You are here
Home > News > લંપટ અધિકારીએ બેંકમિત્ર મહિલા પાસે બિભત્સ માગણી કરતા ચકચાર

લંપટ અધિકારીએ બેંકમિત્ર મહિલા પાસે બિભત્સ માગણી કરતા ચકચાર

મહેસાણા મિશન મંગલમ યોજનાની ઓફીસમાં ફરજ બજાવતા

લંપટ અધિકારીએ બેંકમિત્ર મહિલા પાસે બિભત્સ માગણી કરતા ચકચાર

 

• અગાઉ આ અધિકારી બેંકમાં મેનેજર હતો ત્યારે તેમને એક બેંકમિત્રનો હાથ પકડ્યો હોવાનુ મિશન મંગલમ યોજનાના તાલુકા અને જીલ્લાના અધિકારીઓ જાણતા હતા
• પોતાની દિકરી સમાન બેંકમિત્ર મહિલા પાસે બિભત્સ માગણી કરનાર આ હવસખોર અધિકારી સામે કડક પગલા ભરવા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી
• મહેસાણા જીલ્લાની બીજી બેંકમિત્ર બહેનો આ હવસખોર અધિકારીનો શિકાર ન બને તે માટે તેની કરતૂતોનો પર્દાફાશ કરવા નિડર મહિલાએ મોબાઈલમાં પુરાવા એકઠા કર્યા હતા
• આ નીડર મહિલાએ જો હિંમત કરી ન હોત તો બીજી કેટલીય મહિલાઓ આ હવસખોરનો ભોગ બની હોત. આ મહિલા ખરેખર બિરદાવવા લાયક છે

 

