You are here
Home > Local News > ભોળાનાથની ભક્તિથી ભીંજવતો પવિત્ર શ્રાવણમાસ

ભોળાનાથની ભક્તિથી ભીંજવતો પવિત્ર શ્રાવણમાસ

ભોળાનાથની ભક્તિથી ભીંજવતો પવિત્ર શ્રાવણમાસ
શ્રાવણ માસ એટલે શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ આ માસમાં ક્યારેય મંદિરે ન જાનારો ભક્ત પણ શિવાલયે જઈને શિવજીની પૂજા-અર્ચના કરે છે. ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. શ્રાવણ માસમાં શિવ મંદીરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રિઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ક્યાંક ક્યાંક ભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા માટે ગંગાજળથી જળાભિષેક કરાય છે. ઘણા શિવમંદિરોમાં પ્રાતઃકાળથી રુદ્રભિષેક કરવામાં આવે છે. રુદ્રભિષેકમાં ગંગાજળ, દૂધ, પંચામૃત, શેરડીનો રસ, મધ, અત્તર ચઢાવવામાં આવે છે. આ માસ દરમિયાન અખંડ દીવો પણ રાખવામાં આવે છે. જેમાં ગાયનુ ઘી શ્રેષ્ઠ છે. જે લોકો આધિ-વ્યાધિ અને ઉપાધિથી પીડાતા હોય તેમને શિવ-પૂજનથી શાંતિ પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસમાં ભક્તો આખો મહિનો ઉપવાસ કે એકટાણાં પણ કરે છે. આમ શિવજીની જેમ તેમના ભક્તો પણ અનોખા છે. બધા જ માસમાં શ્રાવણ માસનું મહત્વ જ અનોખું છે.
• આ વખતે એકમનો ક્ષય હોવાથી શિવપૂજા અષાઢ વદ-૩૦(અમાસ) / ૧(એકમ) ને ગુરુવારથી શરુ કરવાની રહેશે. તારીખ -૧ લી ઓગસ્ટના દિવસે અમાસ સવારે ૮-૪૨ વાગ્યે પૂરી થતી હોવાથી ૧ લી ઓગસ્ટને ગુરુવારે એકમ ગણી શીવપૂજા પ્રારંભ કરવી આ દિવસે ગુરુવારને પુષ્યનક્ષત્ર હોવાથી ‘ગુરુપુષ્યામૃત યોગ’ તેમજ સિધ્ધિયોગ સુર્યોદયથી બપોરે ૧૨-૧૧ સુધી ગણાશે અને પાર્થેશ્વર પૂજાનો પ્રારંભ પણ આજથી ગણાશે…
• શિવલીંગને અભિષેક કરવાથી મળતા ફળો (૧) ચોખા ચઢાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. (૨) બીલીપત્ર ચઢાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. (૩) ડાંગર-જવ ચઢાવવાથી કન્યાની પ્રાપ્તિ થાય છે. (૪) દુર્વા(ધરો) ચઢાવવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. (૫) ઘી ચઢાવવાથી સુખ સમૃધ્ધિની પ્રાપ્તિ થાય છે. (૬) દર્ભ ચઢાવવાથી શત્રુ પર વિજયની પ્રાપ્તિ થાય છે. (૭) ગાયનું ઘી ચઢાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. (૮) જળ ચઢાવવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે. (૯) ગંધ-તેલ-અત્તર ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. (૧૦) પંચામૃત ચઢાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. (૧૧) દૂધ ચઢાવવાથી આયુષ્યની પ્રાપ્તિ થાય છે. (૧૨) દહીં ચઢાવવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે. (૧૩) મધ ચઢાવવાથી પ્રભુને સંતુષ્ટ કરનાર થાય છે. (૧૪) શેરડીનો રસ ચઢાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. (૧૫) શ્રીફળનું પાણી ચઢાવવાથી અલૌક્ય આનંદની પ્રાપ્તિ થાય છે. (૧૬) પિષ્ટ(સુગંધીયુક્ત ફુલ) ચઢાવવાથી દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. (૧૭) આમળાનો રસ ચઢાવવાથી પિતૃઓને શાંતિ પ્રાપ્તિ થાય છે. (૧૮) દ્રાક્ષ ચઢાવવાથી દરિદ્રતા દૂર થાય છે. (૧૯) દાડમ ચઢાવવાથી રાજ્યની પ્રાપ્તિ થાય છે. (૨૦) ગંધોદક ચઢાવવાથી જ્ઞાન-ભક્તિની પ્રાપ્તિ થાય છે.
• રાશિ અનુસાર શિવ – આરાધના
પોતાની રાશિ મુજબ જો જાતક વિશેષ વારે અને વસ્તુથી શિવની આરાધના કરે તો તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને અભીષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. • મેષ-વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળવારના દિવસે લાલ પુષ્પો દ્વારા, • વૃષભ-તુલા રાશિના જાતકોએ શુક્રવારના દિવસે સફેદ વસ્તુ – સફેદ પુષ્પ, દુધ, દહીં વગેરે દ્વારા, • મિથુન-કન્યા રાશિના જાતકોએ બુધવારના દિવસે બીલીપત્ર – આંકડાના ફુલ, ધતુરો, ભાંગ દ્વારા, • કર્ક રાશિના જાતકોએ – સફેદ વસ્તુથી, • સિંહ રાશિના જાતકોએ લાલ વસ્તુ, • ધન-મીન રાશિના જાતકોએ ગુરુવારના દિવસે પીળી વસ્તુ દ્વારા અને • મકર-કુંભ રાશિના જાતકોએ શનિવારના દિવસે કાળા-નિલા પદાર્થો દ્વારા શિવ આરાધના કરવી જોઈએ.
• સુર્યની કૃ૫ા માટે રવિવારે દ્રાક્ષ, ચંદ્રની કૃપા માટે સોમવારે સાકર, મંગળની કૃપા માટે મંગળવારે સોપારી, બુધની કૃપા માટે બુધવારે મોસંબી, ગુરુની કૃપા માટે ગુરુવારે જામફળ, શુક્રની કૃપા માટે શુક્રવારે બીજોરુ, શનિની કૃપા માટે શનિવારે ખારેક, રાહુની કૃપા બુધવારે ટોપરાની કાછલી અને કેતુની કૃપા માટે સોમવારે દાડમ શિવ મંદિરમાં મુકવાથી નવગ્રહોની કૃપા થાય છે. શ્રાવણ માસમાં પૂર્ણ શ્રધ્ધાથી કરેલી પૂજા ચોક્કસથી સુખદ પરીણામ આપે છે.
• શિવલીંગ પર દુધ તાંબાના પાત્રથી ચઢાવવું નહી તાંબાના પાત્રથી જળ ચઢાવવુ અને સ્ટીલની લોટી અથવા ઝરમન-ચાંદીના પાત્રથી દુધ ચઢાવવુ. દુધ + પાણી મીક્ષ કરીને ચઢાવવુ નહીં, પ્રથમ જળ પછી દુધ અને પછી જળ ચઢાવવુ.
• આ વખતે વરસાદ ખેંચાયો છે તો વરસાદનું પાણી લઈ એમાં ગંગાજળ મીક્સ કરીને શિવલીંગ ઉપર ચઢાવવાથી ‘ઈન્દ્ર ભગવાન’ની કૃપા થાય છે.                                                                            – રાજેશકુમાર એ.જોષી (રાજુભાઈ મહારાજ)

જ્યોતિષાચાર્ય, અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટી મેમ્બર ૨૧-એ,લક્ષ્મી સોસાયટી,વિસનગર. મો.૯૮૨૫૯૨૨૨૨૧

Leave a Reply

Top