You are here
Home > Local News > ભ્રષ્ટાચાર કરીશુ નહી,ભાજપને ટેકો આપીશુ નહી-કેમ ભુલી ગયા? વિકાસમંચ-કોંગ્રેસના ૪ સભ્યો જાહેરમાં શપથ લઈને ફર્યા

ભ્રષ્ટાચાર કરીશુ નહી,ભાજપને ટેકો આપીશુ નહી-કેમ ભુલી ગયા? વિકાસમંચ-કોંગ્રેસના ૪ સભ્યો જાહેરમાં શપથ લઈને ફર્યા

ભ્રષ્ટાચાર કરીશુ નહી,ભાજપને ટેકો આપીશુ નહી-કેમ ભુલી ગયા?
વિકાસમંચ-કોંગ્રેસના ૪ સભ્યો જાહેરમાં શપથ લઈને ફર્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પહેલા જબાનની કિંમત હતી પરંતુ ઘોર કળીયુગમાં જાહેરમાં લીધેલા શપથની કિંમત રહી નથી. ભાજપને ટેકો આપીશુ નહી, ભ્રષ્ટાચાર કરીશુ નહી તેવા વિકાસમંચ અને કોંગ્રેસના સભ્યોએ જાહેરમાં શપથ લીધા હતા. ત્યારે ભાજપને ટેકાની વાત તો ઘેર રહી પણ આખેઆખા ભાજપમાં પ્રવેશી વિકાસમંચના ૧૭ અને કોંગ્રેસના ૪ સભ્યો જાહેરમાં શપથ લઈને ફર્યા છે. સાથે સાથે પ્રજા સાથે પણ એટલોજ વિશ્વાસઘાત કર્યો છે.
અત્યારે ચુંટણીના સમયે એક વખત નહી પરંતુ બબ્બે વખત પ્રજા સમક્ષ જાહેરમાં શપથ લઈ ફરી જતા પણ વિચાર કરતા નથી. વિસનગર નગરપાલિકાની ચુંટણી સમયે પાટીદાર અનામત આંદોલનનો માહોલ હતો. આવા સમયે ચુંટણીમાં ઉમેદવારી કરનાર વિકાસમંચ અને કોંગ્રેસના ૩૬ સભ્યોમાં મોટાભાગના નવા ચહેરા હતા. પોતાનુ ઘર કે ખાનગી પેઢીનો નહી પરંતુ પાલિકાનો વહિવટ બીનઅનુભવી લોકોને સોપવાનો હતો. ત્યારે સત્તા મેળવવા લોકોનો વિશ્વાસ કેળવવા માટે ગઠબંધનના ૩૬ ઉમેદવારોએ જાહેરમાં શપથ લીધા હતા કે, ‘હું પ્રતિજ્ઞા પૂર્વક સોગંધ ખાઉ છુ કે, વિસનગર નગર સેવાસદનમાં ચુંટાયા પછી ભ્રષ્ટાચાર કરીશ નહી અને કરવા દઈશ નહી. પક્ષ બદલવાની પ્રવૃત્તિ કરીશ નહી અને ભાજપને ટેકો આપીશ નહી કે લઈશ નહી. મારા સગા વ્હાલાઓને કોન્ટ્રાક્ટ આપવાનો પ્રયત્ન કરીશ નહી. પ્રજાના પ્રતિનિધિ તરીકે અમો પ્રજાને અને સંકલન સમિતિને સંપુર્ણ વફાદાર રહીશુુ. અને પ્રજાની સુખાકારી માટે અમારાથી શક્ય એટલા પ્રમાણીક પ્રયત્નો કરીશુ.’
પાલિકાની સત્તા મેળવવા ચુંટણી પ્રચારમાં એક ટાવર ચોકમાં તા.૨૦-૧-૨૦૧૫ ની રાત્રે યોજાયેલ જાહેર સભામાં હજ્જારોની મેદની સમક્ષ ગઠબંધનના આ ઉમેદવારોએ જાહેરમાં શપથ લીધા હતા. જાહેરમાં લીધેલા શપથના નાટક ઉપર વિસનગરની પ્રજાએ વિશ્વાસ મુકી ખોબલે ખોબલે મત આપતા ગઠબંધનના ૨૯ સભ્યો ચુંટાયા હતા. ગઠબંધનના વિજય બાદ ગોવિંદચકલામાં ધીણોજ નાગરીક બેંક આગળના ચોકમાં યોજાયેલ સત્કાર સમારંભમાં પણ વિકાસમંચના ૧૭ અને કોંગ્રેસના ૧૨ સભ્યોએ ફરીથી જાહેરમાં સોગંધ ખાધા હતા.
