You are here
Home > Local News > કોન્ટ્રાકટર પોતાની ઈચ્છા પુરી કરે તે માટે વિકાસકામોમાં ગેરરીતિના નામે વિસનગર તાલુકા પંચાયતમાં અરજી માસ્ટરોનો ત્રાસ-કર્મચારીઓને જલસા

કોન્ટ્રાકટર પોતાની ઈચ્છા પુરી કરે તે માટે વિકાસકામોમાં ગેરરીતિના નામે વિસનગર તાલુકા પંચાયતમાં અરજી માસ્ટરોનો ત્રાસ-કર્મચારીઓને જલસા

કોન્ટ્રાકટર પોતાની ઈચ્છા પુરી કરે તે માટે વિકાસકામોમાં ગેરરીતિના નામે
વિસનગર તાલુકા પંચાયતમાં અરજી માસ્ટરોનો ત્રાસ-કર્મચારીઓને જલસા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના ખંડોસણ અને દઢિયાળ ગામમાં સરકારની ૧૪મા નાણાપંચ હેઠળ મંજુર થયેલા વિકાસ કામોમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીની મીલીભગતથી વિકાસકામોમાં ગેરરીતી થઈ હોવાના આક્ષેપ સાથે બન્ને ગામના અરજદારોએ તાલુકા પંચાયતમા લેખિત રજુઆત કરી હતી. જેમા કોન્ટ્રાક્ટરે ખંડોસણના અરજદારની ઈચ્છા પુરી કરતા તેમને અરજી પાછી ખેંચી લઈ કોન્ટ્રાક્ટરનું બિલ મંજુર કરવા સંમતિ આપી હતી. જયારે દઢિયાળના વિકાસ કામોમાં વિસનગર તાલુકા પંચાયતના કર્મચારીઓએ રોજકામના આધારે કોન્ટ્રાક્ટરનું બિલ મંજુર કરવાની કાર્યવાહી કરતા તાલુકા પંચાયતના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતની લોકોમાં શંકા ઉભી થઈ છે. ત્યારે જીલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરી ખોટા અરજી માસ્ટરો અને ભ્રષ્ટ્રાચારી કર્મચારીઓ સામે કડક પગલા ભરવા જોઈએ.
સરકાર કોઈપણ પ્રકારનો દ્રેષભાવ રાખ્યા વગર દરેક ગામના વિકાસ કામો માટે સરપંચની રજુઆત પ્રમાણે ગ્રામ પંચાયતને ગ્રાન્ટ ફાળવે છે. જેમા વિસનગર તાલુકાના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ અને ગામના સરપંચોની જાગૃતતાના લીધે સરકારે તાલુકાના ગામડાઓમાં રોડ, ગટરલાઈન, પેવરબ્લોક, સંરક્ષણ દિવાલો, પાઈપ લાઈન, શૌચાલયો જેવા અન્ય વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી છે. સરકારી ગ્રાન્ટોમાંથી ગામડાઓમાં વિકાસકામો પણ થઈ રહ્યા છે. પરંતુ કેટલાક ગામના અરજી માસ્ટરો પોતાના અંગત ફાયદા માટે વિકાસ કામોનું બિલ અટકાવવા માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયતમાં અરજીઓ કરી ગામનો વિકાસ રૂધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમા વિસનગર તાલુકાના ખંડોસણ ગામના ચાવડા ચંદ્રકાન્તભાઈ હરજીવનભાઈએ સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી ગામમાં બનાવેલ સી.સી.રોડ, ગટરલાઈન તથા પેવર બ્લોકમાં ગેરરીતી થઈ હોવાના આક્ષેપ સાથે તો ૮-૮-ર૦૧૯ના રોજ વિસનગર તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી હતી. જેના કારણે કોન્ટ્રાકરનું કુલ આશરે રૂા. ર૩ લાખ જેટલુ બિલ અટક્યુ હતું ત્યારે કોન્ટ્રાક્ટરે તાલુકા અને જીલ્લાના કોંગ્રેસના બે આગેવાનોની મદદથી અરજદારની ઈચ્છા પુરી કરતા તેમને વિકાસ કામોનું બિલ મંજુર કરવા તાલુકા