You are here
Home > Local News > કાંસા ગામ ૨૦૨૪ માં મોસાળાનુ યજમાન બનશે-જશુભાઈ પટેલ

કાંસા ગામ ૨૦૨૪ માં મોસાળાનુ યજમાન બનશે-જશુભાઈ પટેલ

૫૦૦૦ ગ્રામજનો ભગવાન જગન્નાથજીના સામૈયામાં આવશે

કાંસા ગામ ૨૦૨૪ માં મોસાળાનુ યજમાન બનશે-જશુભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
રાજકીય દ્વેષભાવ ત્યજી ફક્ત ને ફક્ત ભગવાન જગન્નાથજીના ધાર્મિક કાર્યક્રમને લક્ષમાં રાખી આર્થિક તેમજ સમયનુ દાન આપનાર કાંસાના જશુભાઈ પટેલ રથયાત્રામાં મોસાળા મહોત્સવથી ભારે પ્રભાવિત થયા હતા. જેમણે જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૨૪ માં કાંસા ગામ મોસાળાનુ યજમાન બનશે. કાંસાના ૫૦૦૦ ગ્રામજનો ભગવાનના સામૈયામા આવશે.
રથયાત્રામાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ મોસાળાના યજમાન હોવાથી તેમજ વેપારી મહામંડળનુ આયોજન હોવાથી શહેરના કેટલાક આગેવાનોએ મોસાળામાં ભાગ લેવાનુ ટાળ્યુ હતુ. પરંતુ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ રાગદ્વેષ કે ભેદભાવ રખાય નહી તેવો સંદેશો ભાજપ અગ્રણી જશુભાઈ પટેલે આપ્યો હતો. જશુભાઈ પટેલ ધારાસભ્ય ઋષિભાઈ પટેલના હરિફ જુથના છે. તેમ છતાં રાજકીય દ્વેષભાવ રાખ્યા વગર મોસાળા માટે રૂા.૧૧,૦૦૦ નું કાંસા પીપલ્સના નામે દાન આપ્યુ હતુ. એટલુજ નહી જશુભાઈ પટેલે મોસાળામાં પૂર્ણ સમય હાજરી આપી હતી. મોસાળા મહોત્સવમાં વેપારી મહામંડળના આયોજનથી જશુભાઈ પટેલ ખુબજ પ્રભાવિત થયા હતા. જેમણે મોસાળા મહોત્સવના કાર્યક્રમને પ્રોત્સાહન આપતી જાહેરાત કરી હતી કે, વર્ષ ૨૦૨૪ માં કાંસા ગામ અને ગ્રામજનો મોસાળાનુ યજમાન બનશે. કાંસામાંથી ૫૦૦૦ ગ્રામજનોનુ ભવ્ય સામૈયુ નીકળશે અને ભગવાન જગન્નાથજીનુ મોસાળુ ભરશે. આ જાહેરાત કરતા જશુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, હરિહરલાલજીનુ પ્રાગટ્ય સ્થળ કાંસા ગામ છે જેથી કાંસા ગામનો મોસાળા માટે ઉત્સાહ હોયજ. જશુભાઈ પટેલની આ જાહેરાત રાજકીય તેમજ સંસ્થાકીય હરિફાઈમાં મોસાળામાં ભાગ નહી લેનાર આગેવાનો માટે બોધપાઠ રૂપ છે. ભલે ગમે તેટલો દ્વેષભાવ હોય પરંતુ ભગવાનના કાર્યમાં તેનો અણસાર પણ આવવો જોઈએ નહી.
નોધપાત્ર બાબત છેકે, દરેક મોટા ગામમાં રાજકીય કે અન્ય રીતે ભાગ હોય તેમ કાંસા ગામમાં પણ ભાગ છે. તેમ છતાં ભાજપ અગ્રણી જશુભાઈ પટેલે ધાર્મિક કાર્યોમાં ગ્રામજનોનો સહકાર મેળવી ગામની લગભગ નાની મોટી થઈ ૧૬ ધાર્મિક સંસ્થાઓનો વિકાસ કર્યો છે. જશુભાઈ પટેલના ધાર્મિક કાર્યક્રમમાં ક્યારેય પણ તેમના હરિફ જૂથે નડતરરૂપ કામગીરી કરી હોય તેવુ બન્યુ નથી. વર્ષ ૨૦૨૪ માં મોસાળુ ભરવાની જશુભાઈ પટેલની જાહેરાતથી વિસનગર વેપારી મહામંડળ તથા રથયાત્રા મોસાળા કમિટિના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે.

Leave a Reply

Top