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના કાંસા એન.એ.વિસ્તારમાં રહેતા અને મહેસાણા મિશન મંગલમ યોજનાની ઓફીસમાં માઈક્રો ફાયનાન્સ કન્સલ્ટન્ટ તરીકે હંગામી ધોરણે ફરજ બજાવતા ૬૨ વર્ષના અધિકારીએ મિશન મંગલમ યોજના હેઠળ કામ કરતી પોતાની દિકરી સમાન મહેસાણા જિલ્લાના એક ગામની બેંક મિત્ર મહિલા સાથે મોબાઈલ ઉપર બિભત્સ માગણી કરી હતી. ત્યારે બાહોશ મહિલાએ મહેસાણા જીલ્લાની બીજી બેંકમિત્ર બહેનો આ હવસખોર અધિકારીનો શિકાર ન બને તે માટે તેની કરતૂતોનો પર્દાફાશ કરવા પુરાવા સાથે મિશન મંગલમ યોજનાના જીલ્લા અને રાજ્ય કક્ષાના અધિકારીઓને રજુઆત કરી તેને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. જોકે આ બેંકમિત્ર મહિલાને ન્યાય અપાવવા રાજ્ય મહિલા આયોગ તથા મહિલા સંસ્થાઓ આગળ આવીને તપાસ કરે તો ઘણુબધુ બહાર આવવાની શક્યતાઓ છે.
સરકારે ગરીબ અને જરૂરીયાતમંદ મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે મિશન મંગલમ યોજના અમલમાં મુકી છે. આ યોજનાના માધ્યમથી રાજ્યની લાખ્ખો મહિલાઓ આર્થિક રીતે સધ્ધર બની સન્માનભેર જીવી રહી છે. જેમાં મહેસાણા જીલ્લાના એક ગામની મહિલા છેલ્લા ઘણા સમયથી બેંકમિત્ર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. આ મહિલાના ગામમાં થોડા દિવસ પહેલા ક્રેડીટ કેમ્પ યોજાયો હતો. જેમાં આ બેંક મિત્ર મહિલા સાથે અન્ય મહિલાઓ તથા મહેસાણા જીલ્લા મિશન મંગલમ યોજનામાં માઈક્રો ફાયનાન્સ કન્સલ્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી હાજર રહ્યા હતા. ક્રેડીટ કેમ્પ પુરો થતા મહેસાણાના આ અધિકારીએ બેંક મિત્ર પાસે તેમનો મોબાઈલ નંબર માગ્યો હતો. ત્યારે ગામડાની આ સંસ્કારી મહિલાએ પોતાના પિતા તુલ્ય આ અધિકારીને પોતાનો નંબર આપી એક મહેમાનની જેમ ચા-પાણી કરાવવા ઘરે લઈ ગઈ હતી. જ્યાં આ હવસખોર અધિકારીની મહિલા ઉપર નજર બગડી હતી. આમ તો ઢળતી ઉંમરે લોકો સામાજીક પ્રવૃત્તીની સાથે પ્રભુ ભક્તિમાં રસ કેળવતા હોય છે. પરંતુ આ અધિકારીને ઢળતી ઉંમરે વાસના ઉભી થઈ. અને બીજા દિવસે પોતાની દિકરી સમાન મહિલાના મોબાઈલ ઉપર ફોન અને મેસેજ કરી બિભત્સ વાતો શરૂ કરી હતી. આ હવસખોર અધિકારીએ બેંકમિત્ર મહિલાના મોબાઈલ ઉપર બિભત્સ વાતો અને મેસેજ કરતા આ મહિલા ચોંકી ઉઠી હતી. બેંકમિત્ર મહિલા સંસ્કારી અને બાહોશ હોવાથી તેમને મહેસાણા જીલ્લાની અન્ય મહિલાઓ આ હવસખોરનો શિકાર ન બને તે માટે પતિનો સાથ લઈ આ હવસખોર લંપટ અધિકારીને પાઠ ભણાવવાનું નક્કી કર્યુ હતુ. અને મહિલાએ આ લંપટ સાથે માત્ર બે દિવસ મોબાઈલ ઉપર વાતો કરી તેનુ રેકોર્ડીંગ કરી હવસખોર અધિકારીનો નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ આ મહિલાએ આ લંપટની કરતૂતોનો પર્દાફાશ કરવા મિશન મંગલમ યોજનાના D.L.M. અને G.L.P.C. ના જનરલ મેનેજરને રજુઆત કરી આ લંપટ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. આ બનાવની મહિલાના પતિએ પ્રચારને જાણ કરી હતી. ત્યારબાદ મહિલાએ પતિને સાથે રાખી જીલ્લા કક્ષાના અધિકારીને રજુઆત કરતા મહેસાણા D.R.D.A. કચેરીમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મહેસાણા D.R.D.A. ઓફીસના એક મહિલા અધિકારી બેંકમિત્ર મહિલાનુ નિવેદન લેવા તેમના ઘરે ગયા હતા. જ્યાં મહિલાએ પોતાની સાથે થયેલ બિભત્સ વાતોનું રેકોર્ડીંગ સંભળાવતા તેઓ પણ હચમચી ગયા હતા. અગાઉ આ અધિકારી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન તેમને મિશન મંગલમ યોજના હેઠળ કામ કરતી એક મહિલાનો હાથ પકડ્યો હોવાનુ પણ મિશન મંગલમ યોજનાના જીલ્લાના એક અધિકારી અને તાલુકાના કર્મચારી જાણતા હતા. તો પછી તેમને આ લંપટ અધિકારીની મહેસાણા જીલ્લાના માઈક્રો ફાયનાન્સ કન્સલ્ટ તરીકે નિમણુંક થઈ તે વખતે તત્કાલીન ડીડીઓ કે નિયામકશ્રીને ધ્યાન કેમ ન દોર્યુ? આતો આવા લંપટ અધિકારીને મહેસાણા જીલ્લાની આશરે ૧૫૦ બેંકમિત્ર મહિલાનુ નેતૃત્વ સોપવુ એટલે દૂધની ચોકી બિલાડીને સોપવા જેવુ કહેવાય. જો આ લંપટની અગાઉની કરતૂતોની જીલ્લા અને તાલુકાના કર્મચારીએ જીલ્લાના કોઈ અધિકારીને જાણ કરી હોત તો આજે મહેસાણા જીલ્લાની આ મહિલા બેંકમિત્ર સાથે આવો બનાવ બન્યો ન હોત. જોકે આ બેંકમિત્ર મહિલાને ન્યાય આપવા માટે રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર તથા અન્ય મહિલા સંસ્થાઓ આગળ આવી ઉંડી તપાસ કરે તો બીજુ ઘણુ બધુ બહાર આવવાની શક્યતા છે. હાલમાં તો આ બાહોશ અને જાગૃત મહિલા પોતાની નોકરીની પરવા કર્યા વગર પતિને સાથે લઈ આ હવસખોરને પાઠ ભણાવવા રણચંડી બનીને મેદાનમાં ઉતરી છે. જો આ મહિલાએ લંપટ અધિકારીની કરતૂતોનો પર્દાફાશ કરવા હિંમત કરી ન હોત તો જીલ્લાની બીજી કેટલીય મહિલાઓ આ હવસખોરનો ભોગ બની હોત. આ નિડર મહિલાની હિંમત ખરેખર બિરદાવવા લાયક છે. ત્યારે મહેસાણા જીલ્લા અને રાજ્યના અધિકારીઓ આ લંપટ અધિકારી વિરુધ્ધ ક્યારે અને કેવા પગલા ભરે છે તે જોવાનુ જ રહ્યું?

Leave a Reply

Top