You are here
Home > Local News > એસ.ટી.ડેપો જે રીતે બંધ થતો અટકાવ્યો તે રીતે ખેરાલુ રેલ્વે ફાટક માટે શહેર અને તાલુકો આંદોલન તરફ

એસ.ટી.ડેપો જે રીતે બંધ થતો અટકાવ્યો તે રીતે ખેરાલુ રેલ્વે ફાટક માટે શહેર અને તાલુકો આંદોલન તરફ

એસ.ટી.ડેપો જે રીતે બંધ થતો અટકાવ્યો તે રીતે
ખેરાલુ રેલ્વે ફાટક માટે શહેર અને તાલુકો આંદોલન તરફ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં રેલ્વે ફાટકની જગ્યાએ નાળુ બનાવવાનું શરુ કરતા ખેરાલુના પાલિકા તંત્રએ સાંસદ ભરતસિંહ ડાભી સમક્ષ રજુઆત કરી છતા કાઈ પરિણામ ન આવતા લોકો અકળાયા છે. ખેરાલુના ભાજપના આગેવાનો પણ જાહેરમા બળાપો કરતા થઈ ગયા છે. પાલિકાતંત્રએ પણ ઈગ્લીંશમાં પત્ર લખી હાથ ઉંચા કરી દીધા છે. ખેરાલુનું વેપારી મહામંડળ પણ આ બાબતે ખેરાલુ શહેર અને તાલુકાના આગેવાનો જે કોઈ પણ નિર્ણય કરે તેમાં સાથ આપવાની ખાત્રી આપી છે.
ખેરાલુ શહેરમાં આવેલ રેલ્વે ફાટક થઈ ૧૭ ગામોના અવર જવરનો રસ્તો છે. રેલ્વે તંત્રએ ઈરાદાપુર્વક ફાટકની જગ્યાએ નાળુ બનાવી કામ શરૂ કરતા ખેરાલુ શહેર અને તાલુકાના લોકોમાં ભારે ઉશ્કેરાટ જોવા મળ્યો હતો. ખેરાલુ બસ સ્ટેશન વિસ્તાર તેમજ ખેરાલુ મેઈન બજારમાં હાલ તમામ વેપારીઓ રેલ્વે ફાટકના મુદ્દે નારાજ છે. કારણ કે પુર્વ પટ્ટાના તમામ ગામો ખેરાલુ શહેરમાંથી ખરીદી કરે છે. અગાઉ વર્ષો પુર્વે ખેરાલુ એસ.ટી. ડેપોને બંધ કરવાની તજવીજ ચાલતી હતી ત્યારે ખેરાલુ બસ સ્ટેશન વિસ્તારના તમામ વહેપારીઓ સાથે સમગ્ર ખેરાલુ શહેરે સાથ સહકાર આપતા આંદોલન થયુ હતુ. છતા પણ સરકારમાંથી સાચો જવાબ ન મળતા ખેરાલુ રોડ-રેલ્વે એસોસિએશને લડત ઉપાડી હતી. એસ.ટી.ડેપોના મુદ્દે હાઈકોર્ટ સુધી સંઘર્ષ કર્યો હતો. ત્યારે હાલના એસ.ટી.ડેપો બચ્યો હતો. સરકાર સામે લડત કરતા ઉચ્ચ અધિકારીઓએ કિન્નાખોરી રાખી નવો ડેપો બનાવ્યો પરંતુ તેમા જોઈએ તેટલી ગ્રાન્ટ ન ફાળવી અને બીજા શહેરોની જેમ અદ્યતન ડેપો ન બનાવ્યો જે હોય તે પણ એસ.ટી.ડેપો બચી જતા હાલ કાર્યરત છે. હાલનો પ્રશ્ન રેલ્વે ફાટકનો છે. પરંતુ ખેરાલુ રોડ-રેલ્વે એસોશિએશન આ મુદ્દે ખુબ જ નિષ્ક્રીય છે. કારણ શું ? ખેરાલુ શહેરની એસ.ટી.ઓ. ચાલુ બંધ કરાવવા વારંવાર અરજીઓ કરી પેપરમાં પબ્લીસીટી મેળવતા એસોશિએશનના સભ્યો રેલ્વે ફાટક મુદ્દે કેમ ચુપ છે. વર્ષો પુર્વે રેલ્વે બંધ થઈ ત્યારે ખેરાલુ શહેરમાંથી મહેસાણા-તારંગા બ્રોડગ્રેજ રેલ્વે એસોશિએશન દ્વારા ખેરાલુ તાલુકા પંચાયતના હોલમાં મિટીંગ કરી મીટર ગેજમાંથી બ્રોડગેજ માટે આંદોલન કર્યા. હવે જ્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બ્રોડગેજની મંજુરી આપી છે, ત્યારે હવે વડાપ્રધાનનુ ખરાબ દેખાડવા અને ખેરાલુ શહેર અને તાલુકાના લોકોને ઉશ્કેરવા કયા અધિકારીએ ફાટકને નાળામા તબદીલ કરી દીધુું?
