You are here
Home > Local News > મનુભાઈ નાયકની શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે પસંદગી

મનુભાઈ નાયકની શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે પસંદગી

ગુજરાત રાજ્યમાં વિસનગરને ગૌરવ અપાવતા ના.મ.નુતન સર્વ વિદ્યાલયના આચાર્ય

મનુભાઈ નાયકની શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે પસંદગી

(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરની નામાંકિત શાળા ના.મ.નુતન સર્વ વિદ્યાલય ખાતે છેલ્લા ૩૦ વર્ષથી શિક્ષણ સેવા યજ્ઞમાં જોડાયેલા અને તેમાંય ૮ વર્ષથી શાળાના આચાર્ય તરીકે સારી નામના મેળવનાર મનુભાઈ એસ નાયકને વર્ષ-ર૦૧૯ માટે માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક આચાર્ય વિભાગના “શ્રેષ્ઠ શિક્ષક” રાજ્ય પારિતોષિક માટે પસંદગી પામ્યા છે. તે બદલ વિસનગર શહેર તેમજ તાલુકાના બુધ્ધિજીવીઓ, કેળવણીકારો, પ્રજાજનો તેમજ પ્રચાર સાપ્તિહક ખુબ જ ગૌરવની લાગણી અનુભવે છે.
વિસનગર તાલુકાના સવાલા ગામમા ગરીબ પરિવારમાં જન્મેલા મનુભાઈ એસ.નાયક શરૂઆતથી જ ભણવામાં ખુબજ તેજસ્વી હતા. જેમણે વર્ગમાં કદી બીજો નંબર જોયો નથી. ધો.૧ર સામાન્ય પ્રવાહમાં નુતન સર્વ વિદ્યાલય ખાતે વર્ષ-૧૯૮રમાં શાળામા પ્રથમ આવેલા. આમ તેમની સમગ્ર શૈક્ષણિક કારર્કિદી ઉજ્જવલ રહી છે. અંગ્રેજીના શિક્ષક તરીકે સમગ્ર પંથકમાં સારી લોકચાહના હાંસલ કરેલ છે. આચાર્ય તરીકે સુકાન સંભાળતા શાળામા શિક્ષકો તથા વિદ્યાર્થીઓમાં પ્રગતિના નવા પ્રાણ ફુંકાયા. શાળાના પરિણામમાં તેમજ ઈત્તર પ્રવૃત્તિઓમા નામના પ્રાપ્ત કરી આચાર્ય એમ.એસ.નાયકના માર્ગદર્શનમાં વિજ્ઞાન મેળામાં નુતન હાઈસ્કુલમાં બે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાના સાયંન્સ ફેરમાં ભાગ લીધો હતો. જુડો સ્પર્ધામાં તેમની શાળાનો વિદ્યાર્થી રાજ્યકક્ષાએ સતત ત્રણ વર્ષ સુધી ગોલ્ડ મેડલ મેળવેલ છે. ઈન્સાયર એવોર્ડમા ગુજરાતમાંથી તેમની શાળાનો વિદ્યાર્થી પસંદગી પામેલ. પ્રખરતા શોધ કસોટીમાં રાજ્યકક્ષાએ ત્રણ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યા. સ્કાઉટ-ગાઈટ ટીમ ગત વર્ષે જિલ્લામાં ચેમ્પિયન બની. આમ તેમના માર્ગદર્શનમા શાળા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સારુ પ્રદાન કર્યુ છે.
સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિમાં સુંદર કામગીરી બદલ રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલીજીના હસ્તે ર૦૧૬મા ‘થેક્સ બેજ એવોર્ડ’ મેળવેલ જનરલ નોલેજમાં ઓલ ઈન્ડીયા ફાઉન્ડેશન હૈદરાબાદ દ્વારા બેસ્ટ ટીચરનો એવોર્ડ ર૦૦૧માં મેળવેલ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિપ્રાયની પહેલને નુતન દ્વારા હસનપુર ગામને છ મહિના સુધી સ્વચ્છતા માટે દત્તક લઈ બેનમુન સેવા બજાવી હતી. નુતન કેળવણી મંડળના પ્રમુખશ્રીએ મેઘા ડેન્ટલ ચેકઅપનો ગ્રીનીજ વર્લ્ડ રેકોર્ડ કર્યો. તેમાં વિદ્યાર્થી સંખ્યા સંચાલનની પાયાની કામગીરી સુંદર રીતે પાર પાડી હતી. સાયન્સ કાર્નીવલ જેવા મંડળમાં પ્રોગ્રામમાં સક્રીય કામગીરી કરી હતી. પુર, આફત કે મુશ્કેલીના સમયે આર્થિક મદદમાં પણ શાળા અગ્રેસર રહી છે.
આમ શિક્ષણ ઉપરાંત સમાજ સેવાના કાર્યોમાં પણ તેમનું યોગદાન પ્રશંસનીય રહ્યુ છે. બાળકોના સર્વાગી વિકાસમાં સંકલ્પપત્રોનો તેમનો અભિયાન શિક્ષણમા નવો રાહ ચીંધે છે. પાણી બચાવો, વીજળી બચાવો, સ્વચ્છતા રાખોના અભિયાને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ વિશે નવી વિચારધારા પ્રગટાવી છે. સાહિત્યમા તેમની અનેક કવિતાઓ જુદાજુદા સામયિકોમાં પ્રકાશિત થયેલ છે. નુતન જ્ઞાનદીપ સામયિકમાં સહતંગી તરીકે સારી સેવા બજાવી રહ્યા છે. આમ બહુમુખી પ્રતિભા ધરાવતા, શિક્ષક-વિદ્યાર્થી પ્રિય હંમેશા વિદ્યાર્થીના વિકાસમાં રસ લેતા કર્મશીલ, નિષ્ઠાવાન, આચાર્ય મનુભાઈ એસ.નાયકને શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદગી થયેલ છે. તે ખરેખર યથાર્થ છે. વિસનગરના ગૌરવ સમાન છે. તેમને ઉજ્જવલ ભવિષ્યની શુભકામનાઓ પાઠવીએ.

Leave a Reply

Top