You are here
Home > Prachar News > રથયાત્રા મોસાળા મહોત્સવ માટે પાંચ વર્ષનુ વેઈટીંગ

રથયાત્રા મોસાળા મહોત્સવ માટે પાંચ વર્ષનુ વેઈટીંગ

વિસનગર વેપારી મહામંડળ અને ધારાસભ્ય ઋષિભાઈ પટેલની પહેલને અભૂતપૂર્વ આવકાર

રથયાત્રા મોસાળા મહોત્સવ માટે પાંચ વર્ષનુ વેઈટીંગ

દાતાઓ, સહયોગી સંસ્થાઓ તેમજ લોક સહકારથી જગન્નાથજીનુ મોસાળુ, અન્નકુટ દર્શન તેમજ ૬૦૦૦ થી ૭૦૦૦ લોકોની જમણવારની વ્યવસ્થાને લોકોએ બીરદાવી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
                છેલ્લા પાંચ છ વર્ષથી વિસનગરમાં રથયાત્રા નિમિત્તે મોસાળુ થાય, મોસાળામાં લોકો પ્રસાદ લે તેવી રથયાત્રા આયોજનની મીટીંગમાં ચર્ચાઓ થતી હતી. ત્યારે ૩૯ મી રથયાત્રા નિમિત્તે વિસનગર વેપારી મહામંડળ અને ધારાસભ્ય ઋષિભાઈ પટેલની મોસાળા મહોત્સવની પહેલને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. રથયાત્રા નિમિત્તેના આ ધાર્મિક કાર્યક્રમને લોકોને મનમુકીને માણ્યો હતો અને બીરદાવ્યો હતો. લોકહિત, લોકસેવા અને ધાર્મિક કાર્યક્રમોનો સારો વહિવટ થાય તો દાતાઓની નગરીમાં ક્યારેય દાતાઓની ખોટ વર્તાતી નથી. મોસાળુ મહોત્સવ જોઈને પાંચ વર્ષ સુધી દાતાઓની જાહેરાત થઈ ગઈ છે. મોસાળા મહોત્સવમાં ૨૦૨૪ સુધી વેઈટીંગ જોતા હવે એમ કહી શકાય કે પરંપરાગત રથયાત્રાની સાથે હવે મોસાળુ પણ પરંપરાગત બની જશે.
               અમદાવાદ રથયાત્રામાં જેમ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનુ મોસાળુ થાય છે તેમ વિસનગરની રથયાત્રામાં પણ મોસાળા મહોત્સવ થાય તેવી છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ થતી હતી. રથયાત્રાના આયોજક હરિહર સેવા મંડળના ટ્રસ્ટીઓની પણ ભાવના હતી કે ભગવાનનુ મોસાળુ થાય. પરંતુ લોક સહકાર વિના આ આયોજન થઈ શકે તેમ ન હોઈ હરિહર સેવામંડળ શરૂઆત કરી શકતુ નહોતુ. વળી મોસાળામાં મહોત્સવનો રૂા.ચારથી પાંચ લાખનો ખર્ચ પણ ક્યાંથી કરવો તે પ્રશ્ન હતો ત્યારે આ વર્ષે વિસનગર વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારોએ મોસાળા મહોત્સવનો વિચાર મુકતા તમામે આ વિચારને વધાવ્યો હતો. મોસાળુ તથા જમણવાર ખર્ચના સૌજન્ય માટે ફંડ માટે વેપારી મહામંડળે ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. માર્કેટયાર્ડ દ્વારા મહાપ્રસાદ તો આપવામાં આવેજ છે ત્યારે પુરી, શાક, દાળ અને ભાત તેમજ મોસાળા માટે ધારાસભ્ય સૌજન્ય આપવાની તૈયારી બતાવતાજ વેપારી મહામંડળના હોદ્દેદારોનો જુસ્સો વધ્યો હતો. આ ઉપરાંત મહામંડળના હોદ્દેદારોએ જે દાતાઓને ફોન કર્યો તેમા કોઈએ મોં ફેરવ્યુ નહી અને ઉદાર હાથે ફાળો આપ્યો.

