You are here
Home > Local News > વિસનગર સિવીલ હોસ્પિટલ સરકાર ચલાવવા માંગતી નથી?

વિસનગર સિવીલ હોસ્પિટલ સરકાર ચલાવવા માંગતી નથી?

ઓ.પી.ડી.બિલ્ડીંગને વહીવટી મંજુરી નહિ તે બતાવે છે કે

વિસનગર સિવીલ હોસ્પિટલ સરકાર ચલાવવા માંગતી નથી?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર સિવીલ હોસ્પિટલના નવીન બનેલ ઓ.પી.ડી.બિલ્ડીંગનો બીજો માળ બાંધવા માટે સરકારમાં નાણા મંજુર થઈ ગયા પછી અચાનક આ કામની ફાઈલ P.U.I. ડીપાર્ટમેન્ટમાં અટકી જતાં કહી શકાય કે સરકાર બિલ્ડીંગમાં નવા પૈસા ખર્ચવા તૈયાર નથી. એટલેકે સરકાર હવે આ હોસ્પિટલ પોતાની પાસે રાખવા માંગતી નથી.
પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર સિવીલ હોસ્પિટલમાં નવીન અદ્યતન ઓ.પી.ડી. બિલ્ડીંગ બન્યા બાદ તેનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના વરદ હસ્તે થયા બાદ થોડા સમય પહેલાં ઓ.પી.ડી. બિલ્ડીંગનો બીજો માળ બાંધવા માટે નાણાં મંત્રાલયે એક કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવ્યાના સમાચારો પ્રસિધ્ધ થતાં વિસનગર પંથકમાં આનંદની લાગણી વ્યાપી હતી. નાણાની મંજુરી મળ્યાબાદ બિલ્ડીંગ બાંધવાની તાંત્રિક કાર્યવાહી ચાલી રહી હતી. તે ફાઈલ તાજેતરમાં એકદમ બંધ થઈ ગઈ છે. P.U.I. ડીપાર્ટમેન્ટમાં આ અંગે તપાસ કરતાં જાણવા મળે છે કે તાજેતરમાં આરોગ્ય કમિશ્નરની વહિવટી મિટીંગ ગાંધીનગરમાં મળી હતી. આ મિટીંગમાં બિલ્ડીંગ બાધવા માટેની વહીવટી મંજુરી આપવામાં આવી નથી. સદર ઠરાવ પેન્ડીંગ રાખવામાં આવ્યો છે. જેના કારણે ઓ.પી.ડી.બિલ્ડીંગનો બીજો માળ બંધાશે નહિ. કોઈપણ મકાન માલિક મકાન વેચવા માટે નિર્ણય લે પછી વધારે પૈસા ખર્ચવાનું ટાળે છે. તે રીતે સરકારે વિસનગર સિવીલમાં પૈસા ખર્ચવાનું માંડી વાળ્યુ છે. તે સાબિત કરે છે કે સરકાર આ સિવીલ હોસ્પિટલ તેમની પાસે રાખવા માંગતી નથી. થોડા સમય પહેલાં વિસનગર પંથકમાં વિસનગર સિવીલ હોસ્પિટલ મેડીકલ કોલેજને સોંપવામાં આવે છે તેવી ચાલેલી અફવા હવે આ સંયોગીક બનાવોથી સાબિત કરે છે કે વિસનગર સિવીલ હોસ્પિટલ મેડીકલ કોલેજને સોંપવાની હિલચાલ ચાલી રહી છે. ગાયકવાડ સ્ટેટ વખતનું વિસનગર પંથકનુ વર્ષો જુનુ સરકારી દવાખાનું ગરીબોની જીવાદોરી સમાન છે. સિવીલ હોસ્પિટલ બન્યું તે વખતે દાતા અને સરકાર વચ્ચે થયેલ કરારમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ હોસ્પિટલ સરકારેજ ચલાવવાનું છે. અને જો સરકાર ન ચલાવી શકે તો દાતાની પ્રોપર્ટી પરત કરવાની છે. સરકાર સિવીલ હોસ્પિટલને મેડીકલ કોલેજને સુપરત કરવાની કાર્યવાહી કરે તો તે સાબિત કરે છે કે સરકાર હોસ્પિટલ ચલાવવા શક્તિમાન નથી. તેથી દાતા અને સરકાર વચ્ચે થયેલ કરાર મુજબ હોસ્પિટલ પ્રોપર્ટી પાછી લેવાનો દાતાનો અધિકાર છે. છેલ્લી મળેલી રોગી કલ્યાણ સમિતીની મિટીંગમાં દાતાના પ્રતિનીધીઓએ હોસ્પિટલ અન્યને સોંપવાના ઉપાડેલા પ્રશ્નમાં આવું કંઈ નથી તેવો ઠરાવ કરાયો હતો અને પછી પાછો વિસનગર સિવીલ હોસ્પિટલ સોંપવાનો મુદ્દો ઉભો થયો છે.

Leave a Reply

Top