પંચાયતમાં લેખિત સમંતિ દર્શાવી હતી. આ ઉપરાંત દઢિયાળ ગ્રામ પંચાયતના સભ્ય ચૌધરી ગોંવિદભાઈ મુળજીભાઈએ ૧૪માં નાણાપંચના વિકાસકામોમાં ગામમા કોન્ટ્રાકટર દ્વારા પેવર બ્લોક નાખવાની કામગીરી ઉતરતી કક્ષાની હોવાનું તેમજ વરસાદી પાણીના નિકાલ અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર કરવામા આવ્યુ હોવાની તેમજ તાલુકા પંચાયતના જવાબદાર કર્મચારીની મિલીભગત અને ભ્રષ્ટાચારથી ફેબ્રુઆરી-ર૦૧૯ની વહીવટી મંજુરી પેન્ડીંગ રાખીને ચુંટણી આચાર સંહિતા દરમિયાન છેલ્લા દિવસોમાં પીવાના પાણીની પ્રાથમિકતા આપ્યા વગર સરપંચ દ્વારા લાગતા વળગતા માણસો પાસે વિકાસ કામો કરાવ્યા હોવાની ટી.ડી.ઓ. સમક્ષ લેખિત રજુઆત કરી હતી. વધુમાં અરજદારે ગામમાં થયેલા વિકાસ કામોની માહિતી માંગી તાલુકા પંચાયતના વહીવટીતંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કર્યા પછી પોતાને સંતોષ થયા બાદ કોન્ટ્રાક્ટરનું બિલ ચુકવવા રજુઆત કરી હતી. જેમાં તાલુકા પંચાયતના જવાબદાર કર્મચારીઓ તપાસ કર્યા વગર વિકાસકામોના બિલનું ચુકવણુ કરશે તો તેઓ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનું માની નામદાર હાઈકોર્ટમાં જવાની ચિમકી ઉચ્ચારી હતી. જોકે તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી અને કર્મચારીઓએ શંકરભાઈ ચૌધરી તથા કેટલાક રહીશોની સહીઓવાળા રોજકામના આધારે કોન્ટ્રાક્ટરનું આશરે ૧૪ લાખ જેટલુ બિલ મંજુર કરવાની કાર્યવાહી કરી હતી. જો કે અરજદાર ગોવિંદભાઈ ચૌધરીએ વિકાસ કામોનું બિલ મંજુર કરવા તાલુકા પંચાયતમાં કોઈ લેખિત સંમતી આપી ન હોવાનું ટી.ડી.ઓ. બી.એસ.સથવારા તથા નાણાપંચના કર્મચારી દિનેશભાઈ ચૌધરીએ પ્રચારને જણાવ્યુ હતુ. બીજીબાજુ આ બાબતનો અહેવાલ પ્રચારમા પ્રસિધ્ધ થશે તેવી દઢિયાળ સરપંચ શંકરભાઈ ચૌધરી તથા કોન્ટ્રાક્ટર રણછોડભાઈ ચૌધરીને જાણ થતા તેમને અહેવાલ પ્રસિધ્ધ ન થાય તે માટે પ્રયત્નો કર્યા હતા. તાલુકા પંચાયતમા કારોબારી ચેરમેનનો મહત્વનો હોદ્દો વહીવટી સુઝ ધરાવતા ડેલીગેટને આપવામાં આવે છે. જેમાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ભાજપના કારોબારી સમીતીના ચેરમેન તરીકે ભરતભાઈ પટેલ હોદ્દો સંભાળી રહ્યા છે. પરંતુ ભાજપના આ કારોબારી ચેરમેનને તાલુકા પંચાયતમાં શું થઈ રહ્યુ છે તેની કંઈ ખબર નથી. જ્યારે તાલુકા પંચાયતમાં આખી બોડી કોંગ્રેસની હતી ત્યારે કોંગ્રેસના તત્કાલિન સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ગોવિંદભાઈ પટેલ (તલાટી) પોતાના પક્ષના હોવા છતાં તાલુકા પંચાયતમાં શું રંધાઈ રહ્યુ છે તેનુ ધ્યાન રાખતા હતા. ત્યારે ટી.ડી.ઓ. અને ડી.ડી.ઓએ વિસનગર તાલુકાના ગામોમાં વિકાસની વાતો કરી પોતાની ખિચડી પકવતા લેભાગુ અરજી માસ્ટરો સામે કાયદાકીય પગલા ભરવા જોઈએ. જોકે ખંડોસણના અરજદાર સરપંચે પોતાનો વિસ્તારનો રોડ ફરીથી બનાવવાની ખાત્રી આપતા અરજી પાછી ખેચી હોવાનુ જણાવી રહ્યા છે.

Leave a Reply

Top