You are here
Home > Prachar News > વિસનગરમાં બે કિ.મી.લાંબી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

વિસનગરમાં બે કિ.મી.લાંબી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

રથયાત્રામાં પ્રથમ રહેલુ વ્યાયામ શાળાનુ ટ્રેક્ટર પટણી દરવાજા હતુ, ત્યારે પ્રસાદનુ ટ્રેક્ટર એક ટાવર પાસે હતુ

વિસનગરમાં બે કિ.મી.લાંબી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
                 વિસનગરની રથયાત્રા જે સંસ્થા દ્વારા આયોજીત થાય છે તે હરિહર સેવા મંડળ દ્વારા રથયાત્રા નીમીત્તે મોટો ખર્ચ કરવામાં આવતા રથયાત્રા હવે ખરેખર લોક ઉત્સવ બની રહી છે. શહેરના રાજમાર્ગ ઉપર નીકળેલી બે કિ.મી. લાંબી રથયાત્રા જોવા ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યુ હતું. મોસાળાના કારણે સવારે ૯-૩૦ કલાકે નીકળેલી રથયાત્રા સાંજે પરત ફરી હતી. રથયાત્રાની તૈયારીઓ માટે શ્રી હરિહર સ્વયંમ સેવક સમિતિના સભ્યોની મહેનત રથયાત્રામાં જોવા મળતી હતી.
                 વિસનગરમાં અષાઢી બીજે તા.૪-૭-૨૦૧૯ ને ગુરુવારના દિવસે ૩૯ મી રથયાત્રા હરિહર સેવા મંડળમાંથી નીકળી તે પહેલા મહાઆરતી અને પ્રથમ રથ ખેચવાનો ચડાવો બોલવામાં આવ્યો હતો. હાસ્ય કલાકાર અતુલભાઈ પટેલે મહાઆરતીના ચડાવાની શરૂઆત કરતા રૂા.૧,૦૧,૦૦૦/- નો ચડાવો બોલી કમલેશભાઈ જીવાભાઈ પટેલ, બંસી કમલેશભાઈ પટેલ અને હર્ષદભાઈ જીવાભાઈ પટેલે આરતીનો લાભ લીધો હતો. જ્યારે સૌથી ઉંચો રૂા.૨૧,૦૦૦/- નો ચડાવો બોલી ધારાસભ્ય ઋષિભાઈ પટેલે પ્રથમ રથ ખેચવાનો લાભ લીધો હતો. ઉમિયા માતાના મંદિરે બે થી અઢી કલાકનો મોસાળા મહોત્સવનો કાર્યક્રમ હોઈ સવારે ૯-૩૦ કલાકે ‘જય રણછોડ માખણચોર’, ‘મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે’ ના નારાઓ વચ્ચે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બાલભદ્રજી નગરચર્યા કરવા માટે નીકળ્યા હતા. ૩૯ મી રથયાત્રામાં વિવિધ સ્કુલ કોલેજોની વેશભૂષા સાથે વિદ્યાર્થીઓ, વિવિધ ભજન મંડળીઓ, સાધુ સંતો, વ્યાયામ શાળાના વ્યાયામ વિરો, ૮૦ જેટલા ટ્રેક્ટરો તથા વાહનો, દાંતા, દાહોદ અને ગોધરાનુ આદિવાસી ગૃપ, સુરેન્દ્રનગરથી કાઠીયાવાડી ગૃપ, સિધ્ધપુરથી શરણાઈ ગૃપ, વાલમથી બળદગાડુ, લાઈવ ઓરકેસ્ટ્રા સાથે કલાકારો, ઘોડા સાથેની બગી, જીપ બગી, WWFની જેમ ફ્રી સ્ટાઈલ કુસ્તી કરતા રેસલર વિગેરેએ ભારે આકર્ષણ જમાવ્યુ હતુ.
                 રથયાત્રામાં વ્યાયામ શાળાના વ્યાયામ વિરોએ વિવિધ કસરતની કરતબો બતાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આદિવાસી, રાજસ્થાની, કાઠીયાવાડી, લોકનૃત્ય કરતા વિવિધ ગૃપે ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. રથયાત્રા માર્ગે ભગવાન જગન્નાથજીનુ ઠેરઠેર સ્વાગત કરાયુ હતુ. મંડી બજાર પાસે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, પાલિકા સભ્યો તથા સ્ટાફ દ્વારા, તેમજ રબારી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગુલઝાર પાન હાઉસ તથા લાલ દરવાજા પાસે મુસ્લીમ બીરાદરોએ રથયાત્રાનુ સ્વાગત કરી કોમી એકતા અને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો. રથયાત્રા માર્ગ વિવિધ વેપારી મંડળો, મિત્ર મંડળો, યુવક મંડળો, સંસ્થાઓ વિગેરે દ્વારા ઠંડુ પાણી, બીસ્કીટ, કેન્ડી, છાસ, સરબત વિગેરેના સેવા કેમ્પ કરવામાં આવ્યા હતા. ડી.વાય.એસ.પી. એમ.બી.વ્યાસ, સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.એમ.આર. ગામેતી, તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.કે.પ્રજાપતિ તથા તેમના સ્ટાફ દ્વારા રથયાત્રા દરમ્યાન ટ્રાફીક તથા કાયદો અને વ્યવસ્થાનુ અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યુ હતુ.

