You are here
Home > Prachar News > ખેરાલુમાં રેલ્વે ફાટકની જગ્યાએ નાળુ બનાવતા પૂર્વના રહીશોનો આક્રોશ

ખેરાલુમાં રેલ્વે ફાટકની જગ્યાએ નાળુ બનાવતા પૂર્વના રહીશોનો આક્રોશ

ખેરાલુમાં રેલ્વે ફાટકની જગ્યાએ નાળુ બનાવતા પૂર્વના રહીશોનો આક્રોશ

• ખેરાલુ શહેર માટેની રેલ્વેની કિન્નાખોરીથી પૂર્વ પટ્ટાના ૧૭ ગામોનો સંપર્ક તુટી જશે
• ટ્રક કે હેવી વાહનો નાળામાંથી કેવી રીતે પસાર થશે?
• વિસનગરના ધારાસભ્ય રેલ્વેના તાલુકાના તમામ ફાટકો યથાવત રખાવી શકતા હોય તો સાંસદ ભરતસિંહ ડાભી કેમ ચુપ?
• વિધાનસભાની પેટા ચુંટણીમાં પૂર્વ પટ્ટાના ગામો ભાજપને મદદ નહી કરે
• ચોમાસામાં ૧૭ ગામોનો ખેરાલુમાં પ્રવેશ બંધ થશે
• ખેરાલુ વેપારી મહામંડળ આ બાબતે નિષ્ક્રિય કેમ?

