You are here
Home > Local News > બસ સ્ટેન્ડના નવીન વરંડામાં પગદંડી રસ્તો મુકવાની લડતમાં વિસનગર વેપારી મહામંડળને મળેલ અભૂતપૂર્વ સફળતા

બસ સ્ટેન્ડના નવીન વરંડામાં પગદંડી રસ્તો મુકવાની લડતમાં વિસનગર વેપારી મહામંડળને મળેલ અભૂતપૂર્વ સફળતા

બસ સ્ટેન્ડના નવીન વરંડામાં પગદંડી રસ્તો મુકવાની લડતમાં
વિસનગર વેપારી મહામંડળને મળેલ અભૂતપૂર્વ સફળતા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર વેપારી મહામંડળને એસ.ટી.સ્ટેન્ડના નવા બનતા વરંડામા રસ્તો મુકવાની લડતમાં અભુતપુર્વ સફળતા મળી છે. એસ.ટી.તંત્ર ઉમામાર્કેટ બાજુ વરંડામાં પાંચ ફુટ પહોળો પગદંડી રસ્તો મુકવા માટે સંમત થયુ છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિસનગરમાં નવા બનેલ એસ.ટી.બસ સ્ટેન્ડમાં ઉમા માર્કેટ બાજુ જુનો રસ્તો હતો તેની આસપાસ રસ્તો મુકાવવા માટે વિસનગર વેપારી મહામંડળે માંગણી કરી હતી.જે એસ.ટી.તંત્ર દ્વારા સ્વીકારવામા ન આવતા અને વરંડાનુ કામ ચાલુ કરતાં વિસનગર વેપારી મહામંડળ દ્વારા એક દિવસીય પ્રતિક ઉપવાસ કરતાં તંત્ર હરકતમાં આવ્યુ હતું. તાજેતરમાં તા. ૨૮-૦૬-૨૦૧૯ને શુક્રવારના રોજ ડેપ્યુટી સી.એમ.નિતીનભાઈ પટેલ અને પરીવહન મંત્રી આર.સી.ફળદુ સાહેબની સુચનાથી મહેસાણા વિભાગીય નિયામક વાય.કે.પટેલ સાથે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની હાજરીમાં વેપારી મહામંડળના સભ્યોની મિટીંગ મળી હતી.જેમાં વિભાગીય નિયામક વાય.કે.પટેલે જૂના રસ્તા બાજુના રસ્તામાંથી પેસેન્જરોની આવન-જાવનમાં તકલીફ ન પડે અને ભવિષ્યમાં કોઈ અકસ્માત ન થાય તેવો વ્યવહારીક રસ્તો તેમની વિચક્ષણ બુધ્ધિથી કાઢી થોડા સમયથી ચાલતા રસ્તાના વિવાદનો અંત આવ્યો છે. પાલિકા દ્વારા અપાયેલ ૧૦ ફુટ જમીનના વિવાદ માટે વિભાગીય નિયામકે જણાવ્યુ હતું કે પાલિકા ઠરાવ બતાવી સાબિત કરે કે એસ.ટી.તંત્રને વિના વળતરે જમીન અપાઈ છે તો તેનો વહેવારીક ઉકેલ લાવવામાં આવશે. પાલિકા તંત્ર પાસે ૧૯૮૪માં જમીન આપવાના કરાયેલા ઠરાવની માહિતી નથી. વિસનગર વેપારી મહામંડળ, વિસનગરના વેપારીઓ અને લોકોના હીતમાં કાર્યરત છે. આગામી દિવસોમાં વેપારી મહામંડળ દ્વારા રથયાત્રાના પર્વ નિમિત્તે શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત ૩૫ વર્ષ પછી ઉમિયા માતાના મંદિરમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના સહયોગથી મોસાળુ કરી પાંચ હજાર માણસનો જમણવાર કરી રહેલ છે. જેમાં શહેરના નાગરીકોનો અભુતપુર્વ નાણાંકીય સહકાર મળી રહ્યો છે. અત્યારે એ ઉલ્લેખનીય રહેશે કે લાંબા સમય પછી વિસનગર વેપારી મહામંડળ રજીસ્ટર થવાના કારણે એસ.ટી.તંત્રે મંડળની રજુઆતને પ્રાધાન્ય આપી રસ્તો મુકવા માટે સંમતિ આપી છે.

Leave a Reply

Top