You are here
Home > Local News > અંબાજી સેવા કેમ્પ માટે લોકો સ્વચ્છતા કરે છે, જ્યારે વિસનગર સેવા કેમ્પની જગ્યામાં ગંદકી દેળીયા તળાવના અસ્તિત્વ સામે પાલિકા વિકાસના કાટમાળથી ખતરો

અંબાજી સેવા કેમ્પ માટે લોકો સ્વચ્છતા કરે છે, જ્યારે વિસનગર સેવા કેમ્પની જગ્યામાં ગંદકી દેળીયા તળાવના અસ્તિત્વ સામે પાલિકા વિકાસના કાટમાળથી ખતરો

અંબાજી સેવા કેમ્પ માટે લોકો સ્વચ્છતા કરે છે, જ્યારે વિસનગર સેવા કેમ્પની જગ્યામાં ગંદકી
દેળીયા તળાવના અસ્તિત્વ સામે પાલિકા વિકાસના કાટમાળથી ખતરો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા દ્વારા દેળીયા તળાવમાં પાણી લાવવાના કોઈ પ્રયત્ન થતા નથી. ત્યારે તળાવના આવરાનો ભાગ ચોખ્ખો રહે તે માટેની તકેદારી પણ રાખવામાં આવતી નથી. પાલડી ત્રણ રસ્તા પાસે તળાવમાં પાણીની આવક કરતુ નાળુ આવેલુ છે. જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકા વિકાસ કામગીરીનો આડેધડ કાટમાળ નાખવામાં આવતા નાળુ પુરાઈ જાય તેવી પરિસ્થિતિ ઉદ્‌ભવી છે. ભાદરવી પુનમનો અહી કેમ્પ થાય છે, ત્યારે સેવા કેમ્પનો પણ પાલિકા કે કોન્ટ્રાક્ટર દ્વારા વિચાર કરવામાં આવ્યો નથી.
વિસનગરની કમનસીબી છેકે ડેમના ઓવરફ્લોથી ઐતિહાસીક દેળીયુ તળાવ ભરવાની કોઈ વ્યવસ્થા નથી. ફક્ત વરસાદી પાણીની આવક થાય તોજ તળાવ ભરાય તેમ છે. તળાવમાં પાલડી રોડ ઉપરની સાઈડમાં આવેલ ચોકડીઓમાંથી પાણીની આવક થાય છે. જ્યારે બીજી આવક છબીલા હનુમાન મસ્તાનનગર પાછળના નેળીયામાંથી થાય છે. પાલડી રોડ ઉપરનુ વરસાદી પાણી પાલડી ત્રણ રસ્તા નાળામાંથી પસાર થઈ બીજી તરફ લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની બાજુમાંથી તળાવ તરફ જાય છે. પાલડી રોડ ઉપરનુ વરસાદી પાણી નાળામાંથી પસાર થાય છે ત્યારે ચોકાવનારી બાબત છેકે આ નાળામાં વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પ્રમાણમાં કાટમાળ ઠાલવવામાં આવી રહ્યો છે. અત્યારે વિકાસ કામના કાટમાળના નાળાની બાજુમાં ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. કોન્ટ્રાક્ટરોને કાટમાળ નાખવા રોકવામાં નહી આવે અને આવીજ પરિસ્થિતિ થતી રહેશે તો નાળુ પુરાઈ જશે અને દેળીયા તળાવમાં પાણીની આવક અટકી જશે. દેળીયા તળાવમાં પાણી રહેશે ત્યાં સુધી લાલ દરવાજા વોટર વર્કસના વોરા કુવામાં પાણી રહેશે. અત્યારે પાલિકા દ્વારા વોરા કુવાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તળાવમાં પાણીની આવક રોકાય નહી તેની તકેદારી પાલિકા તંત્ર નહી રાખે તો કોણ રાખશે? આ વિસ્તાર વોર્ડ નં.૧ માં આવે છે ત્યારે આ વોર્ડના સભ્યોએ આ સ્થળનુ મુલાકાત લઈ પરિસ્થિતિનો ખ્યાલ મેળવી કાટમાળ નાખતા કોન્ટ્રાક્ટરને ખખડાવવા જોઈએ તેમજ તળાવના આવરા સાફ રહે તે દેખરેખની જેની જવાબદારી આવે છે તે પાલિકા કર્મચારીના કાન મરડવા જોઈએ. આ બાબતે પાલિકા તંત્ર જાગૃત નહી રહે તો તળાવમાં પાણી લાવતા બે ભાગમાંથી એક ભાગ કાયમ માટે બંધ થઈ જશે. શહેરનું પાણી શહેરમાં રહે તે માટે એક બાજુ પાલિકા દ્વારા જળશક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે શહેરના તળાવમાં આવતા પાણીને અટકાવતી પ્રવૃત્તિ બાબતે પાલિકા કેમ ધ્યાન આપતુ નથી?
પાલિકા કોન્ટ્રાક્ટર અને કર્મચારીની અંદરોઅંદરની સમજુતીથી પાલડી ત્રણ રસ્તા પાસે જ્યાં કાટમાળ નાખવામાં આવે છે ત્યાં ભાદરવી પુનમ નિમિત્તે સેવા કેમ્પ થાય છે. ત્યારે કાટમાળના ઢગલા જોતા ચા-પાણી નાસ્તો અને આરામ કરવાનો આ કેમ્પ આ વખતે થાય તેમ જણાતુ નથી. લોકો ભાદરવી પુનમના સેવા કેમ્પ માટે સ્વખર્ચે સ્વચ્છતા કરી કેમ્પ માટે મદદરૂપ થાય છે. ત્યારે વિસનગરમાં પાલિકાનીજ મીઠી નજર તળે કોન્ટ્રાક્ટર દ્વારા સેવા કેમ્પના સ્થળે કાટમાળ નાખી ગંદકી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Top