———————————————————————————-

કયા વિસ્તારમાં કોના દ્વારા સેવા કેમ્પ કરાયા

               સથવારા યુવક મંડળ દ્વારા ઠંડુ પાણી, શ્રી ચામુંડા ગૃપ દ્વારા ઠંડુ પાણી અને છાસ, દિપક ચાર રસ્તા પ્રજાપતિ ભાઈઓ દ્વારા ઠંડુ પાણી, ગંજી મિત્ર મંડળ દ્વારા લીંબુ સરબત, દરબાર રોડ મિત્રમંડળ દ્વારા છાસ, સાંકડી શેરીના નાકે મિત્રમંડળ દ્વારા સરબત, એક ટાવર બજાર બાલાજી મિત્રમંડળ દ્વારા છાસ, પારેખપોળ આગળ સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.દ્વારા બિસ્કીટ, ચોક્સી બજાર લાયન્સ ક્લબ વિસનગર દ્વારા ઠંડુ પાણી, ગુજરાતી સોની સમાજ દ્વારા કેન્ડી, પટણી દરવાજા શ્રી મહાકાળી ધાર્મિક મંડળ દ્વારા ઠંડુ પાણી, વિજય સ્ટીલ ફર્નિચર દ્વારા ઠંડુ પાણી, સંતશ્રી સવૈયાનાથ સેવા ટ્રસ્ટ દ્વારા ઠંડુ પાણી, મ્યુ.માર્કેટ, મારવાડીવાસની સામે મિત્ર મંડળ દ્વારા કેન્ડી, જ્યોતિ હોસ્પિટલ સામે જીતેન્દ્ર સ્ટીલ એન્ડ ફર્નિચર દ્વારા છાસ અને ઠંડુ પાણી, રોટરી ક્લબ વિસનગર દ્વારા છાસ, જી.ડી.હાઈસ્કુલ રોડ વેપારી મિત્રો દ્વારા બુંદી તેમજ ડીજે, મારૂતિ નંદન કોમ્પલેક્ષ દલાલ સ્ટોક દ્વારા બિસ્કીટ અને ઠંડા પાણીની બોટલ, સ્ટેશન રોડ જય રણછોડ મિત્રમંડળ દ્વારા છાસ તેમજ ડીજે, ૧૦૦ વર્ષ પૂર્ણ કરતા વિસનગર મથુરદાસ ક્લબ દ્વારા બિસ્કીટ તેમજ ડીજે, સિધ્ધિ વિનાયક માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા કુલ્ફી, નાયરા લેડીઝ ફેશન દ્વારા ઠંડુ પાણી, ધી વિસનગર ડાયમંડ મરચન્ટ એશો. દ્વારા ઠંડુ પાણી, વિસનગર શહેર રીક્ષા ડ્રાયવર વેલ્ફેર એસો. દ્વારા ઠંડુ પાણી, ગોવિંદ ચકલા વેપારી મિત્રમંડળ દ્વારા કુલ્ફી, ગુંદીખાડ-ગુરૂશ્રી ઉમેદપુરી મિત્રમંડળ દ્વારા શરબત, સુખડીયા પરિવાર દ્વારા બાપુના ચોરે ફુલોથી સ્વાગત.

—————————————————————————————-

તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ પટેલે લોકોને આરતીનો લાભ આપ્યો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
                   જગતનો નાથ જગન્નાથ આગળ નથી કોઈ રાજા કે નથી કોઈ રંક. તાલુકા પંચાયત પ્રમુખનો હોદ્દો ઘણો મોટો છે. તેમ છતાં વિસનગર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ પટેલે રથયાત્રાના પ્રારંભે ભગવાનના એક સામાન્ય સેવક બની, આરતી બાદ આરતીની થાળી હાથમાં લઈ લોકોને આરતીના દર્શનનો લાભ કરાવ્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખની સાદગીથી લોકો પ્રભાવિત થયા હતા.

Leave a Reply

Top