You are here
Home > Local News > ધારાસભ્ય ઋષિભાઈ પટેલને ભગવાન જગન્નાથજીના પ્રથમ મોસાળાના યજમાનનુ સૌભાગ્ય પ્રાપ્ત થશે ભગવાન જગન્નાથજીની મોસાળા સાથેની રથયાત્રાની તડામાર તૈયારીઓ

ધારાસભ્ય ઋષિભાઈ પટેલને ભગવાન જગન્નાથજીના પ્રથમ મોસાળાના યજમાનનુ સૌભાગ્ય પ્રાપ્ત થશે ભગવાન જગન્નાથજીની મોસાળા સાથેની રથયાત્રાની તડામાર તૈયારીઓ

ધારાસભ્ય ઋષિભાઈ પટેલને ભગવાન જગન્નાથજીના પ્રથમ મોસાળાના યજમાનનુ સૌભાગ્ય પ્રાપ્ત થશે
ભગવાન જગન્નાથજીની મોસાળા સાથેની રથયાત્રાની તડામાર તૈયારીઓ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર અષાઢી બીજે આ વર્ષે નિકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઐતિહાસિક બની રહેશે. રથયાત્રાના માર્ગમાં પ્રથમ વખત ભગવાન મોસાળા માટે રથમાંથી ઉતરશે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલને ભગવાન જગન્નાથજીના પ્રથમ મોસાળાના યજમાન બનવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. વિસનગર વેપારી મહામંડળ દ્વારા મોસાળા માટેની તમામ તૈયારીઓ છેલ્લા ચરણે ચાલી રહી છે. શ્રી હરિહર સ્વયંમ સેવક સમિતિ દ્વારા રથયાત્રા આકર્ષક બને તે માટે અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યુ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખરેખર આ વર્ષે લોક ઉત્સવ બની રહેશે. વેપારી મહામંડળના કારણે શહેરના તમામ વેપારીઓ તથા ધર્મપ્રેમી જનતા રથયાત્રાની તૈયારીમાં ઉત્સાહ દાખવતા યાદગાર રથયાત્રા બની રહેશે.
વિસનગરમાં અષાઢી બીજે નીકળતી વર્ષ પરંપરાગત રથયાત્રાની અભૂતપૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. હરિહર સેવામંડળ દ્વારા રથયાત્રાનુ આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા યાદગાર બની રહે તે માટે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ૩૫ વર્ષથી નીકળતી રથયાત્રામાં આ ૩૬ મા વર્ષે જે રથયાત્રા નીકળશે તેની વિશેષતા એ છેકે, પ્રથમ વખત મોસાળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા દર વર્ષે મહાપ્રસાદ આપવામાં આવે છે. જે સંસ્થા દ્વારા શીરો તથા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા પુરી, દાળ, ભાત, શાકનું સૌજન્ય આપવામાં આવ્યુ છે. ધારાસભ્ય મોસાળાના પ્રથમ યજમાન બન્યા છે. રથયાત્રા દરમ્યાન ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બાલભદ્રજી ક્યારેય રથમાંથી ઉતરતા નથી. જ્યારે ઉમિયા માતાની વાડીમાં યોજાનાર મોસાળામાં ભગવાન પ્રથમ વખત રથમાંથી ઉતરશે જેમને નવો શણગાર થશે, ભગવાનને ભોગ ધરાવાશે, આરતી થશે, ભગવાન વિરામ કરશે ત્યારબાદ રથયાત્રામાં આગળ વધશે. આ દરમ્યાન વિસનગર વેપારી મહામંડળ દ્વારા આયોજીત મોસાળા મહોત્સવમાં રથયાત્રીઓ માટે જમણવાર થશે. જમણવારમાં અવ્યવસ્થા ન થાય તે માટે પાસ આપવામાં આવ્યા છે. પાસ વગર કોઈને પ્રવેશ મળશે નહી.
