You are here
Home > Local News > વિસનગરમાં બેંક ઓફ ઈન્ડિયાએ હોમલોનની વસુલાત માટે મકાનનું સીલ મારી કબજો મેળવ્યો

વિસનગરમાં બેંક ઓફ ઈન્ડિયાએ હોમલોનની વસુલાત માટે મકાનનું સીલ મારી કબજો મેળવ્યો

વિસનગરમાં બેંક ઓફ ઈન્ડિયાએ
હોમલોનની વસુલાત માટે મકાનનું સીલ મારી કબજો મેળવ્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં રેલ્વે સ્ટેશન સામે આવેલ ત્રિશુલ ફલેટના એક રહીશે વર્ષ ર૦૧૩માં બેક ઓફ ઈન્ડિયામાંથી રૂા. ૬ લાખની હોમલોન લીધી હતી. જે લોન લોન ધારક વ્યાજ સાથે ભરપાઈ ન કરતા બેંકના મેનેજરે પોલીસ તથા મામલતદાર સહિતના સ્ટાફને સાથે રાખીને ગત ગુરુવારે મકાનનું સીલ મારી બેંકને મકાનનો કબજો સોંપ્યો હતો. બેંક ઓફ ઈન્ડિયાની આ લોનધારક સામેની કડક કાર્યવાહીથી સમયસર લોન ભરપાઈ ન કરનાર લોન ધારોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
વિસનગરમાં રેલ્વે સ્ટેશન સામે જવાહર સોસાયટીની બાજુમા આવેલ ત્રિશુલ ફલેટમાં રહેતા એક રહીશે તા.ર-૮-ર૦૧૩ના રોજ શહેરના ત્રણ દરવાજા ટાવર નજીક આવેલ બેેંક ઓફ ઈન્ડીયામાંથી રૂા. ૬ લાખ હોમલોન લીધી હતી. શરૂઆતમાં આ રહીશ બેંકમાં નિયમિત હપ્તા ભરતા હતા. પરંતુ સમય થતા આ લોનધારકે લોનના હપ્તા ભરવાનું બંધ કર્યુ હતુ. ત્યારે બેંક મેનેજર આર.જી.ચૌહાણ લોન ધારકને આર્થિક મોટુ નુકશાન ન થાય તે માટે તેમને નિયમિત લોનના હપ્તા ભરવાની સલાહ આપતા હતા. પરંતુ કોઈ કારણોસર આ લોન ધારક બેંકના હપ્તા ભરતા નહતા. ત્યારે બેંક મેનેજર ચૌહાણને વ્યાજ સાથે બાકી લોન રૂા. પ,૮ર,૭૮૩ની વસુલાત કરવા માટે લોનધારક અને જામીનદારને નોટીસો આપી હતી. છતાં લોન ધારક કે જામીનદાર લોનની બાકી રકમ ભરપાઈ કરી નહતી. છેવટે બેંક મેનેજરે સરફેસી એક્ટ મુજબ મહેસાણા જીલ્લા કલકેટરશ્રી પાસેથી મંજુરી મેળવી લોન ધારકને નોટીસ આપી મકાનનું પઝેશન મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમા બેંક મેનેજર આર.જી.ચૌહાણે ગત તા.ર૦-૬ના રોજ મામલતદાર એ.એન.સોલંકી, બેંક ઓફ ઈન્ડીયાના એરીયા મેનેજર એન.કે.પાટીદાર, તથા શહેર પોલીસ સ્ટાફ હાજરીમાં લોનધારકના મકાનનું સીલ મારી બેંકને મકાનનું પઝેશન સોંપ્યુ હતુ. બેંક ઓફ ઈન્ડિયાના વહીવટ કુશળ મેનેજર આર.જી.ચૌહાણે આ હોમ લોન ધારક સામે કરેલ કડક કાર્યવાહીથી બેંકના રીઢા અને લોન ભરપાઈ ન કરનાર લોન ધારકોની ઉંઘ હરામ થઈ ગઈ છે.

Leave a Reply

Top