદ કાકાનો સિંહફાળો છે. ત્યારે આ પ્લોટમાં સાંકળચંદ કાકાના નામે એસ.કે.હૉલ બનાવવાનુ વિચારી શકાય. જયશંકર સુંદરી હૉલનુ રીપેરીંગ થાય તો ઉત્તમ કહેવાય. પરંતુ આ હૉલ રીપેર થાય તેમ ન હોય તો મજુર મંડળીના પ્લોટમાં એસ.કે.હૉલ બનાવાય તો સાંસ્કૃતિક નગરી માટે સદાય ઉપયોગી રહે. મજુર સહકારી મંડળીના ચેરમેન પી.સી. પટેલ છે. જેમના માર્ગદર્શન અને દેખરેખમાં મજુરી મંડળી દેવા અને જવાબદારીઓના ખાડામાંથી બહાર નીકળી પગભર બની છે. પી.સી.પટેલ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલ બન્નેની સાથે બેઠક ઉઠક ધરાવે છે. ત્યારે પી.સી.કાકાએ એસ.કે.હૉલ માટે પ્રયત્ન કરવો જોઈએ.

Leave a Reply

Top