પ્રચાર સાપ્તાહિકે ગત અંગમાં છાપેલા સમાચાર પછી અસંખ્ય લોકોના ફોન આવ્યા કે ખેરાલુ શહેર અને તાલુકાના જાગૃત આગેવાનોની સંયુક્ત મીટીંગ બોલાવો. પરંતુ આ રેલ્વે નાળાને ફાટક બનાવવા માટેના આંદોલનની આગેવાની કોણ લેશે? લોકોના મંતવ્ય પ્રમાણે આ મીટીંગ કોણ બોલાવશે તે આગેવાનોએ નક્કી કરવાનું છે. પરંતુ ખેરાલુ માર્કેટયાર્ડ, ખેરાલુ વેપારી મહામંડળ, ખેરાલુ નાગરીક બેંકના ડીરેક્ટરો, ખેરાલુ નગરપાલિકાના સભ્યો, ખેરાલુ તાલુકાના પૂર્વ પટ્ટાના ગામોના સરપંચો, પૂવ પટ્ટાની દુધમંડળીઓના પ્રમુખ તથા મંત્રીઓ, પૂર્વ પટ્ટાની સેવા સહકારી મંડળીઓના પ્રમુખ તથા મંત્રીઓ, પૂર્વ પટ્ટાના ભાજપ – કોંગ્રેસના આગેવાનોની સંયુક્ત મીટીંગ શહેરમાં બોલાવવામાં આવે અને રેલ્વે નાળામાંથી ફાટક બનાવવા રેલ્વે સામે આંદોલન કરવા આગામી રણનીતિ બનાવવી જોઈએ તેવુ લોકોનુ કહેવુ છે.
ખેરાલુ શહેરના તમામ વહેપારીઓ આ બાબતે તમામ રીતે મદદરૂપ થવા તૈયાર છે ત્યારે ખરેખર એક ભવ્ય મીટીંગનુ આયોજન કરવુ જોઈએ. ખેરાલુ તાલુકાના અરઠી જેવા જાગૃત ગામે રેલ્વે ફાટકની જગ્યાએ નાળુ બનાવવા આવેલા કોન્ટ્રાક્ટરને કાઢી મુક્યાનું ચર્ચાતુ હોય તો ખેરાલુ શહેર અને પુર્વ પટ્ટાના ૧૭ ગામોના આગેવાનો નાળુ બનતું અટકાવી ફાટક બનાવવા રેલ્વે સામે લડત આપે તેજ યોગ્ય કહેવાશે. ખરેખર આ બાબતે જવાબદારી કોણ લઈ શકે તે જોઈએ તો ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ કેશુભાઈ ચૌધરી, ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ તથા પાલિકા ઉપપ્રમુખ હેમન્તભાઈ શુકલ, ખેરાલુ પાલિકા પ્રમુખ હીરાબેન ભગુભાઈ પટેલ, ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વીનુભાઈ ચૌધરી, ખેરાલુ તાલુકા કોંગ્રેસના ઈન્ચાર્જ પ્રમુખ પ્રહેલાદજી ઠાકોર, ખેરાલુ તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, ખેરાલુ માર્કટયાર્ડના ચેરમેન ભીખાલાલ ચાચરીયા, મહેસાણા દુધ સાગર ડેરીના વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, સહિત આગેવાનો ભેગા થઈ જવાબદારી પુર્વક મિટીંગ બોલાવી ખેરાલુ તાલુકાના પુર્વે પટ્ટાના ગામો અને ખેરાલુ શહેરનો રેલ્વે ફાટકનો પ્રશ્ન હલ કરે તે વ્યાજબી કહેવાશે.

Leave a Reply

Top