You are here
Home > Local News > વિસનગર પોલીસ પશ્ચીમ બંગાળથી આરોપીને લઈને આવતી હતી પોલીસના હાથમાંથી છટકવા ટ્રેનમાંથી

વિસનગર પોલીસ પશ્ચીમ બંગાળથી આરોપીને લઈને આવતી હતી પોલીસના હાથમાંથી છટકવા ટ્રેનમાંથી

વિસનગર પોલીસ પશ્ચીમ બંગાળથી આરોપીને લઈને આવતી હતી
પોલીસના હાથમાંથી છટકવા ટ્રેનમાંથી
કુદકો મારનાર આરોપીનુ મૃત્યુ
(પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર
વિસનગરના સોનીના કારખાનામાંથી ૨૩૫ ગ્રામ સોનુ લઈને જતો રહેનાર આરોપીને પોલીસ પશ્ચીમ બંગાળથી લઈને આવતી હતી. ત્યારે રાત્રે ૩-૦૦ કલાકે લઘુશંકા કરવાના બહાને આરોપી ઉઠીને ચાલુ ટ્રેને કુદી પોલીસના હાથમાંથી છટકવા પ્રયત્ન કર્યો હતો. ફીલ્મી સ્ટાઈલે ટ્રેનમાંથી કુદનાર આરોપીને ગંભીર ઈજાઓ થતા તેનુ સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતુ.
વિસનગરમાં લાલ દરવાજા વિસ્તારમાં સોનીની દુકાન ધરાવનાર, શહેરના જાણીતા વેપારી અગ્રણી શીવકુમાર મંગળદાસ સોનીના કારખાનામાં દોઢ માસથી કામ કરતો બંગાળ હુગલીનો અમીર મલીક નામનો કારીગર રૂા.૭,૭૫,૦૦૦ ની કિંમતનુ ૨૩૫ ગ્રામ સોનુ લઈને નાસી ગયો હતો. જે ચોરીના બનાવમાં પોલીસે ફરિયાદ નોધી નાસતા ફરતા આરોપીની તપાસ હાથ ધરી હતી. આરોપી તેના વતનમાં હોવાની વિસનગર પોલીસને જાણ થતા વિસનગર સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરવિંદગીરી બળદેવગીરી તથા અન્ય સ્ટાફ રાજહટ પોલીસ સ્ટેશન, વેસ્ટ પોલવા, બંગાળ હુગલી પહોચી સ્થાનિક પોલીસની મદદથી ૨૮ વર્ષની ઉંમરનો આરોપી સૈયદ અમીરમલીક અંબરમલીકની ધરપકડ કરી હતી.
વિસનગરમાં સોના ચાંદીના દાગીનાના શો-રૂમ અને સોની વેપારીઓના કારખાના આવેલા છે. જેમા કામ કરનાર બંગાળના કારીગરોમાં દાખલો બેસાડતી વિસનગર પોલીસની કામગીરી હતી. બંગાળમાંથી આરોપીની ધરપકડ કરી એક મોટી સફળતા હતી. પોલીસ આ આરોપીને લઈ હાવડા ગાંધીધામ એક્ષપ્રેસ ટ્રેનમાં આવતા હતા. રાત્રીના ૩-૦૦ કલાકે આરોપી લઘુશંકા કરવાના બહાને પોલીસને વિશ્વાસમાં લઈ ટ્રેનના શૌચાલયે પહોચ્યો હતો. ત્યાં રાજસ્થાનના માધવપુર નજીક પોલીસના હાથમાંથી ભાગી છુટવા આરોપી ચાલુ ટ્રેને કુદયો હતો. ફીલ્મી સ્ટાઈલમાં ચાલુ ટ્રેને કુદનાર આરોપીને ગંભીર ઈજાઓ થતા તેને રાજસ્થાનમાં જ હોસ્પિટલમાં સારવાર્થે દાખલ કરાયો હતો. જાણવા મળ્યા પ્રમાણે રેલ્વે પોલીસ દ્વારા આરોપી વિરુધ્ધ ગુનો પણ નોધાયો હતો.
રાજસ્થાનમાં સારવાર બાદ આરોપીને વિસનગર કોર્ટમાં રજુ કરાયો હતો. જ્યાં કોર્ટે જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. આરોપીને માથામાં ઈજાઓ થઈ હોવાથી કોર્ટની મંજુરી મેળવી પોલીસ જાપ્તામાં વિસનગર સિવિલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ મહેસાણા અને છેલ્લે અમદાવાદ ટ્રોમા સેન્ટરના આઈ.સી.યુ.માં સારવાર્થે દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન આરોપીનુ મૃત્યુ થયુ હતુ.

Leave a Reply

Top