પરંતુ લાલચમાં આવેલો વ્યક્તિ ખોટુ કરતા રોકી શકતો નથી. તેમ સત્તાની લાલચમાં આવેલો વ્યક્તિ, પોતાની લાલચ અને મહત્વકાંક્ષા સંતોષવા માટે જાહેરમાં લીધેલા સોગંધ તોડવા સામે વિચાર કરતો નથી. પાલિકા પ્રમુખની ચુંટણી આવતા સત્તાની લાલચમાં પોતે જાહેરમાં લીધેલા સોગંધનો પણ ખ્યાલ રાખ્યો નહી અને ભાજપને ટેકો આપવાની વાત તો એક બાજુ રહી પરંતુ આખેઆખા ભાજપમાં ઘુસી ગયા છે. પ્રજાનો વિશ્વાસ તોડનાર આ સત્તા લાલચુઓ સામે હવે તો ટીખ્ખળ ખોર મશ્કરી કરી રહ્યા છેકે, “ભાજપને ટેકો નહી આપવા સોગંધ લીધા હતા, ભાજપમાં પ્રવેશ નહી કરવો તેવા સોગંધ ક્યાં લીધા હતા?” લોકો પ્રશ્ન કરી રહ્યા છેકે, જાહેરમાં બબ્બે વખત સોગંધ લઈ પ્રજાને વિશ્વાસ આપ્યો હતો. ત્યારે પ્રજાના વિશ્વાસને ઠોકર મારી કેટલામાં સોદો કર્યો તેવુ ચર્ચાય છે.
પાલિકાની આ ચુંટણીમાં કોઈ પાર્ટીએ મેન્ડેટના નામે ઠોકી બેસાડેલા ઉમેદવારો નહોતા, પરંતુ ચુંટણી પહેલા વિકાસમંચ દ્વારા વોર્ડ વાઈઝ મીટીંગો કરવામાં આવી હતી. અને આ વિકાસમંચે સારા વહિવટનો વિશ્વાસ આપી દરેક વોર્ડના મતદારોને પોતાનો ગમતો ઉમેદવાર આપવા જણાવ્યુ હતુ. જેથી વોર્ડના મતદારોની પસંદગીના ઉમેદવાર ચુંટાયા હતા ત્યારે ભાજપમાં ગયેલા ગઠબંધનના આ સભ્યોએ ભાજપમાં જોડાતા પહેલા પોતાના વોર્ડની પ્રજાને પણ પુછવાનુ મુનાસીબ લાગ્યુ નહી અને સત્તાના નશામાં મનસ્વી રીતે નિર્ણય લઈ ભાજપમાં જોડાઈ ગયા છે.
દર વખતે પાલિકાની ચુંટણીમાં શહેરના આગેવાન બની સ્વચ્છ અને સારો વહિવટ આપવાની સુફીયાણી વાતો કરવા કહેવાતા નેતાઓ બીલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે. પાંચ વર્ષ સુધી ક્યાંય સ્ટેજ કે માઈક મળ્યુ ન હોય એટલે સ્ટેજ અને માઈક મળતા મોટા મોટા ભાષણો અને નકલી વિચારો જાહેર કરી મતદારોને ભરમાવે છે. સંકલન સમીતીના આ સભ્યો પણ અત્યારે નિરંકુશ બનેલા સભ્યોના કારણે સંતાઈ ગયા છે. જાહેરમાં સોગંધ લઈ ફરી જતા લોકોને અને ચુંટણી વખતે આગેવાની કરવા નીકળ્યા બાદ ઘર પકડી બેસી જતા આગેવાનોને ઓળખવાની જરૂર છે.

Leave a Reply

Top