You are here
Home > Prachar News > શાસક પક્ષ અને ભાજપના ૧૭ સભ્યોનુ અનોખુ ગઠબંધન

શાસક પક્ષ અને ભાજપના ૧૭ સભ્યોનુ અનોખુ ગઠબંધન

શાસક પક્ષના સભ્યોએ જે ઠરાવોનો વિરોધ લખ્યો તેજ ઠરાવોનો ભાજપના લેટરપેડ ઉપર વિરોધ લખાયો

શાસક પક્ષ અને ભાજપના ૧૭ સભ્યોનુ અનોખુ ગઠબંધન

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પાલિકા પ્રત્યે બેધ્યાન હોય કે ગમે તે હોય પરંતુ ભાજપના સાત સભ્યોએ શાસક પક્ષના વિકાસમંચ અને કોંગ્રેસના દસ સભ્યો સાથે ઠરાવના વિરોધને લઈ હાથ મીલાવતા આ અનોખા ગઠબંધને ભારે ચકચાર જગાવી છે. આવનાર પાલિકા પ્રમુખની ચુંટણીમાં આ નવુ ગઠબંધન કંઈ નવુ કરે તો નવાઈ નહી.
વિસનગર પાલિકામાં ક્યારે કોણ કોની સાથે હોય તે કશુ કહી શકાય નહી. ભાજપને ટેકો આપીશુ નહી અને લઈશુ નહી તેવા જાહેરમાં શપથ લેવાયા હતા. જેનુ અત્યારે કોઈ મહત્વ દેખાતુ નથી. પાલિકાની આ જનરલમાં વિકાસમંચ અને કોંગ્રેસ ગઠબંધનના પરેશભાઈ પટેલ, ફુલચંદભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, પ્રકાશભાઈ દાણી, રંજનબેન પરમાર, પ્રજ્ઞાબેન પટેલ, રાકેશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ સુરભી, જગદીશભાઈ ચૌહાણ તથા મધુબેન ઠાકોર એમ ૧૦ સભ્યોએ ૧૫ ઠરાવો નામંજુર કરવા તેમજ કેટલાક શરતી મંજુર કરવા લેખીતમાં આપ્યુ હતુ. ભાજપના સાત સભ્યોએ પણ સહીઓ કરી કેટલાક ઠરાવો નામંજુર કરવા લેખીત વાંધો આપ્યો હતો. જનરલ પૂર્ણ થયા બાદ ગઠબંધનના દસ સભ્યો અને ભાજપના સાત સભ્યોએ જે ઠરાવો નામંજુર કરવા લેખીત રીપોર્ટ આપ્યો હતો તે બન્ને ઠરાવો એક સરખા જોઈ પાલિકામાં નવુ સમીકરણ રચાયુ હોવાનુ ચર્ચાતુ હતુ.
નોધપાત્ર બાબત તો એ છેકે ૧૨ નંબરનો ઠરાવ ધુળીમાના પરામાં આવેલ જયંતિજી ધુળાજી ઠાકોરનુ મકાન રેગ્યુલાઈઝ કરવા માટેનો હતો. જ્યારે ૮૫ નંબરના ઠરાવમાં પાલિકા સભ્ય અજમલજી ઠાકોરે માગેલી જગ્યાનો હતો. ત્યારે આ બન્ને ઠરાવ નામંજુર કરવાનો ઉલ્લેખ શાસક પક્ષના ૧૦ સભ્યોની સહીઓવાળા પત્રમાં હતો. ત્યારે વધુ નવાઈની બાબત તો એ છેકે ભાજપના સભ્યોએ સહી કરીને આપેલા રીપોર્ટમાં પણ આ બન્ને ઠરાવ નામંજુર કરવા ઉલ્લેખ કરાયો છે. ભાજપના સભ્યોએ કોની દોરવણીથી કોના કહેવાથી અને કોના વિશ્વાસમાં આવી સહીઓ કરી ઠરાવ નામંજુર કરવા રીપોર્ટ આપ્યો તે ચર્ચાનો વિષય બન્યો છે.
પાલિકા પ્રમુખની ચુંટણી આગામી નવેમ્બર માસમાં આવી રહી છે. ધારાસભ્યના મુખ્ય હરિફ પ્રમુખના એક ઉમેદવારને લઈને નિકળ્યા છે. જેમની પાસે ભાજપના બે થી ત્રણ સભ્યો હોવાનુ પણ ચર્ચાય છે. ત્યારે ધારાસભ્યને ઉંઘતા રાખી ૧૫ ઠરાવના વિરોધથી રચાયેલુ આ અનોખુ ગઠબંધન પ્રમુખની ચુંટણીમાં મેદાન મારી જાય તો નવાઈ નહી કહેવાય.

Leave a Reply

Top