You are here
Home > Local News > જાહેરમાં વચનો આપી પાલન નહી કરવાનુ કોઠે પડી ગયુ કે શુ? ચોમાસુ શરૂ થયુ-પાણી કાપનુ વચન પ્રમુખ નિભાવશે?

જાહેરમાં વચનો આપી પાલન નહી કરવાનુ કોઠે પડી ગયુ કે શુ? ચોમાસુ શરૂ થયુ-પાણી કાપનુ વચન પ્રમુખ નિભાવશે?

જાહેરમાં વચનો આપી પાલન નહી કરવાનુ કોઠે પડી ગયુ કે શુ?
ચોમાસુ શરૂ થયુ-પાણી કાપનુ વચન પ્રમુખ નિભાવશે?
(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
વિસનગર પાલિકા પ્રમુખ દ્વારા ચોમાસુ શરૂ થાય નહી ત્યાં સુધી આતરે દિવસે પાણી આપવામાં આવશે તેવુ કહી પાણી કાપ શરૂ કરાયો હતો. ચોમાસુ બરોબરનું બેસી ગયુ છે. વરસાદની હેલી થઈ ગઈ છે ત્યારે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી પાણી કાપ બંધ કરવાનુ વચન નિભાવશે ખરાં? કે પછી જાહેરમાં સ્ટેજ ઉપરથી વચનો આપી પાલન નહી કરવાનું કોઠે પડી ગયુ છે?
વિસનગર પાલિકાના ગઠબંધને લોકો સાથે વિશ્વાસઘાતનુ પાપ કરતા, લોકોને આપેલા વચનોનુ પાલન નહી કરવાનુ પાપ કરતા આવા પાપના ભારના કારણે ગઠબંધન પડી ભાગ્યુ છે. તેમ છતાં વિવિધ બાબતોમાં ઠાલા વચનો અને લાલચો આપી કેવી રીતે વોટ બટોરવામાં આવ્યા તે યાદ તો કરાવવુજ પડે. એક દિવસનો પાણી કાપ દુર કરી નિયમિત પાણી આપવાનુ વચન આપનાર ગઠબંધને આતરે દિવસે પાણી આપવાનો નિર્ણય કર્યો હતો. ગણ્યાંગાઠ્યાં સભ્યોનોજ આ નિર્ણય હતો. ત્યારે સત્તા માટે જુથવાદ કરતા સભ્યોએ પ્રમુખ તથા તેમના સાથી સભ્યોના નિર્ણયનો વિરોધ કર્યો નહોતો. પ્રમુખે આતરે દિવસે પાણીકાપનો અમલ કરતા જણાવ્યુ હતું કે, ચોમાસુ શરૂ નહી થાય ત્યાં સુધી પાણી કાપ રહેશે. ધરોઈ દ્વારા પુરતા પ્રમાણમાં પાણી આપવામાં નહી આવતા આ નિર્ણય કરવો પડ્યો છે. વિસનગરની જનતાને પણ ગઠબંધનના શાસનના જોહુકમી ભર્યા નિર્ણયો સહન કરવાની આદત પડી ગઈ હોય તેમ ચુપચાપ આતરે દિવસેના પાણીકાપના નિર્ણયને સહનશીલતા દાખવી સ્વિકારી લીધો હતો. આખો ઉનાળો આતરે દિવસના પાણી કાપમાં લોકો એટલા માટે પસાર કર્યો કે બે-ત્રણ માસ માટેજ આ નિર્ણય છે. ચોમાસુ શરૂ થશે એટલે ફરીથી રોજીંદા પાણી પુરવઠો શરૂ થઈ જશે.
પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી નિર્ણયો અને હુકમો કરી ભુલી જતા હોય તેમ લાગે છે. ચોમાસુ શરૂ થઈ ગયુ છે. હવે તો ચોમાસુ બરાબરનુ જામી ગયુ છે. હેલી પણ કરી છે. ત્યારે પ્રમુખને ચોમાસુ કેમ દેખાતુ નથી? વિસનગરની પ્રજાને આતરે દિવસના પાણીકાપના શ્રાપમાંથી ક્યારે મુક્ત કરશે. અત્યારે તો પાલિકામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કોંગ્રેસ અને વિકાસમંચનુ ગઠબંધન બહુમતીમાં હતુ. હવે અત્યારે કોંગ્રેસ લઘુમતીમાં છે. ભાજપ બહુમતીમાં છે. પાલિકામાં ૨૮ સભ્યો સાથે ભાજપની બહુમતી છે. પ્રમુખ તથા સભ્યોએ ધરોઈ જુથ દ્વારા વિસનગરને જરૂરીયાત મુજબનો પુરતો પાણીનો જથ્થો મળે તે માટે ધારાસભ્ય સમક્ષ રજુઆત કરવી જોઈએ. ગોવિંદભાઈ ગાંધી વિકાસમંચના પ્રમુખ હોવાથી સરકારમાં તેમનુ ન સંભળાય તે બનવા જોગ છે. પરંતુ હવે ગોવિંદભાઈ ગાંધી ભાજપના બોર્ડના પ્રમુખ છે. વિસનગરને પુરતા પ્રમાણમાં પાણી મળે તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તથા ઉચ્ચકક્ષાએ ધારદાર રજુઆત કરવી જોઈએ. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીને સમજ ન હોય તો તેમના સમાજનાજ અઢી વર્ષ વૉટર વર્કસ કમિટિના ચેરમેન રહી લોકોને નિયમિત પાણી આપનાર, પાલિકાના પૂર્વ પ્રમુખ ગીરીશભાઈ પટેલ પાસેથી પણ સલાહ સુચન લઈ શકે છે. આતરે દિવસે પાણી કાપના ખોટા નિર્ણયનો માર વિસનગરની જનતાએ ઘણો સહન કર્યો. ત્યારે હવે ભાજપનુ બોર્ડ બન્યુ છે ત્યારે ધારાસભ્યએ પણ લોકોને નિયમિત પાણી મળે તે માટે ચર્ચા વિચારણા કરવી જોઈએ.

Leave a Reply

Top