મોસાળા મહોત્સવના સહયોગી : –

(૧) સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. (૨) પટેલ દશરથભાઈ હરગોવનદાસ (૩) પટેલ નટુભાઈ કાશીરામ(તિરૂપતી) (૪) ચૌધરી સુરેશભાઈ વિરસંગભાઈ (એસોશીયેટ કન્સ્ટ્રક્શન) (૫) પ્રજાપતિ બળદેવભાઈ ગંગારામ(શ્રી ગણેશ એન્જીનીયર) (૬) પટેલ શિલાબેન સુધીરભાઈ (પ્રમુખશ્રી-જીલ્લા પંચાયત, મહેસાણા) (૭) પટેલ અનીલભાઈ (સુપર કન્સ્ટ્રક્શન) (૮) ચૌધરી તુષારભાઈ (ગણેશ કન્સ્ટ્રક્શન) (૯) પટેલ નટવરભાઈ પશાભાઈ (૧૦) પટેલ રાકેશભાઈ બી.(દુધી) (૧૧) સુખડીયા પ્રકાશભાઈ (સુખડીયા સ્વીટ માર્ટ) (૧૨) સ્વ.મણીયાર ચંદ્રકાન્તભાઈ નારાયણલાલ (૧૩) પટેલ જશુભાઈ વિઠ્ઠલદાસ (ધી.કાંસા પીપલ્સ કો.ઓ.સોસાયટી) (૧૪) ગોવિંદ ચકલા પગપાળા યાત્રાળુ સંઘ (૧૫) પરમાર ચંદ્રકાન્તભાઈ ડાહ્યાલાલ

મોસાળા મહોત્સવમાં સહયોગ આપનાર સંસ્થાઓ :-

(૧) ધી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતી, વિસનગર (૨) શ્રી ઉમિયા માતા મંદિર સંસ્થા, વિસનગર (૩) શ્રી હરિહર સેવા મંડળ ટ્રસ્ટ, વિસનગર (૪) પાટીદાર વિકાસ ફાઉન્ડેશન, વિસનગર (૫) શ્રી ગુરૂ ઉમેદપુરી ધાર્મિક પ્રગતિ મંડળ (૬) ગુંદીખાડ સમસ્ત દૅશ (૭) મેહુલ મંડપ ડેકોરેશન (૮) ધી કાંસા પીપલ્સ કો.ઓ.ક્રે.સો.લી. (૧૦) વિસનગર પોલીસ સ્ટેશન (૧૧) હરિહર સ્વયંસેવક સમિતી (૧૨) પ્રચાર સાપ્તાહિક, વિસનગર

               મોસાળા મહોત્સવનો કાર્યક્રમ અને અનુભવ પહેલો હતો. તેમ છતાં ગુંદીખાડ દૅશ, ઉમિયા માતા મંદિરના ટ્રસ્ટીઓ, ગુંદીખાડના અન્ય જ્ઞાતિના યુવાનો વિગેરેનો સહયોગ મળ્યો. વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ પટેલ, હર્ષલભાઈ પટેલ એન.જે.મેડીકલ, મહેશભાઈ પટેલ ઓમકાર પ્લાયવુડ, ગૌતમભાઈ સથવારા, ગીરીશભાઈ પટેલ નવદુર્ગા, મનીષભાઈ રમેશભાઈ પટેલ ગળીયા, બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ, કિર્તિભાઈ પટેલ સેવાલીયા, મહેશભાઈ પટેલ સુંશી, ઉમિયા માતા ટ્રસ્ટના રમણીકભાઈ પટેલ, ડાહ્યાભાઈ પટેલ, પ્રહેલાદભાઈ પટેલ ચોકસી, મંદિરના પૂજારી નિલેશભાઈ મહારાજ તથા અન્ય ટ્રસ્ટીઓ, ગુરૂ ઉમેદપુરી ધાર્મિક પ્રગતી મંડળ, બાબુભાઈ બેંકર આખલી તથા સભ્યો કચ્છ કડવા પાટીદાર સમાજ, માર્કેટયાર્ડના ડીરેક્ટરો તથા સ્ટાફ વિગેરેના સહયોગથી ભગવાનનુ સામૈયુ, ભગવાનનો શણગાર, ભગવાનનો અન્નકુટ તથા ૬૦૦૦ થી ૭૦૦૦ માણસોના જમણવારનુ અદ્‌ભૂત કોઈપણ તકલીફ વગર આયોજન થયુ. ત્રણ ભાગમાં જમણવારનુ આયોજન હોઈ કાઉન્ટર ઉપર સેજ પણ લાઈન કે ભીડ વગર લોકોએ શાંતીથી પ્રસાદ લીધો. મોસાળા કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થા માટે વેપારી મહામંડળના હોદ્દેદારો તથા તેમના સહયોગી છેલ્લા ચાર દિવસથી ઉમિયા માતાની વાડીમાં હાજરી આપી હતી. જેમાં ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટ, મનીષભાઈ પટેલ ગળીયા, ગીરીશભાઈ પટેલ નવદુર્ગા વિગેરે હોદ્દેદારો છેલ્લા ચાર દિવસથી ઉમિયા માતાની વાડીમાં ખાટલો પાથરી પડ્યા અને પાથર્યા રહ્યા હતા. જે લોકોની તન, મન અને ધનથી મહેનતના કારણે મોસાળા મહોત્સવનુ પ્રથમ વખત અને એ પણ અભૂતપૂર્વ આયોજન થયુ.

