You are here
Home > News > તંત્રી સ્થાનેથી…અલગાવ વાદીઓ ૩૭૦ અને ૩૫A ની કલમ નાબુદીનો વિરોધ કરે છે

તંત્રી સ્થાનેથી…અલગાવ વાદીઓ ૩૭૦ અને ૩૫A ની કલમ નાબુદીનો વિરોધ કરે છે

તંત્રી સ્થાનેથી…

કાશ્મીરનો વિકાસ થશે તો આપણું વર્ચસ્વ જતું રહેશે તેવું સમજતા

અલગાવ વાદીઓ ૩૭૦ અને ૩૫A ની કલમ નાબુદીનો વિરોધ કરે છે

કાશ્મીરમાં કેન્દ્ર સરકાર દ્વારા ભારે સંખ્યામાં લશ્કર ઉતારાયા બાદ કાશ્મીરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભારતની આઝાદી પછી ૭૨ વર્ષથી રજવાડી સગવડો ભોગવનારા નેતાઓ અને અલગાવ વાદીઓમાં ભય પેદા થયો છેકે હવે આપણી હકુમતનો અંત આવી રહ્યો છે. ૩૭૦ અને ૩૫A ની કલમથી જમ્મુ કાશ્મીરના મૂળ નાગરીકોને આગવા અધિકારો મળ્યા છે. આ કલમો રદ થવાથી ભારતનો કોઈપણ નાગરીક કાશ્મીરમાં કાયમી સ્થાયી થઈ શકે. કાશ્મીરમાં નોકરી મેળવી શકે અને રાજ્યમાં મિલકત ખરીદી શકે. અન્ય રાજ્યોના ઉદ્યોગપતિઓ ઔદ્યોગિક રોકાણ કરે તો રોજગારીની તકો વધે, રોકાણકારો ઉદ્યોગો સ્થાપે તો જમીનના ભાવો હાલ છે તેના કરતા ઘણા વધારે વધી જાય તો કાશ્મીરના મૂળ રહીશો સધ્ધર થઈ જાય. ૩૭૦ ની અને ૩૫A ની કલમ રદ થાય તો તેની કાશ્મીરના મૂળ રહેવાસીઓને પડી નથી તેમને અલગાવવાદીઓ દ્વારા ગભરાવામાં આવે છે કે કલમ નાબૂદ થશે તો તમારુ અસ્તિત્વ જોખમાશે. અત્યારે એક અંગ્રેજોના વખતના બનાવને યાદ કરીએ કે તેમના સમયકાળમાં મહેસાણા-તારંગા-અંબાજી આબુ રોડ સુધીનું રેલ્વે નાખવાનું સરવે થયુ હતુ. રેલ્વે દાંતા સ્ટેટમાંથી લઈ જવાની હતી. ઈસ્ટ ઈન્ડીયા કંપનીએ દાંતા સ્ટેટ પાસે રેલ્વે નાંખવાની મંજુરી માંગી ત્યારે એવી લોકચર્ચા છેકે દાંતા દરબારના કેટલાક સલાહકારોએ દરબારને એવી સલાહ આપી કે રેલ્વે આવશે અને તમારા આ વનવાસીઓ તેમાં બેસી અમદાવાદ બોમ્બે જતા થઈ જશે તો તમારી રાજ્ય સત્તા સામે બળવો થઈ શકે છે. આવી સલાહને કારણે દાંતા દરબારની ઈચ્છા હોવા છતાં દાંતા સ્ટેટ ઈસ્ટ ઈન્ડીયા કંપનીને રેલ્વે નાંખવાની મંજુરી ન આપી. આવું કંઈક જમ્મુ-કાશ્મીર માટે છે. અલગાવ વાદીઓએ અને વંશવાદી નેતાઓએ ૭૨ વર્ષ સુધી સગવડો ભોગવી અને પ્રજા ઉપર રાજ કર્યુ છે. કાશ્મીરની પ્રજાને આંગળીએ નચાવી છે. આ બધુ બંધ થઈ જાય એટલે કાશ્મીરના વંશવાદી રાજકીય આગેવાનો અને અલગાવ વાદીઓ ૩૭૦ ની અને ૩૫A ની કલમ દુર કરવા દેવા માંગતા નથી. ત્યાંના આગેવાનો સમજે છેકે બહારના રાજ્યોના ઉદ્યોગપતિઓ અહીં આવીને ઉદ્યોગો સ્થાપશે તો કાશ્મીરમાં રોજગારીની તકો વધશે. બહારના રાજ્યના ઉદ્યોગપતિઓ આવશે. તો જમીનના ભાવો પણ ઉંચા જશે. કાશ્મીરમાં રોજગારીની તકો વધશે. સ્થાનિક યુવાનો નાછૂટકે આતંકવાદનો હાથો બને છે તે બનતા અટકી જશે ઉદ્યોગધંધા વધશે તો લોકો સદ્ધર થશે. અત્યારે કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા પછી ઉમર અબદુલ્લા આવી રીતે કાશ્મીરને પોતાનું રાજ સમજતા મૂઠીભર લોકોનીજ સત્તાનું જોખમ દેખાય છે. તેથી તે કલમ નાબૂદી માટે કાશ્મીરની પ્રજાને ભડકાવી રહ્યા છે. ફારુક અબદુલ્લા તેમના ટીવી ઈન્ટરવ્યુમાં જણાવે છેકે વારંવાર હિન્દુઓ હિન્દુઓની વાતો થાય છે. મુસ્લિમો ક્યાં જાય? ભારત હિન્દુ રાજ્ય છે તેથી હિન્દુઓની જ વાતો થવાની છે. કોઈ મુસ્લિમો જતા રહે તેવુ કહેતુ નથી. પછી ફારૂક અબ્દુલ્લાના આવા કથનો કેમ? પૂર્વ સી.એમ. મહેબુબા મુફતી તો તેમના ટીવી વક્તવ્યમાં જણાવે છેકે ૩૭૦ અને ૩૫A ની કલમ નાબૂદ થશે તો કાશ્મીરની ખીણમાં ભારે વિસ્ફોટ થશે. આવી ધમકીઓ શા માટે? આઝાદી કાળથી લાગુ કરાયેલી બન્ને કલમો કાયમી નથી. તે અસ્થાયી છે ને ગમે ત્યારે નાબૂદ થઈ શકે તેવી જોગવાઈ છે. અને કદાચ જોગવાઈ ન હોય તો પણ કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે આ કલમ કાઢવી જ રહી. તો જ કાશ્મીરમાં આજે નહિ તો ૧૦ વર્ષ પછી ફરી પાછુ અમન આવી શકે છે. અલગાવ વાદીઓ કેમ કલમ નાબૂદ થાય તેવું ઈચ્છતા નથી તે સમજાતું નથી. પાંચ પચીસ અલગાવ વાદીઓ કે જેમણે કોંગ્રેસના રાજ્યમાં ભરપૂર લાભ મેળવ્યા છે. પ્રજા ઉપર રાજ કર્યુ છે. આ અલગાવ વાદીઓ અને મુઠીભર વારસાવાદી નેતાઓને કારણ બે કલમોનો વિરોધ થાય છે. જે દુર થયા પછી કાશ્મીરવાસીઓને જે લાભ થશે તે જોઈએ ત્યાંની પ્રજા અલગાવ વાદીઓને ખોળી ખોળીને કાશ્મીરમાંથી હાંકી કાઢશે.

Leave a Reply

Top