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેર એ ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓની કિન્નાખોરીનો કાયમ ભોગ બને છે. સરકારી અધિકારીઓની કિન્નાખોરી હોવા છતાં ભોળા મતદારો ખેરાલુ શહેર અને તાલુકામાંથી ખોબલે ખોબલે ભાજપને મત આપે છે. પરંતુ ખેરાલુ શહેરના વેપાર ધંધાને અસર થાય તેવા નિર્ણયોમાં પણ વેપારી મહામંડળ, ભાજપના આગેવાનો ચુપ રહી તે ખેરાલુ શહેરના લોકો સાથેની કિન્નાખોરી સિવાય બીજુ શું કહી શકીએ?
ખેરાલુ શહેરમાં રેલ્વે સ્ટેશન પાસે એકમાત્ર ફાટક વર્ષો જૂની આવેલી છે. આ રેલ્વે લાઈન અંગ્રેજોએ શરુ કરી હતી તે સમયે અંગ્રેજોએ ખેરાલુ શહેરથી પૂર્વ પટ્ટાના ગામોમાં જવા માટે એકમાત્ર ફાટક ચાલુ હતી. હાલના તધલખી સર્વે કરનાર રેલ્વેના અધિકારીઓએ આ ફાટક બંધ કરી તેની જગ્યાએ નાળુ બનાવી દેતા પૂર્વ પટ્ટામાં વસતા ૧૭ ગામોમાં ખેરાલુમાંથી માલસામાન લઈ જવા ઉપર પ્રતિબંધ કર્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. આ સરકાર ખેરાલુ શહેરના લોકોનુ અહિત કરે છતાં ભાજપના કાર્યકરો, નેતાઓ અને સાંસદ ભરતસિંહ ડાભી સરકાર વિરોધમાં એક શબ્દપણ ન કહે તે ક્યાંનો ન્યાય કહેવાય?
ખેરાલુ શહેરના મોટાભાગના નેતાઓ ભરતસિંહ ડાભી સામે રજુઆત કરતા ડરે છે. પ્રજા પણ ચુપ થઈ ગઈ છે ત્યારે ખેરાલુ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દેસાઈએ રેલ્વે ફાટકને યથાવત રાખવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે રણશિંગુ ફૂક્યુ છે. મુકેશભાઈ દેસાઈએ પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ હતું કે, હાલના ખેરાલુ રેલ્વે સ્ટેશન પાસેના ફાટકથી ૧૭ ગામોના લોકો તેમજ તે ગામોમાં જરૂરી માલ સામાન ટ્રકો દ્વારા દરરોજ મોકલવામાં આવે છે. કયા ગામો છે તે જોઈએ તો, ગઠામણ, અંબાવાડા, સમોજા, ગોરીસણા, લાલાવાડા, ચોટીયા, નળુ, કુડા, ઓટલપુર, ગલાલપુર, દેલવાડા, રહેમાનપુરા, સાગથળા, વઘવાડી, અમરપુરા અને ચાડા ગામના લોકો દરરોજ નિયમિત ખેરાલુ આવે છે. વિસનગર વડનગર રેલ્વે લાઈનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયુ છે. વડનગરથી ખેરાલુનું કામ શરુ થયુ છે. ત્યારે ખેરાલુ રેલ્વે સ્ટેશન પાસે અંડર ગ્રાઉન્ડ ડફનાળાનું કામ ચાલુ છે. આ ડફનાળામાંથી ટ્રેક્ટરમાં ઘાસ ભરીને નિકળો તો પણ પસાર થઈ શકાય તેમ નથી. પૂર્વ તરફના ગામડામાં સાગરદાણ, રાસાયણીક ખાતરો, ઘાસચારો તેમજ ગંજબજારમાં લાવવામાં આવતુ અનાજ ભરીને ટ્રકો પસાર થાય છે. રેલ્વેના ડફ નાળામાંથી આ ટ્રકો પસાર થતી બંધ થશે. ખેરાલુ શહેરમાં આવવા માટે સમોજા, સદીકપુર થઈ વે-વેઈટ ચોકડી થઈને પાંચ કીલો મિટરનું મોટુ રાઉન્ડ લગાવીને ટ્રકોને આવવુ પડશે. ચોમાસામાં રેલ્વેના નાળામાં પાણી ભરાઈ રહે ત્યારે બિમાર વ્યક્તિઓને ખેરાલુ લાવવામાં તકલીફ થશે. રેલ્વે સ્ટેશનની દક્ષીણ તરફ નાળુ હતુ તે યથાવત રાખ્યુ છે પરંતુ ઉત્તર તરફ પણ નાળુ બનાવતા વેપારીઓ અને તાલુકાની પ્રજામાં ભારે જન આક્રોશ છે.
વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ જો વિસનગર શહેર અને તાલુકાના તમામ ફાટકો યથાવત રખાવી શકતા હોય તો ખેરાલુના સાંસદ ભરતસિંહ ડાભી કેમ ચુપ છે. ખેરાલુ શહેરના વેપાર ધંધા તોડી નાંખવાનુ આ ષડયંત્ર હોય તેવુ લાગે છે. રેલ્વે નાળાને બનતુ અટકાવી ફાટક મુકવામાં નહી આવે તો આગામી અઠવાડીયા પછી મોટુ જન આંદોલન શરુ થશે. ઉપરોક્ત બાબતે કેન્દ્રની અને રાજ્યની સરકાર ઝડપથી નિર્ણય નહી લેતો આગામી વિધાનસભાની પેટા ચુંટણીમાં પૂર્વ પટ્ટાના ૧૭ ગામોનો રોષ ભાજપને ચુંટણીમાં નડશે. ખેરાલુ વેપારી મહામંડળ, ખેરાલુ પાલિકા આ બાબતે નિષ્ક્રિય હોય તેવુ લાગે છે. માત્ર લોકોને દેખાડવા ખાતર ઈંગ્લીશમાં અરજીઓ કરવાથી પ્રજાનું ભલુ થતુ નથી. નક્કર પરિણામ મળે ત્યાં સુધી સંઘર્ષ કરવા તૈયાર થાવ ત્યારે સાચા પ્રજાના સેવકો કહેવાય તેવુ ચર્ચાઈ રહ્યુ છે.

Leave a Reply

Top