શ્રી હરિહર સ્વયંમ સેવક સમિતિના જે ૫૦ થી ૬૦ સભ્યો છે તેમનો રથયાત્રા આકર્ષક બનાવવામાં સિંહફાળો હોય છે. આ સમિતિના સભ્યો રથયાત્રામાં એકજ કલરના યુનિફોર્મ સાથે જોડાશે. રથયાત્રાના આકર્ષણ માટે આ સમિતિ દ્વારા વાલમ બળદગાડુ, તોપવાળી બગી, ૧૦ જીપવાળી બગી, ૧૦ ઘોડા, દાહોદ આદિવાસી ગૃપ, સંતરામપુર આદિવાસી ગૃપ, રાજસ્થાન ઘેર નૃત્ય ગૃપ, રાજસ્થાન ઘુમર નૃત્ય ગૃપ, નાસીક બેન્ડવાજા, નાસીક ઢોલ, ડી.જે., ૨ વાંદરા, ૨ હાઈટમેન, ૨ અંગરક્ષક, શંખનાદ કરનાર ગૃપ, હરિહર સ્વયંમ સેવક સમિતિ દ્વારા અમરનાથ મનોરથ, ૧૫૦૦ કેરીનો આમ્ર મનોરથ, અંબાજીથી રાવણ, રામદેવ નૃત્ય ગૃપ, વેશભુષા, કાઠીયાવાડી રાસગરબા કરતુ સિધ્ધપુરનુ ગૃપ વિગેરે આયોજન કરવામાં આવ્યુ છે.
• સવારે ૮-૦૦ થી ૯-૦૦ દરમ્યાન રથ ખેચવાનો અને આરતીનો ચડાવો તથા આરતી થશે
• હરિહર સેવા મંડળથી સવારે ૯-૦૦ કલાકે રથયાત્રાનો પ્રારંભ થશે
• ૧૧-૦૦ થી ૧૨-૦૦ ની વચ્ચે રથયાત્રા ઉમિયા માતાના મંદિરે પહોચશે. જ્યાં બે કલાકનો વિરામ
• વિરામ દરમ્યાન ભગવાનનુ મોસાળુ, શણગાર, છપ્પનભોગ તથા જમણવારનો કાર્યક્રમ યોજાશે
• વ્યવસ્થાના ભાગરૂપે જેમની પાસે જમણવારનો પાસ હોય તેમનેજ પ્રવેશ મળશે
• બપોરે ૨-૦૦ કલાકે ઉમિયા માતાના મંદિરથી રથયાત્રા આગળ વધશે
• શ્રી હરિહર સ્વયંમ સેવક સમિતિના સભ્યો દ્વારા રથયાત્રાના આકર્ષણ માટે અભૂતપૂર્વ તૈયારીઓ
• હરિહર સ્વયંમ સેવક સમિતિનો ૧૫૦૦ આમ્રકુંજ મનોરથ તથા અમરનાથનો મનોરથ આકર્ષણ જમાવશે
• રથયાત્રા કમિટીની અપીલ છેકે પશુપાલકો રથયાત્રાના તેમના પશુઓને છુટા મુકે નહી
રથયાત્રા દર વર્ષે હરિહર સેવા મંડળથી સવારે ૧૦-૩૦ થી ૧૧-૦૦ કલાકની વચ્ચે પ્રસ્થાન કરે છે, ત્યારે બે કલાકનો મોસાળાનો કાર્યક્રમ હોવાથી સવારે ૯-૦૦ કલાકે રથયાત્રા પ્રસ્થાન કરશે તે પહેલા સવારે ૮-૦૦ થી ૯-૦૦ દરમ્યાન રથ ખેચવાનો અને મહાઆરતીનો ચઢાવો થશે. આરતીના અને રથ ખેચવાના ચઢાવામાં રસ હોય તે દાતાઓ અને ધર્મપ્રેમી જનતાને સમયસર હાજર રહેવા જણાવ્યુ છે. ધાર્મિક કાર્યક્રમ સાથે સામાજીક સેવા થાય તે માટે હરિહર સેવા મંડળમાં સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ સુધી બ્લડ ડોનેશન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.

Leave a Reply

Top