You are here
Home > Local News > ધારાસભ્ય ઋષિભાઈ પટેલે સિંચાઈ વિભાગમાં રજુઆત કરી પીંડારીયુ-હુહુ તથા દેપલ તળાવ નર્મદા નિરથી ભરાશે

ધારાસભ્ય ઋષિભાઈ પટેલે સિંચાઈ વિભાગમાં રજુઆત કરી પીંડારીયુ-હુહુ તથા દેપલ તળાવ નર્મદા નિરથી ભરાશે

ધારાસભ્ય ઋષિભાઈ પટેલે સિંચાઈ વિભાગમાં રજુઆત કરી
પીંડારીયુ-હુહુ તથા દેપલ તળાવ નર્મદા નિરથી ભરાશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં નહીવત વરસાદના કારણે તળાવો ભરાયા નથી. તળાવો ભરાશે તો પાણી ભુગર્ભમાં ઉતરશે અને શહેરના ટ્યુબવેલ જીવંત રહેશે. નર્મદા ડેમના ઓવરફ્લોથી તળાવો ભરવાની સરકારની યોજના બાદ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા સિંચાઈ વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆત સંદર્ભે શહેરના પીંડારીયુ, હુહુ(શુંશુ) તથા દેપલ તળાવ ભરવામાં આવશે તેવુ ધારાસભ્યએ જણાવ્યુ છે.
વિસનગર પંથકમાં ખેતીલાયક વરસાદ થયો છે. પરંતુ શહેરના તળાવો ભરાય તેવો એક સામટો ત્રણ-ચાર ઈંચ વરસાદ થયો નથી. જેના કારણે શહેરની આસપાસના તળાવો કોરા ધાકોર છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પુર હોનારતની પરિસ્થિતિ સર્જાઈ હતી. પરંતુ વિસનગર પંથકમાં સતત બે વર્ષથી ઓછા વરસાદના કારણે તળાવોમાં પાણી ખુટતા ભુગર્ભ તળ ઉંડા ઉતર્યા છે. જેના કારણે પાલિકાના ટ્યુબવેલ જોખમમાં મુકાયા છે. ગત વર્ષે વરસાદ નહોતો. આ વર્ષે પણ ભુગર્ભ જય સંચય થાય તેવો વરસાદ થયો નથી. પરિસ્થિતિ આવીજ રહે તો આવતા ઉનાળામાં ટ્યુબવેલો ડચકા ખાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
નર્મદા નદી ઉપરનો સરદાર સરોવર ડેમ ભયજનક સપાટી કરતા પણ ઉપર ભરાતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડેમમાં આવક થયેલ નર્મદા મૈયાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. જે વખતે જાહેરાત કરવામાં આવી હતી કે, ઉત્તર ગુજરાતના ૪૦૦ ઉપરાંત્ત તળાવો સરદાર સરોવર ઓવરફ્લોથી ભરાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ જાહેરાત બાદ વિસનગર શહેરની સુખાકારી માટે એક માત્ર ચીંતીત પાલિકા સભ્ય તેમજ વોટર વર્કસ ચેરમેન ફુલચંદભાઈ પટેલે પ્રથમ ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો ટેલીફોનીક સંપર્ક કરી શહેરના તમામ મોટા તળાવ ભરવા માટે રજુઆત કરી હતી. જોકે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તો મુખ્યમંત્રીની જાહેરાત બાદ તુર્તજ તળાવો ભરવા માટે પ્રયત્નીશીલ થઈ ગયા હતા. શહેરના કયા તળાવો ભરવામાં આવશે તે માટે ધારાસભ્યએ સીંચાઈ વિભાગનો સંપર્ક કરતા જાણવા મળ્યુ હતું કે, સરદાર સરોવરના ઓવરફ્લોથી પીંડારીયુ, સુંશી રોડ ઉપરનુ હુહુ તથા જાળેશ્વર રોડ ઉપરનુ દેપલ તળાવ ભરવામાં આવશે. દેળીયુ તળાવ એ વિસનગરનુ મોટામાં મોટુ તળાવ છે. વળી આ તળાવની આસપાસ એક પટણી દરવાજા વોટર વર્કસ સર્વે નં.૩૦૫ અને લાલ દરવાજા વોટર વર્કસમાં ટ્યુબવેલ આવેલા છે. જે ટ્યુબવેલના પાણીનો ઉપયોગ શહેરના અડધા કરતા મોટા વિસ્તારમાં થાય છે. આ ટ્યુબવેલ જીવંત રાખવા માટે દેળીયુ તળાવ ભરાય તે ખુબજ જરૂરી છે. પરંતુ ધરોઈના પાઈપલાઈનની કે નર્મદા નીર પાઈપલાઈનની કોઈ ફીજીબીલીટી મળતી નહી હોવાથી દેળીયુ તળાવ ભરી શકાશે નહી તેમ ધારાસભ્યએ જણાવ્યુ હતું.
જોકે સરદાર સરોવર ડેમના ઓવરફ્લોથી ધરોઈ, ચીમનાબાઈ વિગેરેમાં પાણી નાખવાનુ શરૂ થઈ ગયુ છે. પરંતુ વિસનગરના તળાવોમાં હજુ સુધી પાણી નાખવાનુ શરૂ થયુ નથી. ઓવરફ્લોની પાઈપલાઈનો અને કેનાલોમાં પાણી બંધ થાય, તળાવો ભરવાની યોજના અટકી જાય તે પહેલા વિસનગરના તળાવો ભરાઈ જાય તે માટે ધારાસભ્ય સતત પ્રયત્નમાં નહી રહે તો તળાવો ભરવા અશક્ય બનશે.

Leave a Reply

Top