You are here
Home > Local News > કલેક્ટરની સુચનાથી મામલતદારે સંકુલની બહાર કાઢતા તાલુકા સેવાસદનમાં વર્ષોથી બેસતા ટાઈપ રાઈટરો બેરોજગાર બન્યા

કલેક્ટરની સુચનાથી મામલતદારે સંકુલની બહાર કાઢતા તાલુકા સેવાસદનમાં વર્ષોથી બેસતા ટાઈપ રાઈટરો બેરોજગાર બન્યા

કલેક્ટરની સુચનાથી મામલતદારે સંકુલની બહાર કાઢતા
તાલુકા સેવાસદનમાં વર્ષોથી બેસતા ટાઈપ રાઈટરો બેરોજગાર બન્યા
(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા સેવાસદનના સંકુલમાં વર્ષોથી બેસતા ટાઈપ રાઈટરોને મહેસાણા જીલ્લા કલેક્ટરની સુચનાથી મામલતદારે સેવાસદનના સંકુલની બહાર બેસવાનુ કહેતા ટાઈપ રાઈટરો રોજગારી મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ આ ગરીબ અને જરૂરીયાતમંદ ટાઈપ રાઈટરોની રોજગારી ન છીનવાય તે માટે તેમને સેવાસદન સંકુલમાં બેસવાની મંજુરી આપવા જીલ્લા કલેક્ટરને ભલામણ કરે તેવી અરજદારોની લાગણી છે.
ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ સેવાસદનમાં બેસતા ટાઈપ રાઈટરોની રોજગારી ન છીનવાય તે માટે જીલ્લા કલેક્ટરને ભલામણ કરે તેવી અરજદારોની લાગણી છે
એક બાજુ સરકાર શિક્ષીત બેરોજગાર લોકોને રોજગારી આપવાની વાતો કરે છે. છતાં બે રોજગારોને રોજગારી આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે. જેના કારણે તાજેતરમા યોજાયેલ લોકસભાની ચુંટણીના મેનીફેસ્ટોમાં કોગ્રેસે શિક્ષીત બેરોજગાર યુવાનોને માસીક ભથ્થુ આપવાનુ વચન આપ્યુ હતું.છતાં બે રોજગારએ ભાજપ લોકસભાની ચુંટણી જીત્યા પછી પોતાને રોજગારી આપશે તેવી આશાઓ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા હતા. જેમા વિસનગર શહેરના કેટલાક શિક્ષીત બેરોજગાર પોતાની રોજગારી મેળવવા ટાઈપ રાઈટરોનુ મશીન લઈ વર્ષોથી તાલુકા સેવાસદનના સંકુલમાં બેસતા હતા. અને અરજદારોને વ્યાજબી ચાર્જમાં સંતોષકારક કામ કરી આપતા હતા. આ ટાઈપરાઈટરોની મામલતદાર એ.એન.સોલંકીને કોઈએ પણ ફરીયાદ કરી ન હતી. પરંતુ થોડા દિવસ પહેલા મહેસાણા જીલ્લા કલેક્ટર એચ.કે.પટેલે તાલુકા સેવાસદનની ઓચિંતી મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમની નજર સેવાસદનના સંકુલમાં ઈ-ધરા કેન્દ્ર પાસે નીચે બેઠેલા ટાઈપ રાઈટરો અને સ્ટેમ્પ વેન્ડરો ઉપર પડી હતી. ત્યારે કલેક્ટરે સેવાસદન સંકુલમાં સરકાર માન્ય સ્ટેમ્પ વેન્ડર સિવાય કોઈને પણ નહી બેસવા દેવાની મામલતદાર એ.એન.સોલંકીને સુચના આપતા તેમને તાત્કાલીક ધોરણે વર્ષોથી સંકુલમાં બેસતા ટાઈપ રાઈટરોને હાંકી કાઢ્યા હતા. ટાઈપ રાઈટરો આર્થિક રીતે સક્ષમ ન હોવાથી તેઓ પોતાની દુકાન લઈ શક્તા નથી. કે ઉંચુ ભાડુ ભરી શક્તા નથી. અત્યારે કલેક્ટરશ્રીની સુચનાથી ટાઈપ રાઈટરો રોજગારી મેળવવા ફાંફા મારી રહ્યા છે. બીજી બાજુ ચોમાસાની સીઝનમા ટાઈપ રાઈટરોને ટાઈપ કરવા ક્યા બેસવુ તેની ચિંતા સતાવી રહી છે. તાલુકાના મોટાભાગના અરજદારો વ્યાજબી ચાર્જમાં સંતોષકારક કામ કરાવવા આ ટાઈપ રાઈટરોને સોંધી રહ્યા છે. પરંતુ ટાઈપ રાઈટરો નહી મળતા છેવટે પોતાનુ કામ કરાવવા લુંટાઈ જાય છે. ત્યારે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ ટાઈપ રાઈટરોની રોજગારી ન છીનવાય તે માટે જીલ્લા કલેક્ટર એસ.કે.પટેલને ભલામણ કરી તેમને તાલુકા સેવાસનદના સંકુલમાં બેસવાની મંજુરી અપાવે તેવી અરજદારોની લાગણી છે.

Leave a Reply

Top