                ઉમિયા માતાના મંદિરમાં મોસાળા મહોત્સવ વખતે જે માહોલ હતો તે એવો ભક્તીમય હતો કે હાજર લોકો તેના મય બની ગયા હતા. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને તેમના સાથી કાર્યકરો તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરી, તાલુકા ભાજપ ઉપપ્રમુખ તેમજ માર્કેટના ડીેરેક્ટર એલ.કે. પટેલ, માર્કેટયાર્ડના ડીરેક્ટર પ્રીતેશભાઈ પટેલ વાલમ, મહેશભાઈ પટેલ સુંશી, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ જશુભાઈ ચૌધરી ગુંજા, તથા યુવા ભાજપ મોરચાના પ્રમુખ મુકેશભાઈ પટેલ ઘાઘરેટ એમ સંયુક્ત રીતે વર્ષ-૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨ સુધી મોસાળા મહોત્સવના યજમાન બનવા માટે જાહેરાત કરી હતી. સ્ટેજ ઉપરથી જાહેરાત થતી હતી તેજ વખતે રથમાંથી ભગવાનની મૂર્તિ ઉપાડી મોસાળામાં લઈ જનાર સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.ના ચેરમેન પરેશભાઈ એસ.ચૌધરીએ વર્ષ-૨૦૨૩ માં મોસાળા મહોત્સવના દાતા બનવાની તૈયારી દર્શાવતા તેની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ અગ્રણી, કાંસાના જશુભાઈ પટેલ આ મહોત્સવમાં હાજર હતા. તેમને મોસાળા મહોત્સવની વ્યવસ્થાની ભારોભાર પ્રશંસા કરી વર્ષ-૨૦૨૪ માં સમગ્ર કાંસા ગામ તરફથી મોસાળા મહોત્સવના દાતા બનવાની તૈયારી દર્શાવી હતી. જશુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ૨૦૨૪ માં કાંસા ગામમાંથી ૫૦૦૦ ગ્રામજનો સામૈયા સાથે મોસાળામાં આવશે. બીજા પણ દાતાઓએ મોસાળા માટે ઉત્સાહ દાખવતા હવે મોસાળા મહોત્સવ રથયાત્રાની જેમ પરંપરાગત બની જશે.

—————————————————————————————-

મીનાબેન પટેલ અને સુમીબેન પટેલે સામૈયુ કર્યુ


                રથયાત્રાના મોસાળાના યજમાન ધારાસભ્ય ઋષિભાઈ પટેલ હતા. રથ મંદિરથી થોડે દુર હતો ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પત્ની મીનાબેન પટેલ તથા જીતુભાઈ પટેલના પત્ની સુમીબેન પટેલે માથા ઉપર તાસમાં ભગવાનના વસ્ત્રો અને દાગીના મુકી ભગવાનનુ સામૈયુ કર્યુ હતુ.


દ્વારકા, ડાકોર અને શ્રીનાથજીની જેમ અન્નકુટ દર્શનમાં દર્શનાર્થીઓની પડાપડી થઈ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
                વિસનગરમાં રથયાત્રા દરમ્યાન પટણી દરવાજા ઉમિયા માતાજીના મંદિરે મોસાળાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભગવાનને નવા વસ્ત્રો અને દાગીના પહેરાવ્યા બાદ અન્નકુટ દર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. લગભગ ત્રણ ડબા ઘીનો પ્રસાદ બનાવ્યો હતો. ભગવાન સમક્ષ અન્નકુટ ભરી દર્શન માટે ખુલ્લો મુકવામાં આવતા દ્વારકા, ડાકોર અને શ્રીનાથજીમાં જેમ ભગવાનના દર્શન માટે પડાપડી થાય છે તેમ દર્શનાર્થીઓએ ભારે ભીડ કરી હતી. જોકે સુવ્યવસ્થીત આયોજનના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.

