You are here
Home > Prachar News > પ્રમુખના આદેશનુ સુરસુરીયુ-પીઓપીની મૂર્તિઓ વેચાઈ

પ્રમુખના આદેશનુ સુરસુરીયુ-પીઓપીની મૂર્તિઓ વેચાઈ

પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસર વચ્ચે સંકલનના અભાવે

પ્રમુખના આદેશનુ સુરસુરીયુ-પીઓપીની મૂર્તિઓ વેચાઈ

(પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર
પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ પર્યાવરણને નુકશાનકારક પીઓપીની મૂર્તિઓના વેચાણ ઉપર પ્રતિબંધ લાદતો આદેશ કર્યો હતો. પરંતુ ચીફ ઓફીસર સાથેના સંકલનના અભાવે પીઓપીની મૂર્તિઓનુ વેચાણ થતા પ્રમુખના આદેશનુ સુરસુરીયુ થઈ ગયુ હોવાનુ જોવા મળ્યુ હતુ. મકાનભાડા ટીમે મૂર્તિઓ વેચતા અટકાવ્યા હતા. પરંતુ ગરીબ વેપારીઓની રજુઆતથી આ વર્ષ પૂરતી પીઓપીની મૂર્તિઓ વેચવા છુટ આપી હતી.
દશામાનુ વ્રત, ગણેશ ચતુર્થી વિગેરે વ્રત તહેવારોમાં પીઓપીની મોટા પ્રમાણમાં મૂર્તિઓનુ વેચાણ થાય છે. વ્રત બાદ આવી મૂર્તિઓ તળાવ, સરોવર, દરિયામાં પધારાવવામાં આવતી હોવાથી જળ સૃષ્ટી જોખમમાં મુકાતા પર્યાવરણને ભારે નુકશાન થાય છે. પર્યાવરણના હિતમાં વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ શહેરમાં દશામાના વ્રત નિમિત્તે વેચાતી પીઓપીની મૂર્તિઓના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ત્યારે તા.૨૯-૭-૨૦૧૯ ને સોમવારના દિવસથીજ શહેરમાં ગૌરવપથ રોડ ઉપર મોટા સ્ટોલ ઉભા કરી પીઓપીની મૂર્તિઓનુ વેચાણ શરૂ થયુ હતુ. નવાઈની બાબત તો એ હતી કે, પ્રમુખે પીઓપીની મૂર્તિઓના વેચાણ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારે આવી મૂર્તિઓ વેચવા માટે પાલિકા દ્વારાજ જગ્યા ભાડે આપવામાં આવી હતી. જે બતાવતું હતું કે, પ્રમુખના આદેશને પાલિકા તંત્રએ ધ્યાને લીધો નથી.
આ બાબતે ચીફ ઓફીસર સંજયભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતું કે, પીઓપીની મૂર્તિઓનું વેચાણ અટકાવવા પ્રમુખ દ્વારા કોઈ સુચના મળી નથી. ચીફ ઓફીસરે તો પીઓપીની મૂર્તિઓના વેચાણ ઉપર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકતા જે આદેશ કરાયો તેમજ સરકાર દ્વારા પણ આવી મૂર્તિઓનુ વેચાણ અટકાવવા પરિપત્ર કર્યા છે તેનાથી અજાણ હોવાનુ જણાવ્યુ હતુ. પીઓપીની મૂર્તિઓ વેચાતી હોવાનુ પ્રમુખનુ ધ્યાન દોરવામા આવતા પ્રમુખની સુચનાથી બપોર પછી પાલિકાની મકાનભાડા ટીમ ગૌરવપથ ઉપર નીકળી પીઓપીની મૂર્તિઓ વેચતા સ્ટોલ બંધ કરવા વેપારીઓને સુચના આપી હતી.
મકાનભાડા ટીમે મૂર્તિઓ વેચતા અટકાવતા મૂર્તિઓ વેચનાર વેપારીઓ પાલિકા કાર્યાલયમાં પહોચ્યા હતા. જેમની રજુઆત બાદ આ વર્ષ પુરતી મૂર્તિઓ વેચવા છુટ આપવામાં આવી હતી. પર્યાવરણ જાળવણી અને જાગૃતિ માટે પ્રમુખનો પ્રયત્ન સરાહનીય હતો પરંતુ પાલિકા સાથે સંકલન નહિ હોવાથી પ્રમુખનો આદેશ હાસ્યાસ્પદ બન્યો હતો.

Leave a Reply

Top