————————————————————————————————–

મોસાળામાં ગુંદીખાડ દૅશના પાટીદારોનો સહયોગ અભૂતપૂર્વ રહ્યો

ઉમિયા માતાના મંદિરમાં અન્નકુટનુ આયોજન થયુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
                રથયાત્રામાં મોસાળા મહોત્સવનુ આયોજન થતાજ ગુંદીખાડ દૅશના પાટીદારો તથા અન્ય સમાજના લોકો મદદ માટે થનગનતા હતા. જેમનો ઉત્સાહ મોસાળા મહોત્સવમાં જોવા મળ્યો. ઉમિયા માતા મંદિર ટ્રસ્ટમાં પણ મોસાળા મહોત્સવના આયોજનથી આનંદનો પાર નહોતો. ઉમિયા માતાના મંદિરમાં પણ અન્નકુટ દર્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
                ગુરૂ ઉમેદપુરી બાપુ મંદિર, ગુરૂ ઉમેદપુરી બાપુ મિત્ર મંડળ, માંડવી ચોક મનારો નવરાત્રી મંડળ, ઉમિયા માતા મંદિર સંસ્થા જેવી ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગુંદીખાડમાં વર્ષોથી ધાર્મિક કાર્યક્રમો થતા આવ્યા છે. ધાર્મિક કાર્યક્રમો અને તેની વ્યવસ્થા ગુંદીખાડ પાટીદારોના લોહીમાં અને સંસ્કારોમાં વણાયેલી છે. ગમે તેવા ધાર્મિક કાર્યક્રમોમાં ગુંદીખાડ દૅશના પાટીદારો દ્વારા ક્યારેય પાછી પાની કરવામાં આવી નથી. રથયાત્રામાં ઉમિયા માતાના મંદિરમાં મોસાળા મહોત્સવનુ આયોજન કરવામાં આવતા ઉમિયા માતા મંદિર ટ્રસ્ટ અને ગુંદીખાડના પાટીદારો તથા અન્ય સમાજના લોકોએ તેનો સહર્ષ સ્વિકાર કર્યો હતો. જમણવારની પુરી વ્યવસ્થા ગુંદીખાડ દૅશ દ્વારા ઉપાડવામાં આવી હતી. જેનુ અભૂતપૂર્વ આયોજન કરી બતાવ્યુ. આવનાર વર્ષોમાં પણ મોસાળા માટે પુરેપુરી મદદ કરવાની તૈયારી દર્શાવી.
                ઉમિયા માતા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ જે સહયોગ આપવામાં આવ્યો તે સરાહનીય છે. મોસાળામાં હજ્જારો લોકો ભાગ લેવાના હોવાથી ઉમિયા માતાના મંદિરમાં પણ અન્નકુટ દર્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. મોસાળા મહોત્સવના કાર્યથી ઉમિયા માતાજી પ્રસન્નતા અનુભવતા હોય તેમ, રથયાત્રાના દિવસે તેમની મુખારવિંદ પણ હાસ્યમુદ્રામાં જણાતી હતી. રથયાત્રાના દિવસે ઉમિયા માતાજીના દર્શનનો લાભ લેવો તે ખરેખર અવિસ્મરણીય હતો.

—————————————————————————————————-

સથવારા સમાજનુ યોગદાન મહત્વનુ રહ્યુ

ઉમિયા માતાની વાડીમાં બીજા મજલે રસોઈ પહોચાડવા લીફ્ટ ગોઠવી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
રથયાત્રામાં મોસાળા મહોત્સવમાં ઉમિયા માતાની વાડીમાં નીચેના ભાગે સ્ત્રી-પુરુષની જમવાની વ્યવસ્થા, ઉમિયા માતાનુ મંદિર છે તે વચ્ચેના હૉલમાં મોસાળુ તથા અન્નકુટ દર્શનની વ્યવસ્થા તેમજ છત ઉપર દાતાઓ, સહયોગ આપનાર તથા સંતો મહંતોના જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાડીમાં બીજા મજલે રસોઈ કેવી રીતે પહોચતી કરવી તે માટે આયોજકો મુંજવણમાં હતા. સીડી દ્વારા નાના વાસણોમાં રસોઈ લાવવા પીરસનાર કેટલી વખત ચડ ઉતર કરશે તેની ચર્ચા ચાલતી હતી. ત્યારે વેપારી મહામંડળના હોદ્દેદાર ગૌતમભાઈ સથવારાએ આર.સી.સી. ધાબુ ભરવામાં વપરાતી લીફ્ટનો ઉપયોગ કરવા વિચાર રજુ કર્યો હતો. મોસાળા કમિટિએ ગૌતમભાઈ સથવારાની વાત સ્વિકારતાજ સથવારા સમાજ દ્વારા તાત્કાલીક લીફ્ટ ગોઠવવામાં આવી હતી. જે લીફ્ટ દ્વારા મોટા વાસણોમાં રસોઈ બીજા મજલે પહોચતી કરવામાં આવી હતી. લીફ્ટનુ સંચાલન કરવા સથવારા સમાજના કાર્યકરો ખડેપગે રહ્યા હતા. વેપારી મહામંડળના આવા ઉત્સાહી હોદ્દેદારોના કારણેજ મોસાળા મહોત્સવ સફળ બન્યો છે.

Leave a Reply

Top